ભારતની તાકાત: પાકિસ્તાનના 87 ટકા હિસ્સાને HDમાં જોઈ શકે છે ISRO
અંતરિક્ષમાં ભારતનો ડંકો વગાડનાર ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દેશ માટે રક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વની સંસ્થા છે. ISROના સેટેલાઈટ્સ પાકિસ્તાનના 87 ટકા હિસ્સા પર બાજ નજર રાખે છે અને HD ક્વોલિટીનું મેપિંગ કરે છે. આ બાલાકોટ એરસ્ટ્રાઈક જેવા ઓપરેશન્સ માટે આર્મી માટે મહત્વપૂર્ણ ઈનપુટ પૂરા પાડે છે.
પાકિસ્તાનના આટલા હિસ્સા પર છે નજરઃ
ભારતીય સેટેલાઈટ પાકિસ્તાનની કુલ 8.8 લાખ વર્ગ કિલોમીટરની જમીનમાંથી 7.7 લાખ વર્ગ કિલોમીટર પર નજર રાખવા સક્ષમ છે. તે ભારતીય કમાન્ડર્સને 0.65 મીટર સુધીની HD તસવીરો આપી શકે છે. આ ક્ષમતા બીજા પાડોશી દેશો માટે પણ છે. આપણા સેટેલાઈટ્સ 14 દેશના 55 લાખ વર્ગ કિલોમીટર હિસ્સાને મેપ કરી શકે છે. ચીન માટે હાલપૂરતી જાણકારી ઉપલબ્ધ નથી. સૂત્રએ જણાવ્યું, “આ કવરેજ કાર્ટોસૈટ સેટેલાઈટથી જોવા મળે છે. ઈસરો સેવા આપે છે પણ આ અંગે અમે કોમેન્ટ ન કરી શકીએ.”
પાકિસ્તાનના એક એક ઘરમાં જોઈ શકાયઃ
17 જાન્યુઆરીએ અંતરિક્ષના રાજ્ય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનના ઘરમાં જોઈ શકે છે અને આ વાત મજાક નથી. તેમણે કહ્યું, “ભારતના ઈન્ટગ્રેટિડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ ભારતને પાકિસ્તાનના ઘર અને ફળિયા જોવા સુધી સક્ષમ બનાવે છે.” ભારતીય એરફોર્સ ISROથી ઘણી ખુશ છે. એક એરમાર્શલે ગયા અઠવાડિયે કહ્યું હતું, “શું આપણે વધારે સેટેલાઈટ્સની જરૂર છે? 70 ટકા જરૂરિયાત તો પહેલેથી પૂરી થઈ ચૂકી છે અને આપણે ટ્રેક પર છીએ.”
આ સેટેલાઈટ્સનો ઉપયોગ કરે છે ISRO:
આર્મીની જે સેટેલાઈટ્સે મદદ કરી છે તેમાં કાર્ટોસેટ સીરીઝના સેટેલાઈટ, GSAT-7 અને GSAT 7A, IRNSS, માઈક્રોસૈટ, રિસૈટ અને HysIS શામેલ છે. ઈન્ડિવિજ્યુઅલ સ્પેસક્રાફ્ટ ગણીએ તો 10થી વધુ ઓપરેશનલ સેટેલાઈટ સેના યુઝ કરી રહી છે.