આજે અષાઢી પૂર્ણિમાનો તહેવાર છે. આ તિથિએ ઉજવાતો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતાં પણ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગુરુ જ આપણને ધર્મ અને અધર્મ વિશે જ્ઞાન આપે છે. મહાભારત, રામાયણમાં અનેક ગુરુ વિશે દર્શાવવામાં આવ્યું છે. જાણો એવાં જ 6 મુખ્ય ગુરુઓ વિશે જેમને દેવી-દેવતાઓ પણ સન્માન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પરશુરામ
પરશુરામને અષ્ટ ચિરંજીવીઓ પૈકીના એક માનવામાં આવે છે. તેઓ મહાન યોદ્ધા અને ગુરુ પણ છે. જન્મથી બ્રાહ્મણ પરંતુ સ્વભાવે ક્ષત્રિય જેવા. પરશુરામને ભગવાન વિષ્ણુનાં અંશ અવતાર માનવામાં આવે છે. તેમણે ભગવાન શિવ પાસેથી અસ્ત્ર-શસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી હતી. તેમનાં પિતાનું નામ ઋષિ જમદગ્નિ અને માતાનું નામ રેણુકા હતું. મહાભારતકાળમાં ભીષ્મ, દ્રોણાચાર્ય અને કર્ણ તેમના શિષ્યો હતા.
મહાભારતના ઉલ્લેખ મુજબ કર્ણ પરશુરામનાં શિષ્ય હતા. કર્ણએ પરશુરામને પોતાનો પરિચય એક બ્રાહ્મણપુત્ર તરીકે આપ્યો હતો. એકવાર જ્યારે પરશુરામ કર્ણના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા હતા. તે સમયે કર્ણને એક ભમરો ડંખી રહ્યો હતો. ગુરુની ઊંઘમાં કોઈ ખલેલ ન પડે તે માટે કર્ણ ભમરાનો ડંખ સહન કરતા રહ્યા.
પરશુરામ જ્યારે ઊંઘમાંથી ઉઠ્યા તો તેમણે આ દ્રશ્ય જોયું અને સમજી ગયા કે કર્ણ બ્રાહ્મણપુત્ર નહીં પણ ક્ષત્રિય છે. ત્યારે ક્રોધમાં આવીને પરશુરામે કર્ણને શ્રાપ આપ્યો કે મારી શિખવેલી શસ્ત્ર વિદ્યાની જ્યારે તને ખૂબ જરૂર હોય ત્યારે તે વિદ્યાને ભૂલી જઈશ. આમ પરશુરામે આપેલા શાપના કારણે કર્ણનું મોત થયુ હતુ.
મહર્ષિ વેદવ્યાસ
મહર્ષિ વેદવ્યાસ ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેમનુ આખુ નામ કૃષ્ણદ્વૈપાયન હતુ. તેમણે જ વેદોના ભાગ પાડ્યા હતા. તેથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું. મહાભારત જેવા શ્રેષ્ઠ ગ્રંથની રચના પણ તેમણે જ કરી હતી. તેમના પિતા મહર્ષિ પારાશર તથા માતા સત્યવતી હતા. પાલ, જૈમિન, વૈશમ્પાયન, સુમન્તુ મુનિ, રોમહર્ષણ વગેરે મહર્ષિ વેદવ્યાસનાં મહાન શિષ્યો હતા.
એક વખત મહર્ષિ વેદવ્યાસ હસ્તિનાપુર ગયા હતા. જ્યાં ગાંધારીએ તેમની ખૂબ સેવા કરી હતી. તેમની સેવાથી પ્રસન્ન થઈને મહર્ષિએ તેમને સો પુત્રોની માતા બનવાનું વરદાન આપ્યુ હતુ. સમય જતાં ગાંધારી ગર્ભવતિ બની, પરંતુ તેમનાં ગર્ભમાંથી માંસનો ગોળ પિંડ નીકળ્યો. ગાંધારી તેને નષ્ટ કરવા માંગતી હતી. આ વાત વેદવ્યાસને મળતાં તેમણે ગાંધારીને કહ્યું કે તે 100 કૂંડનું નિર્માણ કરાવે અને તેને ઘીથી ભરી દે. ત્યારબાદ મહર્ષિ વેદ વ્યાસે ગાંધારીના ગર્ભમાંથી આવેલા પિંડના 100 ટૂકડા કરી અલગ-અલગ કૂંડમાં નાખ્યા. થોડા સમય બાદ એ તમામ કૂંડમાંથી ગાંધારીનાં 100 પુત્રોનો જન્મ થયો.
