બે સંતો એ વાત પર ઝઘડો કરવા લાગ્યા કે બંનેમાંથી મોટો સંત કોણ છે, ત્યારે ત્યાં નારદ મુનિ આવી ગયા અને તેમણે કહ્યુ કે તેનો નિર્ણય કાલે કરીશું, જાણો પછી શું થયું..

પ્રાચીન સમયમાં બે સંત એક સાથે રહેતા હતા. બંનેની ભક્તિની રીત જુદી-જુદી હતી. એક સંત આખો દિવસ તપસ્યા અને મંત્ર જાપ કરતા રહેતા હતા. જ્યારે બીજા સંત રોજ સવાર-સાંજ પહેલા ભગવાનને પ્રસાદ ધરાવતા અને પછી સ્વયં ભોજન કરતા હતા. એક દિવસ બંનેની વચ્ચે ઝઘડો થવા લાગ્યો કે મોટો સંત કોણ છે? આ દરમિયાન ત્યાં નારદ મુનિ પહોંચી ગયા.

નારદે બંને સંતને પૂછ્યુ કે કઈ વાત માટે ઝઘડો કરી રહ્યા છો? સંતોએ જણાવ્યું કે અમે એ નક્કી નથી કરી શકતા કે બંનેમાંથી મોટો સંત કોણ છે? નારદે કહ્યું કે આ તો નાનકડી વાત છે, તેનો નિર્ણય હું કાલે કરી દઇશ.

બીજા દિવસે નારદ મુનિએ મંદિરમાં બંને સંતોની જગ્યાએ હીરાની એક-એક વીટી રાખી દીધી.

પહેલા તપ કરનારા સંત ત્યાં પહોંચ્યા તેણે એક વીટી જોઇ અને ચૂપચાપ તેને પોતાના આસન નીચે સંતાડીને મંત્રજાપ કરવા લાગ્યા.

થોડી વારમાં બીજા સંત ભગવાનને પ્રસાદ ધરાવવા પહોંચ્યા. તેણે પણ હીરાની વીટી જોઈ, પરંતુ તેણે વીટીની તરફ ધ્યાન ન આપ્યું. ભગવાનને પ્રસાદ ધરાવ્યો અને જમવા લાગ્યો. તેણે વીટી ન ઉપાડી, તેના મનમાં લાલચ ન જાગ્યો કારણ કે તેને વિશ્વાસ હતો કે ભગવાન રોજ તેના માટે જમવાની વ્યવસ્થા જરૂર કરશે. ત્યારે ત્યાં નારદજી આવી ગયા. બંને સંતોએ પૂછ્યુ કે હવે તમે જણાવો કે અમારા બંનેમાં મોટો સંત કોણ છે?

નારદે તપસ્યા કરનાર સંતને ઊભા થવા માટે કહ્યુ, જેમ તે સંત ઊભો થયો તેના આસન નીચે છુપાયેલી વીટી દેખાઇ ગઈ.

નારદ મુનિએ તેને કહ્યુ કે તમારા બંનેમાં પ્રસાદ ધરાવીને ભોજન ગ્રહણ કરનાર સંત મોટો છે. તપસ્યા કરનાર સંતમાં ચોરી કરવાની ખરાબ આદત છે, તેણે ભક્તિના સમયે ચોરી કરવાથી સંકોચ ન કર્યો જ્યારે પ્રસાદ ધરાવનાર સંતે વીટીની તરફ ધ્યાન સુદ્ધાં ન આપ્યું. આ કારણે તે મોટો સંત છે.

બોધપાઠ

આ કથાની શીખ એ છે કે જે વ્યક્તિ ભક્તિ કરે છે તેને તમામ બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ.. સાચો ભક્ત ક્યારેય પણ કોઈ લાલચમાં ફંસાતો નથી. તેને ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ હોય છે. એટલે તે ક્યારેય પણ આવનારા સમય વિશે નથી વિચારતો, માત્ર ભક્તિમાં મગ્ન રહે છે.

આ પણ વાંચજો – સંતને એક સફરજન મળ્યું, તેમણે વિચાર્યુ કે આ મારી સંપત્તિ નથી તેને તેના સાચા માલિકને આપી દેવું જોઈએ, જાણો પછી શું થયું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો