દરેક લોકો સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરજો
“મારે વારસામાં બધુ તૈયાર નથી જોઇતુ મારે મારા બાવળાના બળે વિસ્તરવુ છે.” આ વિચારસરણી આજના બાળકોમાંથી અને યુવાનોમાંથી અદ્રશ્ય થતી જાય છે એટલે આજે આવા વ્યક્તિવ્યની મહામંદી ચાલી રહી છે. મંદી માત્ર વેપાર-ઉદ્યોગમાં જ હોય એવુ નથી આપણી કમનસીબી તો એ છે કે આપણે ત્યાં વિચારોમાં પણ મંદી ચાલી રહી છે. મહેનત કરીને મેળવવાની માનસિકતાને આપણે દેશવટો આપી દીધો હોય એવુ લાગે છે. આ વાત બધાને લાગુ પડતી નથી કેટલાક આમાં અપવાદ હોય છે પણ મોટાભાગનાને મફતમાં મેળવવાનો જીવલેણ રોગ લાગુ પડી ગયો છે એ નરી વાસ્તવિકતા છે.
મહેનત વગર જ બધુ મેળવી લેવાની આ માનસિકતાનો જન્મ વિદ્યાર્થી અવસ્થામાંથી જ થાય છે. પરિક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ રેફરન્સ બુકો વાંચવાનું તો એક બાજુ રહ્યુ, પાઠ્યપુસ્તકો પણ વાંચતા નથી. બજારમાં આઇએમપી પ્રશ્નોની મળતી નાની-નાની પુસ્તિકાઓ વાંચીને પાસ થઇ જવાની મનોકામના સેવતા થઇ ગયા છે. થોડા મહીના પહેલા મારી ઓફીસ પર એક યુવક મને મળવા માટે આવેલો. એને યુપીએસસીની પરિક્ષા પાસ કરીને કલેકટર થવાની ઇચ્છા હતી. મને કહે “સાહેબ, મેં ફોર્મ ભરી દીધુ છે અને હમણા બે મહિના પછી પરિક્ષા છે તો પરિક્ષા પાસ કરવા માટે હું કઇ ચોપડી વાંચુ ?“ મને તો એમનો પ્રશ્ન સાંભળીને જ ચક્કર આવી ગયા કે આ ભાઇ યુપીએસસીને શું સમજે છે ? જો કે એમા કદાચ એનો પણ વાંક નથી કારણકે આપણે નાનપણથી જ શોર્ટકટ લેવા ટેવાયેલા છીએ. “એક મહીનામાં કડકડાટ ઇંગ્લીશ બોલતા શીખો” વાળા કલાસમાં આજે પણ એડમીશન લેવા પડાપડી થતી હોય છે.
કોલેજમાં કે આગળના ઉચ્ચ અભ્યાસમાં કોઇ બાબત પર સંશોધનાત્મક લેખ લખવાનો હોય તો હવે ‘ગુગલ બાબા’ ની મદદથી ઇન્ટરનેટ પરથી આડુ અવળુ તફડાવીને કોપી-પેસ્ટ કરવામાં આપણે માહેર થઇ ગયા છીએ. પહેલાના સમયમાં મહીના-મહીનાની રઝળપાટ કરીને અને લાઇબ્રેરીમાં કેટલાય પુસ્તકો ફેંદીને જે માહીતી જાત મહેનતે ભેગી કરતા એ હવે માત્ર એકાદ કલાક ઇન્ટરનેટ પર બેસીને સહેલાઇથી મેળવી લે છે. હવે તો લોકો પીએચડીના થીસીસ પણ વેંચાતા લઇ લે છે. જીવનમાં સૌથી આગળ નીકળી જવુ છે પણ મહેનત કંઇ કરવી નથી. હિમાલયની ટોચ પર પહોંચવુ છે પણ એક ડગલુ આગળ માંડવાની તૈયારી નથી.
તમને તૈયાર મળી જશે તો એની મજા નહી જ આવે એ પાક્કુ. અમે નાના હતા ત્યારે રજાઓના દિવસમાં બોર વિણવા માટે જતા ( ખેતરના કિનારા પર અને અવાવરુ જગ્યામાં બોરડીઓ ઉગી હોય એમાં નાના ચણીબોર આવે આ ચણીબોર બોરડીમાંથી તોડવાના) જાતે વિણેલા આ બધા જ બોર મીઠા હોય એવુ ન બને એમાં કેટલાય બોર ખાટા પણ હોય આમ છતા બધા જ બોર બહુ મીઠા લાગે કારણકે બોર વિણતી વખતે બોરડીના કાંટા હાથ પર વાગ્યા હોય એટલે એના પ્રતાપે ખાટા બોર પણ મીઠા થઇ જાય. જેમણે બોર વિણ્યા હશે એને આ વાત સમજાશે બાકીનાને ઉપરથી જશે…. તમે જ્યારે તમારી જાતે ઘરે કોઇ રસોઇ બનાવો તો એ તમને તમારા શહેરના સારામાં સારા રેસ્ટોરન્ટ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે. જે વસ્તુ તૈયાર મળી જાય છે એનુ મૂલ્ય માણસને સમજાતુ નથી પણ પરસેવો પાડીને જે મેળવ્યુ હોય એનુ મહત્વ સમજાય છે.
અમીર પિતાના સંતાનોની પ્રગતિમાં બાપની અમર્યાદ સંપતિ પણ ઘણીવખત બાધારુપ બનતી હોય છે. ‘બાપા જે કંઇ કમાય છે અને એમણે જે કંઇ ભેગુ કર્યુ છે એ આપણું જ છે ને ? આપણે ક્યાં કંઇ બહુ મહેનત કરવાની જરૂર છે ? એયને મજા કરીએ અને સમય આવ્યે ત્યારે જોયુ જાશે ?’ આ જ માનસિકતા યુવાન પાસેથી એનુ શૌર્ય છીનવી લે છે. ઘણીવખત તમે ધુમસ્ટાઇલથી બાઇક ચલાવતા યુવાનોને જોયા હશે. લાખો રૂપિયા ખર્ચીને દિકરાને બાઇક અપાવનાર પિતા એને સાહસી નથી બનાવતા ઉલટાનું સાહસ છીનવી લે છે. આનો મતલબ એવો બિલકુલ નથી કે સંતાનોને સુખસગવડ ન આપીએ પણ સંતાનને રૂપિયાનું મૂલ્ય સમજાવુ જોઇએ.
એક દિવસમાં 1000 રૂપિયાનો ધૂમાડો કરનાર દિકરા-દિકરીને એ પણ ખબર હોવી જોઇએ કે આટલી રકમમાં ઘણા એક અઠવાડીયા સુધી પોતાનું ઘર ચલાવતા હોય છે. 1000 વાપરવા બહુ સહેલા છે પણ બાપના નામનો કે એના ધંધા-વ્યવસાયનો ઉપયોગ કર્યા વગર 1000 કમાવા જઇએ ત્યારે ખબર પડે કે એનું મૂલ્ય શું છે ? જે પશ્વિમની સંસ્કૃતિને આપણે પેટભરીને ગાળો આપીએ છીએ એ પશ્વિમી દેશોમાં લગભગ યુવાનો પોતાનો અભ્યાસનો ખર્ચો પાર્ટટાઇમ નોકરી કરીને પોતાની મેળે જ કાઢી લેતા હોય છે અને આમાં મોટા બિઝનેશમેનના સંતાનો પણ બાકાત નથી. કમાવાનો આનંદ કંઇક વિશેષ હોય છે.
– શૈલેષભાઇ સગપરિયા