દેવગુરુ બૃહસ્પતિ
દેવતાઓના ગુરુ તરીકે બૃહસ્પતિને સ્થાન મળ્યું છે. મહાભારતના આદિપર્વમાં કરેલા ઉલ્લેખ મુજબ બૃહસ્પતિ મહર્ષિ અંગિરાના પુત્ર છે. તેઓ પોતાના જ્ઞાન થકી દેવતાઓને તેમનો યજ્ઞનો ભાગ પ્રાપ્ત કરાવે છે. ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ મુજબ, જ્યારે અસુરો દેવતાઓને હરાવવા માટે પ્રયત્ન કરતા હતા ત્યારે દેવગુરુ બૃહસ્પતિએ રક્ષા મંત્રોનો ઉપયોગ કરીને દેવતાઓનું રક્ષણ કરતા હતા.
એક વખત દેવરાજ ઈન્દ્ર કોઈ કારણસર સ્વર્ગ છોડી ચાલ્યા ગયા હતા. તેમનાં સ્થાને રાજા નહુષને સ્વર્ગના રાજા બનાવાયા હતા. સ્વર્ગના રાજા બનતાની સાથે જ નહુષના મનમાં પાપ આવ્યું અને તેણે ઈન્દ્રની પત્ની શચી ઉપર પણ અધિકાર જમાવવાનો પ્રયાસ કર્યો.
આ વાત શચીએ દેવગુરુ બૃહસ્પતિને જણાવી. દેવગુરુ બૃહસ્પતિએ શચીને કહ્યું કે, તમે નહુષ સામે એવી શરત મુકજો કે જો તે સપ્તર્ષિ દ્વારા ઉઠાવાયેલી પાલખીમાં બેસીને આવશે તો જ તેનો સ્વીકાર કરશે. શચીએ આ શરત નહુષ સામે મૂકી. નહુષે તે વાતને આનુસર્યા. સપ્તર્ષિ જ્યારે પાલખી ઉઠાવીને ચાલી રહ્યા હતા ત્યારે નહુષે એક ઋષિને લાત મારી દીધી હતી. ક્રોધે ભરાયેલા અગત્સ્ય ઋષિએ તેજ સમયે તેને સ્વર્ગમાંથી નીચે ઉતરી જવાનો શ્રાપ આપ્યો હતો. આ રીતે દેવગુરુ બૃહસ્પતિનિ સલાહથી શચીનો પતિવ્રતા ધર્મ સચવાયો હતો.
શુક્રાચાર્ય
શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ હતા. તેઓ ભૃગુ ઋષિ તથા હિરણ્યકશ્યપની પુત્રી દિવ્યાના પુત્ર હતા. તેમનુ બાળપણનુ નામ શુક્ર ઉશનસ હતુ. તેમને ભગવાન વિષ્ણુએ મૃત સંજીવની વિદ્યાનું જ્ઞાન આપ્યુ હતુ. જેના આધારે તેઓ મૃત દૈત્યને પુનઃ જીવિત કરી દેતા હતા.
ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં જ્યારે રાજા બલિ પાસે ત્રણ પગ ભૂમિ માગી ત્યારે શુક્રાચાર્ય સુક્ષ્મરૂપમાં બલિના કમંડળમાં જઈને બેસી ગયા, જેથી પાણી બહાર ન આવે અને બલિ ભૂમિદાનનો સંકલ્પ ન કરી શકે. ત્યારે વામન ભગવાને બલિના કમંડળમાં એક તણખલું નાંખ્યું, જેનાથી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. તેથી તેમને એકાંક્ષ એટલે કે એક આંખ વાળા તરીકે પણ ઓળખવામાં આવે છે.
વશિષ્ઠ ઋષિ
ઋષિ વશિષ્ઠ રઘુવંશના કુળ ગુરુ તરીકે ઓળખાય છે. તેમનાં જ પરમાર્થથી રાજા દશરથે પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો હતો. તેમના પુણ્ય ફળથી જ શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ્નનો જન્મ થયો હતો. ભગવાન રામે પણ તમામ વેદોનું જ્ઞાન વશિષ્ઠ ઋષિ પાસેથી જ મેળવ્યું હતું. શ્રીરામના વનવાસથી પરત ફર્યા બાદ તેમણે જ રાજ્યભિષેક કરાવ્યો હતો અને રામરાજ્યની સ્થાપના શક્ય બની. તેમણે વશિષ્ઠ પુરાણ, વશિષ્ઠ શ્રાદ્ધકલ્પ, વશિષ્ઠ શિક્ષા વગેરે ગ્રંથોની રચના કરી હતી.
