પોલીસનો ભ્રષ્ટાચાર: રાજસ્થાનના પોલીસ કર્મીઓએ ગુજરાતની નંબર પ્લેટ વાળી ગાડીઓને રોકીને દિવાળી બોનસના 100 રૂપિયા પડાવ્યા
કોરોનાના કેસો ઓછા થતાં આ વખતની દિવાળીમાં પ્રવાસન સ્થળોએ લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. ખાસ કરીને રાજસ્થાનમાં ગુજરાતના પ્રવાસીઓની ભીડ જામી હતી. ત્યારે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ફરજ પર રહેલી પોલીસે રાજસ્થાન જતાં ગુજરાતના પ્રવાસીઓ પાસેથી ફરજિયાત પણે 100 રૂપિયા દિવાળી બોનસ પેટે લીધા છે. તે ઉપરાંત રાજસ્થાનમાં ગુજરાતથી ફરવા જતા લોકો પાસેથી ત્યાંના પોલીસ વાળા ગુજરાતની ગાડીની નંબર પ્લેટ જોઇને વાહનચાલકો ને ખુલ્લેઆમ ખોટી રીતે રૂપિયા ઉઘરાવે છે અને હેરાન કરે છે. આ બાબતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાને પત્ર લખવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોલીસે બોનસના 100 રૂપિયા ઉઘરાવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે દિવાળીની રજાઓમાં ગુજરાતમાંથી રાજસ્થાનમાં અસંખ્ય પ્રવાસીઓ પહોંચ્યા હતાં. ખાસ કરીને આબુ અને ઉદયપુર ડેસ્ટિનેશન પર પ્રવાસીઓનો ઘસારો વધારે હતો. ત્યારે ગુજરાતની છાપરી ચેક પોસ્ટ પર ઉભેલા પોલીસ કર્મીઓએ રાજસ્થાન જતા ગુજરાતી પ્રવાસીઓ પાસેથી દિવાળી બોનસ પેટે ફરજિયાત પણે 100 રૂપિયા ઉઘરાવ્યા હતાં. આવી અનેક ગાડીઓ દિવાળીના તહેવારમાં રાજસ્થાનના પ્રવાસે પહોંચી હતી. આ અંગે અમદાવાદના સામાજિક કાર્યકર રોહિત પટેલે રાજ્યના પોલીસ વડાને પત્ર લખીને સમગ્ર બાબતની રજુઆત કરી છે.
રોહિત પટેલે જણાવ્યું હતું કે દિવાળીના પાંચ દિવસમાં ગુજરાતમાંથી રાજસ્થાનમાં અસંખ્ય ગાડીઓમાં પરિવારો ફરવા માટે પહોંચ્યાં હતાં. તેવી જ રીતે હું પણ મારા પરિવાર સાથે રાજસ્થાન પ્રવાસે ગયો હતો. જ્યાં ગુજરાતની છાપરી ચેક પોસ્ટ અને સામે રાજસ્થાનની ચેક પોસ્ટ પર ઉભેલા પોલીસકર્મીઓએ પ્રવાસીઓ પાસેથી દિવાળી બોનસ પેટે 100 રૂપિયા ઉઘરાવ્યા હતાં. જો કોઈ પોલીસનો વિરોધ કરે તો તેમની સામે કેસ નોંધવાની પણ ધમકી આપતાં હતાં. જેથી લોકો ફરવાના મુડમાં હોવાથી પોલીસ સાથે માથાકુટમાં પડવા નહોતા માંગતાં અને 100 રૂપિયા આપીને આગળ વધતાં હતાં. જેથી મેં પણ 100 રૂપિયા પોલીસને આપ્યા હતાં પણ પોલીસે તેની કોઈ પહોંચ અમને આપી નહોતી.
રોહિત પટેલે વધુમાં કહ્યું હતું કે આ જ્યારે રાજસ્થાનમાં પીંડવાડા ચેક પોસ્ટ પર અમારી ગાડી પહોંચી ત્યારે કેટલાક પોલીસ કર્મીઓએ અમારી ગાડી ઉભી રાખી હતી. તેમણે મને સવાલ કર્યો હતો કે સીટ બેલ્ટ કેમ નથી. મેં તેમને શાંતિ પૂર્વક કહ્યું હતું કે મારી પાસે સીટબેલ્ટ નથી. તેમણે બીજી વાર સવાલ કર્યો હતો કે પીયુસી આપો મેં તેમને પીયુસી નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારે ફરીવાર તેમણે મારી પાસે ગાડીના કાગળો માંગ્યા હતાં. જે મારી પાસે મોબાઈલમાં હોવાથી મેં તેમને બતાવ્યા હતાં. પોલીસે કાગળો જોઈને મને સીટબેલ્ટ અને પીયુસી નહીં હોવાનો બે હજારનો દંડ ભરવા જણાવ્યું હતું. પરંતુ મારી આ દંડ વધુ હોવાની રજુઆતને પગલે તેમણે મને માત્ર સીટબેલ્ટનો એક હજાર રૂપિયાનો દંડ ભરવા કહ્યું હતું.
રોહિત પટેલે જણાવ્યું કે, મારી ગાડીમાં જે ડ્રાઈવર મારા મિત્ર ગાડી ચલાવતા હતાં તેમણે મને રકઝક કર્યા વિના પૈસા આપીને આગળ વધવાની વાત કરી હતી. પરંતુ મેં એક હજાર આપ્યા તેની રાજસ્થાનના પીંડવાડા પોલીસ પાસે રશીદ માંગી હતી. ત્યારે પોલીસે મને રશીદ આપી હતી. આ રશીદમાં તેમણે શું લખ્યું છે એ સ્પષ્ટપણે દેખાતું નથી અને મેં એક હજાર રૂપિયા આપ્યા તેની નોંધ પણ કરવામાં આવી નથી. કયા દંડ પેટે પૈસા લેવામાં આવ્યાં તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
તેમણે કહ્યું કે, બાદમાં પોલીસે મારી ઓળખાણ પુછતાં મેં તેમને હું સામાજિક કાર્યકર હોવાનું જણાવ્યું ત્યારે પોલીસે મારી પાસેથી લીધેલા એક હજાર રૂપિયામાંથી 200 રૂપિયા પરત આપ્યા અને કહ્યું કે તુમ ભી યાદ કરોગે કે રાજસ્થાન પુલિસ કેસી હૈ. અમે લોકો શાંતિપૂર્વક રાજસ્થાન ફરીને પરત અમદાવાદ આવ્યા બાદ મેં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાને એક પત્ર લખ્યો છે અને આ સમગ્ર બાબતની જાણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..