સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા: રાજકોટને ધમરોળી નાખ્યું તો જામનગરમાં આભ ફાટ્યું, જૂનાગઢમાં બારેમેઘ ખાંગા, લોકોની કફોડી સ્થિતિ, નજર પડે ત્યાં પાણી જ પાણી
સૌરાષ્ટ્ર પર બારેમેઘ ખાંગા થયા હોય તેમ આજે શ્રીકાર વરસાદથી કાઠિયાવાડ તરબોળ બની ગયું છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લામાં નોંધાયો છે. જેમાં બાણુગાર ગામમાં 22 ઇંચ વરસાદથી પરિસ્થિતિ કફોડી બની છે. રાજકોટને ધમરોળ્યુ તો જામનગરમાં આભ ફાટ્યું છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. સૌરઠમાં જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આથી લોકોની કફોડી સ્થિતિ જોવા મળી રહી છે.
જામનગર જિલ્લામાં મેઘતાંડવ
જામનગર જિલ્લો કે જે હાલાર પંથકથી ઓળખાય છે, ત્યાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગર જિલ્લામાંના ગામડાઓમાં તો ઘરના ઘર ડૂબી ગયા છે. લોકો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે, તેવી હાલત થઇ છે. તંત્ર પણ લાચાર છે, માણસો પણ કુદરતના કોપ સામે લાચાર બની ગયા છે. હાલાર અત્યારે લાચાર છે. જામનગર-રાજકોટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે જિલ્લામાં ગામના ગામ બેટમાં ફેરવાયા છે.
મોટીબાણુગાર આખુ ગામ બેટમાં ફેરવાયું
જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચુક્યાં છે. જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. તેમજ જામનગરમાં 3.25 ઈંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું. જામનગરના મોટીબાણુગારમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. ગામમાં અત્યારસુધીમાં 22 ઇંચ જેટલો વરસાદ નોંધાતા આખુ ગામ બેટમાં ફેરવાયું છે.
પંચકોશી આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો
જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે. આજુબાજુના વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. દુઆ ગામમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢ શહેરમાં 6 અને ગીરનાર પર્વત પર 10 ઇંચથી જળબંબાકાર
ગતરાત્રથી જૂનાગઢ શહેર અને ગીરનાર પર્વત પર ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાત્રિ દરમિયાન 2 ઇંચ જ્યારે આજે સવારે 6થી બપોર સુધી છ કલાકમાં 4 ઇંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. જ્યારે ગીરનાર પર્વત પર 10 ઇંચથી વઘુ વરસાદ વરસ્યો હોવાનું અનુમાન થઇ રહ્યું છે. ગીરનાર પર્વત પર પડેલા ભારે વરસાદના પાણીની ડેમમાં આવક થતી હોવાના પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન, આણંદપુર અને હસ્નાપુર ત્રણેય ડેમો ઓવરફલો થઇ ગયો હતો. જેથી શહેરની પીવાના પાણીની જરૂરિયાત મહદ અંશે પૂરી
થઇ ગઇ હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે.
સૌથી વધુ વિસાવદરમાં 14 ઇંચ વરસાદ
જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાઓમાં રવિવારની રાત્રે 10થી સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં પડેલા સાર્વત્રિક વરસાદમાં સૌથી વધુ વિસાવદરમાં 354 (14 ઇંચ), જૂનાગઢમાં 144 (6 ઇંચ), કેશોદમાં 77 (3 ઇંચ), ભેસાણમાં 77 (3 ઇંચ), મેદરડામાં 65 (2.5 ઇંચ), માંગરોળમાં 60 (2.5 ઇંચ), માણાવદરમાં 78 (3 ઇંચ), માળીયાહાટીનામાં 55 (2 ઇંચ), વંથલીમાં 85 (3.5 ઇંચ) વરસાદ વરસ્યો હોવાનું કંટ્રોલરૂમમાંથી જાણવા મળ્યું છે.
