બીડી બનાવવાથી લઈ સંતરા વેચી પાઈ-પાઈ ભેગી કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર હરેકાલા હજબ્બાને સરકાર પદ્મશ્રીથી નવાજશે
કર્ણાટકના નઈ પપ્ડુ ગામમાં રહેતા હરેકલા હજબ્બા નામના એક સંતરા વેચનારા ફેરિયાને સરકારે આ વર્ષે પદ્મશ્રી આપવાનું એલાન કર્યું છે. હવે તમને થશે કે એક સંતરા વેંચનાર ફેરિયાને દેશનું ચોથું સર્વોચ્ચ સન્માન શા માટે?
વાત એમ છે કે હજબ્બા પોતે ક્યારેય સ્કૂલ નથી ગયા છતાંય જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહ્યા છે. 30 વર્ષથી સંતરા વેચીને ગુજરાન ચલાવતા હજબ્બાએ પાઈ પાઈ ભેગી કરી ગામના ગરીબ બાળકો માટે સ્કૂલ બનાવી છે. તેમનું સપનું છે કે તેના ગામમાં એક કોલેજ બને. આ જ કારણે ગામલોકો તેમને અક્ષરા સાંતા એટલે કે અક્ષરોના સંત કહે છે. ગરીબ પરિવારમાં જન્મેલા હજબ્બા શરૂઆતમાં બીડી બનાવવાનું કામ કરતા હતા. અને ધીમે ધીમે તેમણે સંતરા વેચવાનું શરૂ કર્યું.
એક દિવસ એવો આવ્યો કે બે વિદેશીએ તેમને અંગ્રેજીમાં સંતરાનો ભાવ પૂછ્યો. હજબ્બા તેનો જવાબ આપી ન શક્યા અને આ વાત તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની. આ સમયે તેમના દિમાગમાં ગામમાં સ્કૂલ બનાવવાના સંકલ્પે જન્મ લીધો. શરૂઆતમાં પત્નીએ ઘણી ફરિયાદો કરી, પણ હજબ્બા હિંમત ન હાર્યા. આખરે 1999માં હજબ્બાએ મદરેસાની શરૂઆત કરી જેમાં 28 સ્ટૂડન્ટ આવતા હતા. આ મદરેસાને સ્કૂલમાં તબ્દીલ કરવા 2004માં તેમણે એક જમીનનો ટૂકડો ખરીદ્યો અને સ્કૂલનું નિર્માણ કર્યું. હજબ્બાની હિંમત અને ઉત્તમ કાર્યથી પ્રભાવિત થઈ કન્નડ અખબાર ‘હોસા દિગણઠા’એ તેમની સ્ટોરી પ્રકાશિત કરતા તેઓ મીડિયામાં છવાઈ ગયા. એ પછી તો તેઓ સમગ્ર કર્ણાટકમાં રીયલ હીરો બની ગયા.
આજે તેઓ ઉંમરના 68 વર્ષના પડાવ પર છે પણ ગામના ભવિષ્ય માટે નવયુવાનોને શરમાવે તેવુ કામ કરી રહ્યા છે. આ જ કારણ છે કે બીડી બનાવનાર અને સંતરા વેચનાર હજબ્બા દેશના ચોથા સૌથી સર્વોચ્ચ સન્માન પદ્મશ્રી માટે પસંદગી પામ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..