એક વખત રાજા વિશ્વામિત્ર શિકાર માટે જતાં ખૂબ દૂર સુધી નીકળી ગયા હતા. થોડી વારમાં આરામ કરવા માટે તેઓ ઋષિ વશિષ્ઠનાં આશ્રમે રોકાયા હતા. જ્યાં તેમણે કામધેનુ નંદિનિને જોયા હતા. નંદીની ગાયને જોયા પછી વિશ્વામિત્રએ વશિષ્ઠને કહ્યું કે આ ગાય મને આપો. તેના બદલામાં આપને જે જોઈએ તે મારી પાસેથી માંગી લો. પરંતુ ઋષિ વશિષ્ઠે ના પાડી હતી. ત્યારે રાજા વિશ્વામિત્ર નંદિનીને જબરજસ્તી પોતાની સાથે લઈ જતા હતા. ત્યારે ઋષિ વશિષ્ઠના કહેવા પર નંદિનીએ ક્રોધિત થઈને વિશ્વામિત્ર સહિત તેમની આખી સેનાને ભગાડી મૂકી હતી. ઋષિ વશિષ્ઠનું બ્રહ્મતેજ જોઈને વિશ્વામિત્ર આશ્ચર્યચકિત થયા અને તેઓ પોતાનું રાજ્ય છોડી તપશ્યા કરવા લાગ્યા.
ગુરુ સાંદિપની
મહર્ષિ સાંદિપની ભગવાન શ્રીકૃષ્ણના ગુરુ હતા. શ્રીકૃષ્ણ અને બલરામ તેની પાસેથી જ્ઞાન મેળવવા માટે મથુરાથી ઉજ્જયિની (હાલનું ઉજ્જૈન) ગયા હતા. મહર્ષિ સાંદિપનીએ જ ભગવાન શ્રીકૃષ્ણને 64 કળાઓનું શિક્ષણ આપ્યું હતું. શ્રીકૃષ્ણએ આ કળાઓ માત્ર 64 દિવસમાં જ શીખી લીધી હતી. મધ્યપ્રદેશના ઉજ્જેન શહેરમાં આજેપણ સાંદિપનીનો આશ્રમ આવેલો છે.
મથુરામાં કંસ વધ પછી ભગવાન શ્રીકૃષ્ણને વાસુદેવ અને દેવકીએ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે અવંતિકા નગરી (હાલમાં મધ્યપ્રદેશનું ઉજ્જૈન)માં સાંદિપની પાસે મોકલ્યા. શિક્ષણ મેળવ્યા પછી જ્યારે ગુરુદક્ષિણાની વાત આવી ત્યારે ઋષિ સાંદિપનીએ શ્રીકૃષ્ણને કહ્યું કે તમારી પાસેથી શું માંગુ? સંસારમાં કોઈ એવી વસ્તુ નથી જે તમારી પાસેથી માંગુ અને તમે આપી શકો. શ્રીકૃષ્ણએ કહ્યું કે, આપ મારી પાસેથી કંઈપણ માગી શકો, હું લાવી આપીશ અને ત્યારે જ ગુરુ દક્ષિણા પુરી થઈ ગણાશે. ઋષિ સાંદિપનીએ પછી કહ્યું કે, શંખાસુર નામનો દૈત્ય મારા પુત્રને ઉપાડી ગયો છે. તેને પાછો લાવી આપો. શ્રીકૃષ્ણએ ગુરુ પુત્રને પરત લાવવાનું વચન આપ્યું અને બલરામ સાથે તેને શોધવા માટે નીકળ્યા હતા.
તેને શોધતા-શોધતા સમુદ્ર કિનારા સુધી પહોંચી ગયા. સમુદ્રને પૂછ્યું તો તેણે ભગવાનને જણાવ્યું કે, પંચજ જાતિનો દૈત્ય શંખના રૂપમાં સમદ્રમાં છુપાયેલો છે. બની શકે કે તેણે જ તમારા ગુરુનાં પુત્રને ખાધો હોય. ભગવાને સમુદ્રમાં જઈને શંખાસુરને મારીને તેના પેટમાંથી ગુરુપુત્રને શોધી પણ મળ્યો નહીં. શંખાસુરના શરીરનો શંખ લઈને ભગવાન યમલોક પહોંચ્યા. ભગવાન યમરાજ પાસેથી ગુરુપુત્ર પાછો લાવ્યા અને સાંદિપનીને તેમનો પુત્ર પાછો આપી ગુરુદક્ષિણાનું વચન પુરું કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..