હેડ ક્લાર્ક પરીક્ષા કેસમાં મોટો ખુલાસો: પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીક થયું હતું પેપર, સૂર્યા ઓફસેટના સુપરવાઇઝરે રૂ. 9 લાખમાં પેપર વેચ્યું
ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલામાં ગાંધીનગર પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પોલીસ જ્યાં પેપરનું પ્રિન્ટિંગ થાય છે તે સૂર્યા ઓફસેટ સુધી પહોંચી ગઈ છે. સૂર્યા ઓફસેટમાં પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા કિશોર આચાર્યે જ પૈસાની લાલચમાં પેપર લીક કરીને તેના કૌટુંબિક સંબંધી મંગેશ શિરકેને 9 લાખ રૂપિયામાં વેચી દીધું હતું.
મીઠાખળીની હોસ્પિટલમાં મેનેજર તરીકે કામ કરતા મંગેશે એમ્બ્યુલન્સ વાન ચલાવતા અને હાથીજણમાં રહેતા તેના મિત્ર દીપક પટેલ સાથે મળીને પેપર કૌભાંડના આખા રાજ્યમાં રેલો ફેલાવ્યો હતો.
દીપક અને મંગેશે ભેગા મળીને 30 લાખમાં આ પેપર હિંમતનગર પાસેના ઉંછા ગામના જયેશ પટેલ અને દેવલ પટેલને વેચ્યું હતું. ત્યારબાદ પ્રાંતીજ, હિંમતનગર સિવાય રાજ્યના મોટા ભાગના શહેરોમાં આ પેપર લીક થતાં કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે.
સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિત અને ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સુધી આ રેલો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. મુદ્રેશ પુરોહિત ભાજપના ધારાસભ્ય બાબુ જમનાભાઈ પટેલનો પણ ખાસ માણસ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત આ જ પ્રિન્ટિંગ પ્રેસમાંથી અન્ય પેપરો છપાયા હતા તે પણ લીક થયા છે કે કેમ? તેની પણ તપાસ કરાશે તેમ ગાંધીનગર રેન્જ આઈજીપી અભય ચુડાસમાએ જણાવ્યું છે. પોલીસે કિશોર આચાર્ય, મંગેશ શિરકે અને દીપક પટેલની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગત 9 ડિસેમ્બરે આંબલીમાં આવેલા સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા કિશોર કાનદાસ આચાર્ય ( રહે. મણિપુર, સાણંદ)એ પેપર લીક કર્યું હતું. જે બાદ તેણે તેની પત્નીના કૌટુંબિક કાકા મંગેશ શશિકાંત શિરકેને 9 લાખમાં વેચ્યું હતું. મંગેશ શિરકે મીઠાખળી પાસે આવેલી HCG હોસ્પિટલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. મંગેશે આ પેપર હાથીજણમાં રહેતા અને સિંગરવામાં એમ્બ્યુલન્સ વાન ચલાવતા દીપક પટેલને 10 લાખમાં વેચ્યું હતું. જે બાદ દીપકે પ્રાંતીજના ઉચ્છા ગામમાં રહેતા દેવલ પટેલ અને જયેશ પટેલને 30 લાખમાં વેચ્યું હતું, ત્યારબાદ જયેશ અને દેવલે પૈસા કમાવવાની લાલચે અનેક લોકોને પેપર વેચી કરોડોની કમાણી કરી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અગાઉ 23 લાખ તેમજ આજે 7 લાખ મળીને કુલ 30 લાખ જપ્ત કર્યા છે.
કોઈ પણ સરકારી પરીક્ષાના પ્રશ્નપત્રો જે પ્રિન્ટિંગ પ્રેસમાં છપાય તેમાં કામ કરતા તમામ કર્મચારીની સિક્યુરિટીની જવાબદારી સરકારની હોય છે. આ પ્રેસમાંથી 9 ડિસેમ્બરે કિશોર પેપર લઈ ગયો હતો છતાં કોઈને જાણ કેમ ન થઈ? આ ઉપરાંત જ્યારે મામલો પોલીસમાં આવ્યો ત્યારબાદ સત્તાધીશો ઘોરનિદ્રામાંથી જાગ્યા છે. જોકે પોલીસ આવા જવાબદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરશે.
