મજબૂત મનોબળનો માનવી: ડાકોરના ઉમેશ દેસાઈ 19 વર્ષમાં 2700 વખત ડાયાલિસિસ કરાવી ચૂક્યા છે છતાં પણ રોજ કપાલભાતિના 900 સ્ટ્રોક મારે છે

બંને કિડની ફેઈલ થઈ ગઈ છે એવું સાંભળતાં જ ભલભલા શૂરવીરોના હાંજા ગગડી જાય છે. પરંતુ મજબૂત મનોબળ હોય તો ગમેતેવા વિષમ સંજોગોનો સામનો કરી શકાય છે… કિડની ફેલ્યોરનો પણ… આનું જીવતું ઉદાહરણ છે ડાકોરના 47 વર્ષીય ઉમેશ દેસાઈ ઉર્ફે ગલાભાઈ. બંને કિડની ફેઈલ હોવાને કારણે છેલ્લા 19 વર્ષમાં 2700થી વધુ વખત ડાયાલિસિસ કરાવી ચૂકેલા ઉમેશભાઈ યોગ-પ્રાણાયામ અને સંયમિત જીવનશૈલીથી અન્ય કિડનીના રોગના દર્દીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.

પત્ની અને પરમાત્માને આત્મબળ સમજતા ઉમેશભાઈ કિડની ફેલ્યોર બાદ બે વખત જીવલેણ રોગમાં સપડાઈ ચૂક્યા છે. પરંતુ તેઓ બંને વખતે પોતાનો જીવ બચાવવા બદલ સ્વ. ડો. એચ. એલ. ત્રિવેદી અને અમદાવાદ કિડની હોસ્પિટલમાં આઈ.કે.ડી.સી.ના સ્ટાફનો પાડ માને છે. તેઓ નડિયાદ સિવિલ ડાયાલિસિસના સ્ટાફની કામગીરીને પણ વંદન કરે છે.

ઉમેશભાઈના 1 ડિસેમ્બર, 2001ના રોજ શ્વેતાબેન સાથે પ્રેમલગ્ન થયા. પરંતુ 7 જાન્યુઆરી 2002ના રોજ તેમની બન્ને કિડની ફેલ્યોરના રિપોર્ટ આવ્યા હતા. આવામાં ઉમેશભાઈને તેમના પરિવારે તરછોડી દીધા. ગોઝારી માનસિક, શારીરિક અને આર્થિક પીડાઓથી ગ્રસ્ત ઉમેશભાઈને સાસરિયાએ સંપૂર્ણ સાથ આપ્યો. તેમના સાસુ ઈન્દિરાબેન પોપટે તો પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની તૈયારી બતાવી. પરંતુ તેમના અને ઉમેશભાઈના LCM મેચ ન થતાં ઉમેશભાઈ અઠવાડિયામાં બેથી ત્રણ વખત ડાયાલિસિસ કરાવવા મજબૂર છે.

2004માં ડેન્ગ્યુ, 2014માં સ્વાઈન ફ્લુની ઘાત ટાળી આબાદ બચ્યા

પત્ની શ્વેતા દેસાઈ જેને કર્તવ્ય પાલન કહે છે તેને ઉમેશભાઈ તપશ્ચર્યા અને જીવનદાયીની ગણવે છે. તેઓ જણાવે છે કે 2004માં તેઓ ડેન્ગ્યુની જીવલેણ બીમારીમાં ફસાયા ત્યારે પ્લેટલેટ 8000થી નીચે ગયા હતા. ડોકટરોએ હતાશ મુખે લાચાર શબ્દો કહેતા પત્ની પણ તૂટી પડી હતી. જો કે પત્ની શ્વેતાનું ડાયાલિસિસ કરી તે સેલ ઉમેશભાઈને આપતા તેમનું જીવન બચી ગયું હતું. એ જ પ્રમાણે 2014માં ઉમેશભાઈ સ્વાઈન ફલૂના ભરડામાં સપડાયા. ત્યારેપણ મૃત્યુનો તેમણે સામનો કર્યો, પરંતુ પત્ની શ્વેતાની પ્રાર્થનાથી તેઓ બચી ગયા.

દરરોજે કપાલભાતિ પ્રાણાયામના 900 સ્ટ્રોક, એક ટાઈમ ભોજન

ઉમેશભાઈ દરરોજે સવારે 5.00 વાગ્યે ઉઠી એક કલાક યોગ-પ્રાણાયામ કરે છે. તેઓ કપાલભાતિ પ્રાણાયામ કે જેમાં શ્વાસ છોડતા પેટના ભાગને અંદર ઝાટકો મારવાનો હોય છે તેવા 900 (નવસો) સ્ટ્રોક મારે છે. ડાકોરના ઠાકોર રણછોડરાયજીની નિયમિત મંગળા આરતી બાદ અડધો કપ ચાની સાથે એકાદ ખાખરાનો હળવો નાસ્તો કરે છે. તેઓ 24 કલાક દરમ્યાન માત્ર એક ટાઈમ જમે છે અને 700 મિલિ જેટલું લિકવિડ લે છે. તેમનું વજન 67 કિલોથી વધે નહિ તેની સંપૂર્ણ ચુસ્ત કાળજી રાખે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો