‘મા કાર્ડ’ હોવા છતાં પણ હોસ્પિટલ જો દર્દીઓ પાસે પૈસા માંગશે તો લાઇસન્સ રદ થશે : નીતિન પટેલ
સરકારની ‘મા કાર્ડ’ યોજનાના પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલોએ ધજાગરા ઉડાવ્યાંનાં સમાચાર મળી રહ્યાં છે. કોંગ્રેસનાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં આ પૂછ્યું હતું. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નિતીન પટેલે લેખિતમાં જવાબ આપ્યો હતો. આ ઉપરાંત મા કાર્ડ અંગે કડક શબ્દોમાં હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવાની પણ વાત કરી છે.
તેમણે કહ્યું છે કે, સરકારી યોજનાની અમલવારી ન કરતી હોસ્પિટલ સામે સરકાર પગલાં લેવામાં નિષ્ફળ છે. છેલ્લા બે વર્ષમાં 17 હોસ્પિટલ દ્વારા મા કાર્ડ હોવાછતાં દર્દીઓ પાસેથી પૈસા વસુલવામાં આવ્યાં છે. સરકાર દ્વારા આવી હોસ્પિટલો પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસુલાયો નથી. આવી હોસ્પિટલોને ફરજ પડવાના બદલે સરકારે બરતરફ કરી અને નોટિસ આપી દીધી છે. દર્દી પાસેથી લીધેલા પૈસા હોસ્પિટલ પાસેથી વસૂલી સરકારે દર્દીઓને પરત આપ્યા છે.
અમદાવાદની 17 ખ્યાતનામ હોસ્પિટલોને નોટિસ
મા કાર્ડ ધારકો હોવા છતાં તેમની પાસેથી પૈસા વસુલતી હોસ્પિટલોની યાદી રજૂ કરવામાં આવી. જેમાં ક્રિષ્ના શેલબી હોસ્પિટલ, બોડી લાઈન હોસ્પિટલ, પારેખ્સ હોસ્પિટલ, સેવીયર હોસ્પિટલ, વી એસ હોસ્પિટલ, શેલબી હોસ્પિટલ – નરોડા, સ્ટાર હોસ્પિટલ, નારાયણ રુદયાલય હોસ્પિટલ, જીસીએસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, આનંદ સર્જીકલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, એચસીજી મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, લાઈફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, શિવાલીક હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, સાલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારે નાણાં વસુલ કરી લાભાર્થીઓને પૈસા પરત આપ્યા છે ઉપરાંત હોસ્પિટલોને આ મામલે નોટિસ પણ અપાઈ છે.
હોસ્પિટલનું લાઇસન્સ પણ રદ થઇ શકે છે
નાયબ મુખ્યમંત્રીએ મા કાર્ડ અંગે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, ‘અમદાવાદની કેટલીક હોસ્પિટલોમાં કાર્ડ ધારક સાથે પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદ થઇ હતી. સરકારે આ મામલામાં તપાસ કરાવી તો તે હોસ્પિટલમાં મા કાર્ડનાં ધારકો પાસેથી પૈસા લેવાતા હોવાનું પુરવાર થયું હતું. આવી હોસ્પિટલોને મા કાર્ડનાં નિદાન પર સસ્પેન્ડ કરવામાં આવી હતી. જે બાદ હોસ્પિટલ તંત્ર ધ્વારા માફી માગી હતી. જનહિત માટે તે હોસ્પિટલોને ફરી મા કાર્ડ ધારકોનાં ઈલાજ કરવા માન્યતા આપવામાં આવી છે. મા કાર્ડ કે વાતસલ્ય કાર્ડ હોવા છતાં પણ ધારકો પાસેથી હોસ્પિટલ પૈસા માંગશે તો હવે તેની પાસેથી હોસ્પિટલનું લાઇસન્સ રદ કરવામાં આવશે. દર્દી પાસેથી લીધેલી રકમ કરતાં પણ વધુ રકમ ચૂકવવી પડશે ઉપરાંત તે હોસ્પિટલ સામે કડક પગલા લેવામાં આવશે.’
દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..