મ્યાનમાર બોર્ડર પર ફરી ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક, 80 ઉગ્રવાદીઓ જીવતા પકડાયા
પૂર્વોત્તર વિસ્તારમાં ભારત અને મ્યાંમારે ઉગ્રવાદી સંગઠનો પર સંયુક્ત કાર્યવાહી કરી છે. બન્ને દેશોની સેનાઓએ પોત પોતાની સરહદો પર ઉગ્રવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. કાર્યવાહી દરમિયાન નાસી રહેલા ઉગ્રવાદીઓને ઝડપી પડાયા છે.
ન્યૂઝ પેપર ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ પ્રમાણે સેનાએ ઉગ્રવાદીઓ વિરોધી આ કાર્યવાહીને ઓપરેશન સનસાઈન-2 નામ આપ્યું છે. ભારતીય સરહદની અંદર આ ઓપરેશનમાં ઈન્ડિયન આર્મીની બે બટાલિયન ઉપરાંત સુરક્ષા બળ, આસામ રાઈફલ્સના જવાન સામેલ હતા.
આ જ વર્ષે 22થી 26 ફેબ્રુઆરી વચ્ચે ઓપરેશન સનસાઈન-1 ચલાવાયું હતુંઃ
આ પહેલા આ જ વર્ષે 22થી 26 ફેબ્રુઆરી વચ્ચે ઓપરેશન સનસાઈન-1 ચલાવવામાં આવ્યું હતું. તે સમયે ભારતીય સેનાએ ભારતીય વિસ્તારમાંથી સંદિગ્ધ અરાકાન વિદ્રોહી કેમ્પો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ભારતીય સેનાની કાર્યવાહી દરમિયાન ભાગી રહેલા વિદ્રોહીઓને સેનાના જવાનોએ ઝડપી પાડ્યા હતા.
ઓપરેશન સનસાઈન-2માં ભારતીય સેનાએ અંદાજે 70થી 80 ઉગ્રવાદીઓની ધરપકડ કરીઃ તો બીજી બાજુ ઓપરેશન સનસાઈન-2માં ભારતીય સેનાએ અંદાજે 70થી 80 ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. આ તમામને પોલીસને સોંપી દેવાયા હતા. સૂત્રોએ જણાવ્યું કે, ઓપરેશન સનશાઈન-2 હેઠળ NSCN-Kના ઓછામાં ઓછા સાતથી આઠ કેમ્પો ઉપરાંત અલ્ફા KLO,NEFTના ઠેકાણાઓને મ્યાંમારની સેનાએ નષ્ટ કરી દીધા છે.
રિપોર્ટ પ્રમાણે, સરકારી સૂત્રોએ આ ઓપરેશનને સફળ ગણાવી છે. આ ઓપરેશન બન્ને દેશોની સેનાઓના જવાનો દ્વારા પાર પડાયું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ઓપરેશન સનસાઈન-2 દરમિયાન બન્ને દેશોની સેનાઓ વચ્ચેના વિશ્વાસને કારણે આ ઓપરેશન સફળ રહ્યું છે.
અધિકારી પ્રમાણે, 2015માં ભારતીય સેનાએ ઉગ્રવાદી સંગઠન NSCN-K વિરોધી સીમા પારથી કરેલા ઓપરેશનના કારણે મ્યાંમારની સેના નારાજ હતી. પરંતુ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યાની સાથે મ્યાંમારની સેનાની આ ફરિયાદ પણ ખતમ થઈ ગઈ હતી.