શહેરની મઘ્યમાંથી પસાર થતી બંને નદીઓમાં ઘોડાપૂર આવ્યું
ભારે વરસાદના પગલે જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી કોળવા અને સોનરખ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાના ઉંચાઈ પરથી લેવાયેલા વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં કાળવા નદીનો અલહાદાયક નજારો જોવા મળતો હતો. જૂનાગઢવાસીઓનાં મતે કાળવા નદીમાં ભાગ્યે જ આટલું પાણી આવતું હોય છે. જ્યારે ગતરાત્રિથી ગીરનાર પર્વત અને શહેર ઉપર પડી રહેલા ભારે વરસાદથી જૂનાગઢના અનેક વિસ્તારો અને માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
જૂનાગઢમાં ઝાંઝરડા ગરનારામાં કમ્મર ડૂબ વરસાદી પાણી ભરાયા જતા બંધ કરવાની મનપાને ફરજ પડી હતી. તો શહેરની મધ્યે આવેલા નરસિંહ મેહતા સરોવર ઓવરફ્લો થઇ જતા આસપાસના વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે શહેરના મજેવડી દરવાજાથી સાબલપુર ચોકડી સુઘીના મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાઇ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. જ્યારે જૂનાગઢથી જામનગર અને રાજકોટ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા હોવાના પગલે સુરક્ષાને ધ્યાને લઇ એસટી સેવા થોડા સમય માટે બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભારે વરસાદના પગલે ગીરનાર તળેટીમાં આવેલા દામોદર કુંડમાં ધસમસતું વરસાદી પાણી વહેતું જોવા મળતું હતું.
રાજકોટ જિલ્લામાં બારેમેઘ ખાંગા
રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં બપોર સુધીમાં 10.5 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, જ્યાં મોસમનો 45% વરસાદ વરસ્યો છે અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. મેઘ સાથે મેઘાનાં મંડાણ મંડાતાં હાલ ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગોંડલમાં અંડરબ્રિજ સ્વિમિંગપુલ બન્યો
એમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગપૂલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજ કેડ સમાં પાણી ભરાયાં હતાં. સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદને કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.
આજી નદી ગાંડીતૂર બનતા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા
રાજકોટ શહેરમાં ગઇકાલ રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે જે બંધ થવાનું નામ જ લેતો નથી. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની હાલત બહુ જ કફોડી બની છે. તેમજ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ફાયર અને પોલીસ વિભાગે રેસ્ક્યૂ ઓપરેશ તેમજ સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરી છે. કેવડાવાડી નજીક લલુડી વોકળી વિસ્તારમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા દોરડા બાંધી 25 લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે. આજી નદીના આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા છે. આજી નદી ગાંડીતૂર બનતા રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયા છે.
અમરેલી જિલ્લામાં અઢી ઇંચ, બગસરાની સુડાવડ નદીમા પૂર
અમરેલી જિલ્લામા આજે વરસાદી માહોલ બરાબર જામી રહ્યો છે. મોડી રાતે અમરેલી જિલ્લાના કેટલાક તાલુકા મથક પર ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમા મોડી રાતે વડીયામા અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા સુરવોડેમમાં 3 ફૂટ નવા નીરની આવક જોવા મળી હતી. વડીયાનાં દેવળકી, બરવાળા, મોરવાડા, અરજણસુખ, ખીજડિયા, ઢુંઢીયા પીપરિયા, કુંકાવાવ સહિત આસપાસના મોટાભાગનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. સ્થાનિક ચેકડેમ પણ છલકાય ઉઠ્યા છે. જેના કારણે ધરતી પુત્રો ખુશ અને રમણિક દૃશ્યો અદભૂત જોવા મળ્યા હતા. જ્યારે ધારી અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. દરિયાકાંઠે જાફરાબાદ શહેરમાં પણ વરસાદી ઝાપટા આજે વહેલી સવારે જોવા મળ્યા હતા
ધારી પંથકમાં વરસાદ પડતાં વધુ 1 દરવાજો ખોલાયો
ધારી પંથકમાં વહેલી સવારે અને મોડી રાતે પડેલા વરસાદના કારણે ખોડિયાર ડેમમાં વધુ 1 દરવાજો આજે 0.30 મીટર 1 દરવાજો ખોલાયો છે અગાવ થોડા દિવસ પહેલા 0.15 મીટર દરવાજો 1 ખોલાયો હતો. જ્યારે પાણીનો ઇનફ્લો 800 ક્યુસેક આઉટ ફ્લો 800 ક્યુસેક છે.
ધારી ખોડિયાર ડેમ સૌથી મોટો હોવાને કારણે એલર્ટ જાહેર
ધારી ખોડિયાર ડેમનો 1 દરવાજો ખુલતા તંત્ર દ્વારા એલર્ટ 2 જિલ્લાનાં ગામડાને જાહેર કર્યું છે. જેમા અમરેલીના ધારી, સાવરકુંડલા, ચલાલા ગારીયાધાર, પાલીતાણા સહિત વિસ્તારનાં ગ્રામીણ વિસ્તારને એલર્ટ કર્યો છે
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..