શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીને માતા સીતાએ અમર રહેવાનો આશીર્વાદ આપ્યો હતો. કળિયુગમાં સૌથી જલદી પ્રસન્ન થતા દેવતાઓમાંથી એક છે હનુમાનજી. તેમના મંદિરોની સંખ્યા ખૂબ વધારે છે, પરંતુ કેટલાક મંદિર પોતાની વિચિત્ર વિશેષતાઓના કારણે ખૂબ પ્રસિદ્ધ છે. આવું જ એક મંદિર સ્થિત છે મધ્યપ્રદેશના ઇન્દોર પાસે સાંવેરમાં. સાંવેરના આ મંદિરમાં હનુમાનજીની ઊંધી પ્રતિમા સ્થિત છે. તેને પાતાળ વિજય હનુમાન મંદિર કહેવામાં આવે છે. આ સિવાય ત્યાંના સ્થાનિકો દ્વારા આ પ્રતિમાને ઉલટે હનુમાન પણ કહેવામાં આવે છે. જાણો આ મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો.
આ મંદિર ઇન્દોર અને ઉજ્જૈનની વચ્ચે સ્થિત છે
ઉલટે હનુમાનજીનું મંદિર ઇન્દોર અને ઉજ્જૈનની વચ્ચે સ્થિત છે. ઇન્દોરથી આ મંદિરનું અંતર આશરે 30 કિમી. છે. ઇન્દોર-ઉજ્જૈન પહોંચવા માટે દેશના તમામ મોટા શહેરોથી આવવા-જવા માટે અનેક સાધન સરળતાથી મળી જાય છે. તમે ઇન્દોર હવાઇ માર્ગથી પણ પહોંચી શકો છો.
મંદિરમાં સિંદૂર લાગેલી ઊંધી મૂર્તિ છે
સાંવેરમાં હનુમાનજીના ઊંધા ચહેરાવાળી સિંદૂર લાગેલી પ્રતિમા છે. અહીં પ્રચલિત માન્યતા મુજબ આ મંદિરની કથા રામાયણ કાળ સાથે જોડાયેલી છે. મંદિરમાં પીપળા, લીમડા અને વડલાની સાથે જ બે પારિજાતના વૃક્ષ પણ છે. પારિજાત વૃક્ષમાં હનુમાનજીનો વાસ માનવામાં આવે છે.
મંદિરમાં પોપટના અનેક ટોળા
મંદિરની આજુબાજુના વૃક્ષો પર પોપટના અનેક ટોળા દેખાઈ દે છે. આ વિશે કથા પ્રચલિત છે કે હનુમાનજીએ એક વખત પોપટનું રૂપ ધારણ કર્યું હતું. જ્યારે તુલસીદાસજીને શ્રીરામના દર્શન કરવા હતા, ત્યારે હનુમાનજીએ પોપટનું રૂપ ધારણ કરી તેમને શ્રીરામના દર્શન કરાવ્યા હતા. આ કારણે અહીં પોપટને પણ પૂજનીય માનવામાં આવે છે.
મંદિરમાં સ્થિત મૂર્તિઓ
સાંવેરના ઊલટા હનુમાન મંદિરમાં શ્રીરામ, સીતા, લક્ષ્મણજીની સાથે જ શિવ-પાર્વતીની મૂર્તિઓ પણ છે. અહીં માન્યતા છે કે સતત ત્રણથી પાંચ મંગળવાર દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂરી થઈ શકે છે.
આ છે મંદિર સાથે જોડાયેલી કથા
રામાયણ કાળમાં અહિરાવણે શ્રીરામ અને લક્ષ્મણનું અપહરણ કરી લીધુ હતુ. અહિરાવણ તેમને કેદ કરીને તેના પાતાળ લોક લઈ ગયો હતો. તે સમયે હનુમાનજીએ પાતાળ લોક જઈને અહિરાવણનો વધ કર્યો અને શ્રીરામ-લક્ષ્મણની રક્ષા કરી હતી. આ વિસ્તારમાં માન્યતા પ્રચલિત છે કે આ એ જ સ્થળ છે જ્યાંથી હનુમાનજીએ પાતાળ લોકમાં પ્રવેશ કર્યો હતો. એટલે અહીં ઊલટા હનુમાનની મૂર્તિ સ્થાપિત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.