હેડ ક્લાર્કનું જે દિવસે પેપર ફૂટયું તે દિવસથી ચર્ચાઓ એવી ચાલી રહી છે કે, પેપર આન્સર કી સાથે હતું, પરંતુ આ વાત ખોટી સાબિત થઈ છે. કારણ કે ગાંધીનગર એલસીબીએ ખેડા જિલ્લાના માતરના શિક્ષક કલ્પેશ પટેલની પૂછપરછ કરી તેમાં એવો ભાંડો ફૂટયો હતો કે, મેથ્સનું પેપર લઈને જયેશ આવ્યો હતો અને તેમણે 20 પ્રશ્નોના જવાબ સોલ્વ કરી આપ્યા હતા. જોકે કલ્પેશને આ પેપર લીક થયું હોવાની જાણ નહોતી, જેથી તેમણે આ પેપર સોલ્વ કરી આપ્યું હતું.
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ જનરલ નોલેજની બુકમાંથી પણ કેટલાક પ્રશ્નોના જવાબો જાતે જ શોધી કાઢયા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ કલ્પેશને સાક્ષી તરીકે કોર્ટમાં રજૂ કરશે.
પેપર લીક કૌભાંડમાં કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે તેમ ગાંધીનગર રેન્જ આઈજીપી અભય ચુડાસમાએ જણાવ્યું છે. પોલીસે ફરિયાદમાં નોંધાયેલા 11 આરોપી પૈકી 8 આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાંથી 3 વોન્ટેડ આરોપીઓને પણ પોલીસ ગણતરીના દિવસોમાં દબોચી લેશે. પોલીસે ફરિયાદ સિવાયના પેપર લીક કરનાર 3 મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત પેપર લીક કરનાર તેમ જ પેપર વેચનાર, ખરીદનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રેન્ટિંગ પ્રેસમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા કિશોરે 88 હજાર યુવા ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરીને ઐયાશી કરવા માટે આ પેપર લીક કર્યું હોવાનું ગાંધીનગર જિલ્લા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. જોકે કિશોરે એવી પણ દલીલ કરી હતી કે, તેણે 3થી 4 જેટલી લોન લીધી છે. આથી લોન પૂરી કરવા માટે તેણે પેપર લીક કર્યું હતું.
પ્રાંતિજના ઉચ્છામાં જયેશ પટેલે એક ઉમેદવારને 9 લાખમાં પેપર વેચ્યું હતું, જેમાંથી 7 લાખ રૂપિયા ઉમેદવારે ચૂકવી દીધા હતા, પરંતુ બીજા 2 લાખ ન ચૂકવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે પેપરલીકનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
આંબલીમાં આવેલા સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસના માલિક મુદ્રેશ પુરોહિત ભાજપ સાથે સંકળાયેલો છે અને ગૌણ સેવા પસંદગીના ચેરમેન અસિત વોરા અને ભાજપના ધારાસભ્ય બાબુ જમનાભાઈ પટેલ સાથે ગાઢ સંબંધો ધરાવે છે. જેથી તેના પ્રેસમાં અનેક વખત સરકારી પેપરો છાપવાનો કોન્ટ્રાક્ટ અપાય છે. હેડ ક્લાર્કનું પેપર લીક થયાનો રેલો સૂર્યા ઓફસેટ સુધી આવતા હવે અગાઉના પેપરો પણ ફૂટયા છે કે નહીં? તેની પણ તપાસ કરાશે.
સરકારે બોલાવી બેઠક, પરીક્ષા રદ્દ કરવા લેવાશે નિર્ણય
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવા બદલ ઉમેદવારો પાસેથી લેવામાં આવેલા 23 લાખ રૂપિયા પણ પોલીસે જપ્ત કર્યાં હતા. આ તમામ રૂપિયા પેપર લીક કાંડમાં સંડોવાયેલા એક આરોપી દર્શન વ્યાસના હિંમતનગર સ્થિત ઘરેથી જપ્ત કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..