IPS અધિકારીનો પરિવાર ગામના કાચા મકાનમાં રહે છે, પિતા કરે છે ડ્રાઈવરની નોકરી, પરિવારની આવક વધી છતાં નથી બદલી જીવનશૈલી
એવા ઘણાં લોકો છે જે સાદું અને સરળ જીવન જીવવામાં માનતા હોય છે. ગમે તેટલા પૈસા અથવા પ્રતિષ્ઠા મળી જાય, તેઓ પોતાના ભૂતકાળને યાદ રાખે છે. આવું જ એક ઉદાહરણ પૂરું પાડે છે આંધ્ર પ્રદેશ કેડરના આઈપીએસ અધિકારીના માતા-પિતા. આ દંપતીએ અનેક તકલીફોનો સામનો કરીને દીકરાને અધિકારી બનાવ્યો, પરંતુ આજે પણ કાગવાડ તાલુકાના મોલ ગામમાં પતરાના શેડ વાળા કાચા મકાનમાં રહેવાનું પસંદ કરે છે.
63 વર્ષીય શ્રીકાંત અને 53 વર્ષીય સાવિત્રીનું કહેવું છે કે ગરીબીને કારણે તેમના દીકરા જગદિશ અડાહલ્લીને યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની પ્રેરણા મળી છે. તેમણે 440મો ક્રમાંક મેળવ્યો હતો. અત્યારે તે ક્રિષ્ના જિલ્લામાં વિજયવાડા ખાતે પ્રોબેશન પર છે. જગદિશે પોતાના જ ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પીયુ કોર્સ કરવા માટે અથાણી શહેર ગયા હતા. તેમણે SSLCમાં 80 ટકા અને PUCમાં 87 ટકા પરિણામ મેળવ્યુ હતું.
શ્રીકાંતે દીકરાને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનાવવા માટે બી.કોમમાં એડમિશન અપાવ્યુ હતું. તેઓ જણાવે છે કે, મારા દીકરાએ મારા સપનાને સાકાર કરવા માટે ઘણી મહેનત કરી. તેણે સીએની પરીક્ષામાં પણ ઘણું સારું પરિણામ મેળવ્યુ હતું, પરંતુ ત્યારપછી નસીબે ચક્ર ફેરવ્યું અને તે અધિકારી બની ગયો. ઉલ્લેખનીય છે કે શ્રીકાંત એક સુગર ફેક્ટરી માટે ડ્રાઈવર તરીકે કામ કરે છે. આ ફેક્ટરી સહકારી સંસ્થાની માલિકીની છે. પોતાના બાળકોના અભ્યાસ માટે તેમણે ઘણી લોન લીધી હતી. ચાર બાળકોમાં જગદિશ સૌથી નાના છે.
શ્રીકાંત જણાવે છે કે, વર્ષ 2013માં એક ઈલેક્શન ઓફિસરની કારના ડ્રાઈવર તરીકે મને પસંદ કરવામાં આવ્યો હતો. તેમણે મને યુપીએસસીની પરીક્ષા અને ભવિષ્યની સંભાવનાઓ વિષે વાત કરી હતી. મેં જગદિશને તે પરીક્ષા આપવા માટે સમજાવ્યો. મેં લોન લીધી અને તેને કોચિંગ માટે દિલ્હી મોકલ્યો. આ પહેલા જગદિશે 23મા ક્રમાંક સાથે KPSCની પરીક્ષા પણ પાસ કરી હતી તેમજ યુપીએસસી પાસ કર્યા પહેતા કાલાબુરાગીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે પણ કામ કર્યુ હતું.
સાવિત્રી અને શ્રીકાંત માટે પતરાનો આ શેડ આશાની એક નિશાની છે. સાવિત્રી કહે છે કે, અમે ઘણાં સંઘર્ષ કર્યા છે, પરંતુ ગરીબીએ અમને હિંમત આપી છે, મજબૂત બનાવ્યા છે. તો હવે જ્યારે અમારી આવક વધી ગઈ છે તો અમે કેવી રીતે આ જીવનશૈલીને છોડી દઈએ? શ્રીકાંત જણાવે છે કે, જ્યાં સુધી મારું સ્વાસ્થ્ય મને સાથ આપશે હું ડ્રાઈવર તરીકે કામ કરીશ અને બે એકર જમીનની દેખરેખ કરીશ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..