ભારે વરસાદથી મુંબઈ બેહાલ, 48 કલાકમાં 21 ઈંચ વરસાદ, ત્રણ શહેરોમાં દીવાલ પડવાથી 27ના મોત

મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ પડ્યો છે. ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે આજે દરેક સરકારી અને પ્રાઈવેટ સ્કૂલ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સોમવારે ભારે વરસાદના કારણે મોડી રાતે મલાડઈસ્ટ- કલ્યાણ અને પુણેમાં દીવાલપડવાના કારણે કુલ 27ના મોત થયા છે.

મલાડ ઈસ્ટમાં પિમ્પરીપાડામાં સોમવારે મોડી રાતે દીવાલ પડી જવાના કારણે 18 લોકોના મોત થયા છે જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. મહારાષ્ટ્ર સરકારે મલાડ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને રૂ. 5 લાખની સહાય જાહેર કરી છે. મુંબઈના કલ્યાણ વિસ્તારમાં પણ એક દીવાલધરાશાયી થઈ જવાના કારણે 3 લોકોના મોત થયા છે. જ્યારે પુણેમાં અંબેગામમાં આવેલી સિંધડ કોલેજની એક દીવાલ પડવાના કારણે 6 લોકોના મોત થયા છે.

ભારે વરસાદના કારણે મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ લપસી ગઈ હતી અને તેના કારણે મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે.ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુના કામ માટે ભેગી થઈ છે. પોલીસે જણાવ્યું કે, મલાડઈસ્ટ ઘટનામાં ઘાયલ 13 લોકોને જોગેશ્વર અને શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પછી સ્થાનીક લોકોએ તુરંત અમુક લોકોને બચાવી લીધા હતા. બીજી બાજુ હવામાન વિભાગે મધ્યપ્રદેશ સહિત છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ, આસામ, બંગાળમાં આગામી બે દિવસમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

પુણેમાં પણ 6 લોકોના મોત

પુણેમાં સોમવારે સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. અહીં અંબેગામમાં આવેલી સિંધડ કોલેજની એક દીવાલ પડવાના કારણે 6 લોકોના મોત થયા છે. ઘટના સોમવારે મોડી રાતે થઈ હતી.

એરપોર્ટનો મુખ્ય રનવે બંધ

ભારે વરસાદની અસર મુંબઈ એરપોર્ટ ઉપર પણ જોવા મળી છે. સ્પાઈસ જેટ એસજી 6237 જયપુર-મુંબઈ ફ્લાઈટ રનવે પર લપસી ગઈ હતી. તેના કારણે સોમવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. વૈકલ્પિક રનવે ઓપરેશન ચાલુ છે.

સ્પાઈસ જેટની ઘટના પછી 54થી વધારે ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરવામાં આવી છે. તેમાં અમુક અમદાવાદ અને બેંગલુરુ પણ ડાયવર્ટ કરવામાં આવી છે. સ્થાનિક એરલાઈન્સ સોશિયલ મીડિયા પર ફ્લાઈટ મોડી થવાની અને રદ થવાની માહિતી આપી રહ્યા છે. વિસ્તારા એરલાઈન્સે 10 ફ્લાઈટ રદ કરી છે. તેમાં દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈની ફ્લાઈટ્સ પણ સામેલ છે. તે સિવાય ઈન્ડિગોએ તેમના મુસાફરો માટે એડ્વાઈઝરી જાહેર કરી છે.

આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

મુંબઈ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 24 કલાકમાં શહેરના ઉપરવાસમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ થવાનો અંદાજ છે. બીજી બાજુ મુંબઈ પોલીસે લોકોને અપીલ કરી છે કે હવામાન જોઈને બહાર નીકળવાનું પ્લાનિંગ કરો. ભારે વરસાદમાં કામ વગર બહાર નીકળવાનું ટાળવું.

મુંબઈમાં 10 વર્ષ પછી આવી સ્થિતિ

  • બીએમસીના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ થયો છે. જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે છે.
  • સોમવારે મુબંઈ અને પુણે લાઈન પર 27 ટ્રેન રદ કરવામાં આવી છે.
  • હાઈટેકના કારણે 2.15 ફૂટ ઉંચી લહેરો ઉઠી છે.
  • મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 256 ફ્લાઈટ લેટ છે.
  • જુહૂ એરપોર્ટ રન-વે પર 3 ફૂટ લાંબી માછલીઓ જોવા મળી હતી.

મુંબઈ-થાણેમાં 5 જુલાઈ સુધી એલર્ટ

હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં 5 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ દરમિયાન મુંબઈમાં હાઈટાઈડ આવવાની પણ સંભાવના છે. સ્કાયમેટ દ્વારા 5 જુલાઈ સુધીમાં મુંબઈમાં 8 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો