5000 કમાઈ આવેલા દીકરાને આમ ભેટી રડી પડ્યા અબજોપતિ સુરતી પિતા
ધોળકિયા પરિવારને આજે તમામ લોકો જાણતા હશે, દિવાળીના તહેવાર પર કર્મચારીઓને ઘર, કાર અને મોંઘી જ્વેલરીની ભેટ આપનાર સવજી ધોળકિયાના પરિવારમાં દીકરાઓને અભ્યાસ બાદ થોડા સમય માટે સામાન્ય લોકોની જેમ થોડા પૈસા સાથે નોકરી કરી જીવનના મુલ્યો સમજાવવાની પ્રથા ચાલી આવે છે. તાજેતરમાં જ હરિકૃષ્ણ એક્સપોર્ટના ડિરેક્ટર અને સવજીભાઈનાં નાના ભાઈ ઘનશ્યામભાઈનાં દીકરા હિતાર્થે આ પ્રથાને આગળ ધપાવી હૈદરાબાદમાં મામૂલી નોકરી દ્વારા પાંચ હજારની કમાણી કરી ઘરે પહોંચતા પિતા ઘનશ્યામભાઈની આંખમાં હર્ષના આંસુ સરી પડ્યા હતા.
હૈદરાબાદમાં સામાન્ય માણસની જેમ એક મહિનો રહીને પાંચ હજાર રૂપિયાની કમાણી કરી ઘરે પહોંચેલા હિતાર્થ માટે વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે પરિવારના સભ્યો હિતાર્થને ભેટી પડ્યા હતા. હિતાર્થે એક મહિનામાં પોતાને સમજાયેલી રૂપિયા અને માણસની કિંમત અંગેના મંતવ્યો પણ રજૂ કર્યા હતા.
ધોળકિયા પરિવારમાં અનોખી પરંપરા
- સુરતના ધોળકિયા પરિવારમાં દીકરાઓને જીવનના પાઠ શીખવવા માટે એક મહિનો અજાણી જગ્યાએ મોકલવામાં આવે છે.
- ઘરેથી માત્ર જરૂરી મૂડી સાથે અજાણ્યા સ્થળે જુદી જુદી નોકરી કરીને તેમણે અનુભવ સાથે પોતાનો ગુજારો કરવાનો હોય છે.
- મોબાઈક કે પોતાની ઓળખ છુપાવીને સામાન્ય નોકરી દ્વારા ધોળકિયા પરિવાર દીકરાને પૈસાની કિંમત સમજાવે છે.
- હિતાર્થ પહેલા ગત વર્ષે ગોવિંદભાઈ ધોળકિયાનો પુત્ર દ્રવ્ય ધોળકીયા એક માસ માટે ચેન્નઈ રહ્યો હતો
- ગોવિંદભાઈ ધોળકિયાના પુત્રો અને ભત્રીજા પણ હૈદરાબાદ સહિતની જુદી જુદી જગ્યાએ આવી રીતે રોકાયા હતા.
અમેરિકાથી બીબીએ કરીને આવેલો હિતાર્થ પહોંચ્યો હૈદરાબાદ
- હિતાર્થ ત્રણ વર્ષથી અમેરિકામાં રહીને પોતાનો બીબીએનો અભ્યાસ કરી રહ્યો હતો.
- અભ્યાસ પૂર્ણ થયા બાદ ઘરે આવેલા હિતાર્થને પરિવારની પરંપરા પ્રમાણે ટિકિટ અને 500 રૂપિયા આપવામાં આવ્યા.
- હૈદરાબાદ પહોંયેલા હિતાર્થે અહીં ઓળખાણ છુપાવી એક મહિનો રહીને અલગ અલગ નોકરી દ્વારા અનુભવ મેળવવાનો હતો.
- ખિસ્સામાં પૈસા મર્યાદિત હોવાથી એક લારી પર 20 રૂપિયામાં જિંદગીમાં પ્રથમ વખત રાઈસ પ્લેટ ખાધી.
- બે દિવસની રખડપટ્ટી પછી મેકડોનાલ્ડસમાં નોકરી મળી એટલે જમવાની ચિંતા તો ટળી.
- મેકડોનાલ્ડસમાં પ્રોડક્શન, સેલ્સ અને ઇન્વેન્ટરીમાં કામ કર્યું ત્યારે સમજાયું કે નોકરી શું ચીજ છે અને કેટલી વીસે સો થાય છે.
- અઠવાડિયા સુધી મેકડોનાલ્ડસમાં નોકરી કરી બીજી નોકરી વ્હાઈટ બોર્ડ બનાવતા એક કારખાનેદારે આપી.
- બાઈક પર ફરીને માર્કેટિંગ કરવાનું અને ઓર્ડરની ડિલીવરી કરવાનું કામ કતું.
- હૈદરાબાદમાં હિતાર્થ ધોળકિયાએ ત્રીજી નોકરી એડીડાસના શો રૂમમાં કરી.
હિતાર્થ ધોળકિયાએ કેવી મુશ્કેલીનો કર્યો સામનો
- હિતાર્થ વેજીટેરીયન હોવાથી જમવા માટે તેમણે હૈદરાબાદમાં શોધખોળ કરવી પડતી હતી.
- વળી, પોતાની પાસે પૈસા પણ મર્યાદીત હોવાથી ઓછા પૈસામાં પેટ ભરાઈ જાય તેવું ભોજન શોધવું પડતું હતું.
- પોતાની ઓળખ ન આપવાની હોવાથી રહેવાનું શોધવામાં પણ હિતાર્થને મુશ્કેલી પડી.
- મર્યાદીત પૈસા હોવાથી જિંદગીમાં પ્રથમ વખત રાઈસ પ્લેટ ખાધી.
- નોકરી શોધવા માટે ધક્કામુકી વાળી બસમાં પણ પહેલી વાર મુસાફરી કરી.
- વ્હાઈટ બોર્ડ બનાવતા એક કારખાનામાં નોકરીમાં સામાનની ડિલિવરી વખતે પહેલી વાર બાઈકમાં બેઠો.
- સવારે 20-25 રૂપિયામાં ચાર ઈડલી જમીને 25 રૂપિયામાં પણ ભેટ ભરવાનું હૈદરાબાદમાં શિખ્યો.
6 હજાર કરોડની માર્કેટ વેલ્યુ ધરાવે છે હરેકૃષ્ણ એક્સપોર્ટ
- સુરતમાં રત્ન કલાકાર તરીકે કામની શરૂઆત કરનાર સવજીભાઈની કંપની 6000 કરોડની માર્કેટ કેપ ધરાવે છે.
- સવજીભાઈની હરેકૃષ્ણ એક્સપોર્ટ સાથે 8000 જેટલા કર્મચારીઓ જોડાયેલા છે.
- 2005માં એચકે એક્સપોર્ટે લોન્ચ કરેલી Kisna જ્વેલરી બ્રાન્ડ દ્વારા આજે તેમનો બિઝનેસ અનેક દેશમાં ફેલાયેલો છે.
- આશરે 6200 જેટલા આઉટલેટ ધરાવતી Kisna બ્રાન્ડ 563 પ્રકારની ડિઝાઈન તૈયાર કરે છે.
- શિક્ષણ, મેડિકલ, સ્વચ્છતા, રક્તદાન સહિત અનેક સેવાકીય કાર્યો સાથે હરેકૃષ્ણ સંકળાયેલી છે.
- કર્મચારીઓને દિવાળી બોનસમાં કાર, ફ્લેટ અને જ્વેલરીની ગિફ્ટ આપી સવજીભાઈ લાઈમલાઈટમાં આવ્યા હતા.
1980માં શરૂ થયો સંઘર્ષ
- પિતા પાસેથી 3900 લઈ સવજીભાઈએ 1980માં સુરતના મહિધરપુરા લીમડાશેરી ખાતે બે હીરાની ઘંટી શરૂ કરી હતી.
- આમાંથી 25 હજારની કમાણી થતા 10 હજાર ઉછીના લઈ વરાછા રોડ પર 35 હજારમાં મકાન ખરીદ્યુ.
- મોટા ભાઇ જેરામભાઇ અને નાના ભાઇ તુલશીભાઇને પણ સુરત બોલાવી લીધા
- નવેસરથી શરૂઆત કરવા એ સમયમાં 1 લાખ વ્યાજે લઇ ફરી વખત હીરાનું કારખાનું શરૂ કર્યું.
શરૂઆતના વર્ષોમાં કરતા 18-18 કલાક મહેનત
- સવજીભાઈએ પોતાના ભાઈઓ સાથે શરૂ કરેલા નવા કારખાના માટે 18 કલાક મહેનત કરતા હતા.
- ધીમે ધીમે ત્રણેય ભાઈઓ ઘંટીઓની સંખ્યા વધારતા ગયા, બેલ્જીયમથી રફ લાવીને તૈયાર હીરા વેચવાનું શરૂ કર્યું.
- 10 વર્ષ સુધી હીરા ઘસતા સવજીભાઈએ ડાયમંડ ઉદ્યોગ અને માર્કેટને નજીકથી જોયુ અને જાણ્યું હતું.
- સવજીભાઈના બે ભાઈઓ મુંબઈમાં ડાયમંડ વેપાર કરે છે, જ્યારે સવજીભાઈ સુરતનું કામ સંભાળે છે.
- જો કે આજે તમામ ભાઈઓના સંતાનો પણ બિઝનેસને વિદેશમાં ફેલાવવા તનતોડ મહેનત કરે છે.
કર્મચારીઓને બોનસમાં આપે છે ઘર-કાર જ્વેલરી
- હરેકૃષ્ણા એક્સપોર્ટના સવજીભાઈ ધોળકિયા પોતાના કર્મચારીઓને પરિવારનો હિસ્સો માને છે.
- 2014માં સવજીભાઈએ 1312 કર્મચારીઓને કાર, ઘર અને ઘરેણાની દિવાળી ગિફ્ટ આપી હતી.
- જ્યારે 2016માં પણ તેઓએ 1660 જેટલા કર્મચારીઓને કાર-ઘરની ગિફ્ટ આપી હતી.
- વર્ષના અંતે સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને આ ગિફ્ટ આપવામાં આવે છે.
હરેકૃષ્ણ એક્સપોર્ટ કર્મચારીઓને આપે છે સુવિધા
- 33,000 વાર જગ્યામાં ફેલાયેલી હરેકૃષ્ણ એક્સપોર્ટના કેમ્પસમાં કર્મચારીઓ માટે અદ્યતન સુવિધાઓ છે.
- આ જગ્યાના 40 વાર જેટલી જગ્યમાં ઓફિસ અને ફેક્ટરી છે.
- બાકીની જગ્યામાં ક્રિકેટમેદાન, સ્વિમિંગ પુલ, હેલ્થ સેન્ટર, જિમ સહિતની સુવિધા રાખવામાં આવી છે.
- વ્યસન કરતા અને બાઈક પર હેલ્મેટ વગર આવતા કર્મચારીને પણ કંપનીમાં પ્રવેશ મળતો નથી.
- ક્રિકેટ ટુર્નામેન્ટ, સ્વચ્છતા અભિયાન સહિતની કામગીરી પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે.