‘લેેડી સિંઘમ’ IPS અધિકારીની બહાદુરી તો જુઓ, રેપના આરોપીને સાઉદી અરબમાં જઈને પકડી લાવ્યા

દેશભરમાં બાળકીઓ પર થતાં ગુનાઓનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. પોલીસ આવી બાળકીઓને બચાવવા માટે અને તેમને ન્યાય અપાવવા માટે અનેક પ્રયાસો કરે છે. પરંતુ કેરળના તિરુવંતપુરમના એક મહિલા પોલીસ અધિકારીએ આ મામલે મિસાલ કાયમ કરી છે. કેરળના તિરુવનંતપુરમનાં કોલ્લમમાં એક વ્યક્તિ 2 વર્ષ પહેલાં 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચારીને સાઉદી અરેબિયા નાસી ગયો હતો. પોલીસમાં ફરિયાદ થયા બાદ પણ તેને પત્તો મેળવી શકાયો નહોતો. કેરળના સૌથી યુવા 29 વર્ષીય મહિલા IPS અધિકારી મેરિન જોસેફે સાઉદી અરેબિયાથી આ દુષ્ટને દબોચીને ભારત લાવવામાં સફળતા મેળવી છે. આ કેસ વર્ષ 2017નો છે. આરોપી સુનિલ કુમાર (ઉંમર વર્ષ 38) રિયાધથી કેરળ ફરવા માટે આવ્યો હતો. ભારત આવીને તેને પોતાના મિત્રની ભત્રીજી પર ઘણા દિવસો સુધી દુષ્કર્મ આચર્યું હતું.

બાળાએ પોતાની આપવીતી વર્ણવતાં આ મામલો પોલીસ સુધી પહોચ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં આરોપી સાઉદી અરેબિયા નાસી ગયો હતો. આરોપીને શોધી કાઢવા માટે લુકઆઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી. પરંતુ પોલીસને આરોપીને પકડી પાડવામાં કોઈ સફળતા મળી નહીં. આ દરમિયાન દુષ્કર્મનો ભોગ બનનારી બાળાને કોલ્લમનાં કારીડોડના સરકારી મહિલા રેસ્ક્યુ હોમમાં શિફ્ટ કરવામાં આવી હતી. ત્યાં આ બાળકીએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આશાનું કિરણ બન્યાં મેરિન જોસેફ

બાળકીના જીવન ટૂંકાવ્યા બાદ પરિવારની એક માત્ર આશા તેને ન્યાય અપાવવા માટેની હતી. આ આશાનું કિરણ બન્યાં IPS ઓફિસર મેરિન જોસેફ. ગત મહિને મેરિનનું પોસ્ટિંગ કોલ્લમમાં થયું હતું. પોતાનો પદભાર સંભાળ્યા બાદ તેમણે મહિલાઓ અને બાળકીઓના જૂના કેસ પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મેરિનની નજર આ બાળકીના કેસ પર પડી અને તરત જ કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

મેરિન જોસેફના જણાવ્યા અનુસાર તેમને જાણવા મળ્યું હતું કે, ‘આ કેસનો આરોપી બે વર્ષથી ફરાર છે. આરોપીને પકડવા માટે કેરળ પોલીસની આંતરરાષ્ટ્રીય તપાસ એજેન્સી સાઉદી અરેબિયાની પોલીસ સાથે કામ કરી રહી હતી. તેવામાં મેં આરોપીને પકડી પાડવાના પ્રયાસને વેગ આપ્યો. અમને માહિતી મળી કે સાઉદી પોલીસે આરોપી સુનીલની ધરપકડ કરી છે. આ વાતની જાણ થતાં જ અમે તરત સાઉદી જવા રવાના થયા અને તમામ ન્યાયિક પ્રક્રિયા પૂરી કર્યા બાદ આરોપીનું પ્રત્યાર્પણ કરીને ભારત લઈને આવ્યા.’ મેરિને સાઉદી જઇને તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ત્યાંના નિયમ પ્રમાણે બુરખો પહેર્યો હતો.

પ્રત્યાર્પણ

મેરિન જોસેફ પ્રથમ વખત આ પ્રકારે પ્રત્યાર્પણની પ્રક્રિયા કરી રહ્યાં હતાં. તેઓ આ પ્રક્રિયા વિશે સમજવા માગતાં હતાં, જેથી કરીને આ તમામ જાણકારી મેરિન તેમની અન્ય ટીમ સાથે શેર કરી શકે. આ પ્રક્રિયામાં ઘણું પેપરવર્ક હતું. આરોપીને ભારત લાવવામાં સીબીઆઈ અને ઇન્ટરપોલની ટીમ પણ સામેલ હતી. બાળકીને ન્યાય અપાવવા માટે અને સમાજમાં આવી ઘૃણાસ્પદ માનસિકતા ધરાવતા લોકોને પાઠ ભણાવવા માટે આરોપી સુનિલને ભારત દેશ લાવવો જરૂરી હતો. આ કેસમાં કોલ્લમ પોલીસે પણ ઘણું પેપરવર્ક કરવાનું હતું, જેથી મેરીને પોતે જ સાઉદી જવાનું નક્કી કર્યું હતું. મહિલાઓ અને બાળકીઓના કેસમાં દોષીઓને સજા અપાવવાનો મેરિનને પહેલાથી જ શોખ છે. જો મેરિન જેવા વિચાર અને તેમના જેવી બહાદૂરી રાખી આખું પોલીસ તંત્ર કામ કરે તો, ભારતમાં માસુમ બાળકીઓને ન્યાય અપાવવામાં અને પેન્ડિંગ કેસના સોલ્યુશન લાવવમાં વિલંબ થશે નહીં.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો