આ છે લવજીભાઈ બાદશાહનું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ, તસવીરોમાં જુઓ મન મોહી લેતો નજારો
ગુજરાતના દાનવીરોની વાત કરીએ એમાં સુરતના લવજીભાઈ ડાલિયાને કેમ ભૂલી શકાય. લવજીભાઈને ડાલિયા સરનેમ તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ જો લવજીભાઈ બાદશાહ કહેવામાં આવે તો આ નામ બધામાં જાણીતું છે. ભાવનગર જિલ્લાના નાના એવા સેંજળીયા ગામમાં જન્મેલા લવજીભાઈના પરિવારની આર્થિક સ્થિત સારી નહોતી. રોજીરોટી કમાવવા 12 વર્ષની ઉંમરે સુરત આવીને હીરા ઘસવાનું શરૂ કર્યું. ચાર વર્ષ હીરા ઘસ્યા બાદ નાનાપાયે હીરાનું કારખાનું શરૂ કર્યું. બાદમાં અવધ ગ્રુપના નામે પોતાનો કન્સ્ટ્રક્શન બિઝનેસ શરૂ કર્યો. ખંત અને જુસ્સાના જોરે લવજીભાઈએ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી.
લવજીભાઈએ બિઝનેસની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં વતનનું ઋણ અદા કરવામાં પણ ક્યારેય પાછી પાની કરી નથી. દર વર્ષે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ માટે કરોડો રૂપિયાના બોન્ડ અસંખ્ય દીકરીઓ માટે ખર્ચે છે. આજે લવજીભાઈ બાદશાહને ‘ભામાશા’ના નામથી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેઓ આરોગ્ય, શિક્ષણ, સમાજસેવા, જળસંચય જેવા અનેક કાર્યક્રમો સાથે જોડાયેલા છે.
‘અવધ ગ્રુપ’ હેઠળ કન્સ્ટ્રક્શન સહિતના બિઝનેસ સાથે સંકળાયેલા લવજીભાઈ બાદશાહે સુરત નજીક આવેલું પોતાનું ફાર્મહાઉસ પણ આકર્ષક રીતે તૈયાર કર્યું છે. તાપી કિનારે અબ્રામા વિસ્તારમાં આવેલા આ ફાર્મ હાઉસની અવાર-નવાર સંતો અને સેલિબ્રિટી મુલાકાત લે છે. આકર્ષક ડિઝાઈન અને ગ્રીનરી વચ્ચે ફેલાયેલા લવજીભાઈ બાદશાહના ગોપીન ફાર્મહાઉસમાં તમામ પ્રકારની મોર્ડન સુવિધાઓ પણ સામેલ છે. લવજીભાઈ પોતાના ફાર્મનો એક વીડિયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.