આ જિલ્લાના ખેડૂતોએ માત્ર 20 દિવસમાં કર્યું 2265 કિલો મધનું ઉત્પાદન

પાલનપુર: જિલ્લાના 66 જેટલા ખેડૂતોએ 20 દિવસમાં 2265 કિલોગ્રામ મધ ઉત્પાદન કર્યું છે. જે કાચા મધને રૂ. 150 પ્રતિ કિલો ભાવથી બનાસ ડેરી ખરીદે છે. બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિ બાદ સ્વીટ ક્રાંતિની શરૂઆત થઇ છે અને તેમાં બનાસ ડેરીને મોટા પ્રમાણમાં સફળતા પણ મળી રહી છે. ઓછા પ્રમાણમાં જંતુનાશક દવાનો ઉપયોગ થતો હોય તેવા વિસ્તારમાં મધ પ્રોજેક્ટની શરૂઆત સપ્ટેમ્બર-2016માં કરવામાં આવી હતી.

લાખણી તાલુકાના મડાલ ગામે ખેડૂત રાણાભાઇ પટેલને ત્યાં મધ ઉછેર કેન્દ્રની બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ મંગળવારે મુલાકાત લીધી હતી. તેઓએ મધ ઉછેર કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું અને મધ કાઢવાની રીત નિહાળી હતી. તેઓએ ઉપસ્થિત ખેડૂતોને પશુપાલન સાથે મધ ઉછેરના વ્યવસાય થકી કેવી રીતે આવક મેળવવી તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.

બનાસ ડેરી અને ખાદી ગ્રામદ્યોગ આયોગ-અમદાવાદ દ્વારા બનાસકાંઠાના વિવિધ વિસ્તારના 66 ખેડૂતોને કુલ 660 મધપેટી તા.4 થી 17 ડિસેમ્બર-2017ના સમય દરમિયાન આપવામાં આવી હતી તેમજ અન્ય સાત ખેડૂતોની 350 મધપેટી મળી તેમાંથી અત્યાર સુધીમાં આ સીઝનમાં 2265 કિલોગ્રામ મધ સંપાદન થયું છે. આ કાચા મધને રૂ. 150 પ્રતિ કિલો ભાવથી બનાસ ડેરી ખરીદે છે. આગામી દિવસોમાં એપ્રિલ-મે 2018 સુધીમાં 15 થી 20 ટન મધ એકત્ર થવાની સંભાવના છે.

મધ ઉછેર કરનારા ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘આપણે ખેતી કરીએ ત્યારે વારંવાર રોકાણ કરવું પડતું હોય છે પરંતુ મધમાખી ઉછેરમાં તો કોઇ ખાસ પ્રકારનું રોકાણ કરવું પડતું નથી અને આ ધંધામાં કોઇ નુકસાન થવાની સંભાવના રહેતી નથી.

20 દિવસમાં દસ હજાર ઉપર કમાણી કરતાં ખેડૂતો

રાણાભાઇ લાલાજી પટેલ (મડાલ, લાખણી) રૂ. 1,28,481
કાન્તીભાઇ જોરાજી પટેલ (ડેલનકોટ, થરાદ) રૂ. 34,609
ચિંતનભાઇ અંબાલાલ પટેલ (રામગઢ (જૂનીરોહ) રૂ. 32,250
કરસનભાઇ રગનાથભાઇ રાજપૂત (ગેળા, થરાદ) રૂ. 25,785
કેશાજી રાંમાજી પટેલ (દીપડા, થરાદ) રૂ. 17,227
દશરથભાઇ પીરાભાઇ પટેલ (લિમ્બાઉ, લાખણી) રૂ. 16,905
નરેન્દ્રભાઇ વેલાજી પટેલ (ડેલનકોટ, થરાદ) રૂ. 14,550
હરચંદભાઇ અણદાભાઇ પટેલ (મડાલ, લાખણી) રૂ. 10,909

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો