વડોદરામાં થર્ટીફર્સ્ટની રાતે દારૂના નશામાં દીકરાની ધરપકડ થતાં ભાજપની મહિલા કોર્પોરેટરે પોલીસ સ્ટેશન માથે લીધું

વડોદરા પોલીસે થર્ટીફર્સ્ટની નાઈટે બ્રેથ એનેલાઇઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં મોડી રાત્રે વોર્ડ નં.14નાં ભારતીય જનતા પાર્ટીનાં મહિલા કાઉન્સિલર જેલમબેન ચોકસીના પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ જતાં સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ લઈ ગઈ હતી. એની જાણ ભાજપ કોર્પોરેટર માતાને જાણ થતાં તેમણે દીકરાને છોડાવવા માટે પોલીસ સ્ટેશન માથે લીધું હતું. હોબાળો મચાવતાં મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. એટલું જ નહીં, પણ એક પોલીસકર્મચારીનું જેકેટ પણ ખેંચતાણમાં ફાટી ગયું હતું.

થર્ટીફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનરની સૂચનાથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકિંગ કર્યું હતું. એટલું જ નહીં, ફતેગંજ વિસ્તારમાં તો મુખ્ય રસ્તા પર બેરિકેડ્સ મૂકી રસ્તો બંધ કરી દઈ થર્ટીફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. દરમિયાનમાં ગઈકાલે મોડી રાત્રે ચાર દરવાજા વિસ્તારમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું, એ દરમિયાન ભાજપનાં મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીનો પુત્ર કુણાલ ચોકસી દારૂ પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો અને તેને સિટી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો.

આ કિસ્સાની જાણ ભાજપનાં મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીને થતાં તેઓ તેમના ટેકેદારો અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયાં હતાં. પોલીસકર્મચારીઓને દારૂ પીવાનો કોઈ મોટો ગુનો નથી કે, તમે બધા તેને ફરી વળ્યા છો. દૂર હટી જાઓ, એમ કહી હોબાળો મચાવ્યો હતો. જે અંગેનો વીડિયો પણ વાઇરલ થયો હતો. પોલીસકર્મચારીઓ અને ભાજપનાં મહિલા કોર્પોરેટરના કેટલાક ટેકેદારો તથા પરિવારજનો વચ્ચે ખેંચાતાણી પણ થઈ હતી. એમાં એક પોલીસકર્મચારીનું જેકેટ પણ ફાટી ગયું હોવાનું જાણવા મળે છે. પોલીસ સાથેના વર્તન અંગે ભારતીય જનતા પાર્ટીનાં મહિલા કોર્પોરેટરનો વીડિયો વાઇરલ થયો છે. એમાં તેઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી પણ સંભળાય છે.

પોલીસ સ્ટેશનમાં આવીને ભાજપ મહિલા કોર્પોરેટર જેલમબેન ચોકસીએ તેમના દીકરાને માર્યો છે, એમ કહી હાજર રહેલા પોલીસકર્મચારીઓનો ઊધડો લીધો હતો. એ સમયે કુણાલ ચોકસીને કસ્ટડીમાં લઇ જતાં તેનો હાથ પકડતાં જેલમબેન ફરી ગુસ્સે થઈ હાથ પકડતા નહીં એમ કહી હોબાળો મચાવ્યો હતો. તેની સામે પોલીસના કર્મચારીઓએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે તમે દાદાગીરી કરો છો, યોગ્ય નથી. તમે કોર્પોરેટર છો, એટલે શું થઈ ગયું એમ કહેતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા કુણાલ ચોકસી સામે આખરે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. એટલું જ નહીં, તેને છોડાવવા માટે પણ ભાજપના કેટલાક અગ્રણીઓએ પણ દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો