ગુજરાતમાં બોર્ડર પરના છેલ્લા ગામના લોકોનો અવાજ: ગામ ખાલી નહીં કરીએ, સેનાનો સાથ આપીશું

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને જે રીતે આતંકવાદીઓનો સફાયો કર્યો છે તેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. તો ભારત પાકિસ્તાન સરહદ વચ્ચેનો માહોલ પણ તણાવભર્યો બની ગયો છે. ત્યારે પાકિસ્તાનના કોઈપણ વળતા પ્રહારને જડબાતોડ જવાબ આપવા માટે સેના સજ્જ થઈ ગઈ છે અને બોર્ડર વિસ્તારમાં પણ એલર્ટ જારી કરી દેવાયો છે ત્યારે કેવો છે સીમાવર્તી વિસ્તારનો માહોલ જોઈએ આ અહેવાલ.

ભારત પાકિસ્તાન વચ્ચે હાલના સમયમાં તણાવ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. બન્ને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે. આ સંજોગોમાં રાજ્યના સરહદી બનાસકાંઠા જિલ્લાના નાગરિકોમાં પણ ઉત્તેજના જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લો પણ ભારત-પાક બોર્ડર પર આવેલો છે અને પાકિસ્તાન સાથે 55 કિલોમીટર સુધી જમીની સરહદ ધરાવે છે ત્યારે અહીં પણ બોર્ડર વિસ્તારના તમામ ગામોમાં એલર્ટ કરી દેવાયા છે. સીમા સુરક્ષાદળ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ છે. અહીંના સરહદી ગામોમાં વાહનોનું ચેકિંગ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

 

બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર પરનું છેલ્લું ગામ જલોયા ગામ છે. ગામમાં સેનાના જવાનો દ્વારા એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે અને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ અંગે સુરક્ષા દળોને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. પાકિસ્તાન નાપાક હરકત સામે દેશના જવાનોનો જુસ્સો ટકાવી રાખવા સરહદી વિસ્તારના ગામના નાગરિકો પણ સેનાની મદદમાં રહેવા તત્પર છે.

આ તો વાત થઈ જલોયા ગામની પણ હવે વાત કરીએ અસારા ગામની, આ ગામ પણ ભારતની સીમાનું છેલ્લું ગામ છે. જો કે, ભારત પાકિસ્તાન વચ્ચે ભલે ગામે તેવો માહોલ હોય પણ અહીના યુવાનોમાં તણાવ પૂર્ણ માહોલ જેવું કંઈ લાગતું નથી, અહીંના યુવાનોમાં અલગજ જુસ્સો જોવા મળી રહ્યો છે આ ગામમાં પણ સુરક્ષાદળ દ્વારા એલર્ટ રહેવા જણાવ્યું છે, પરંતુ ગ્રામજનો કોઈપણ સ્થિતિમાં જવાનોની પડખે ઉભા રહેવા તત્પર છે. જરૂર પડશે તો સેનાને મદદ કરવા તેઓ ખડે પગે રહેવાની તૈયારી દર્શાવી રહ્યા છે. પછી ચાહે યુદ્ધમાં પણ ભલે જવું પડે તોપણ ગ્રામજનો સેનાને સાથ આપવા તૈયાર છે.

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવની સ્થિતિ જોતાં બનાસકાંઠાના સૂઇગામ બોર્ડર પર ટૂરિઝમનું કામ કરતા મજૂરોને ત્યાંથી હટાવી દેવાયા છે અને સીમાદર્શન પણ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે હાલ બોર્ડર પર BSFના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા અને આજુબાજુના બોર્ડરને લગતા તમામ ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

Read Also : ભારતીય સેનાના આ ફાઈટર પ્લેન છે તૈયાર, ખાસિયત જાણીને ડરી જાય છે દુશ્મન

પાકિસ્તાનમાં જ્યારે પાયલોટ પકડાય તો શું થાય છે? કેવી રીતે આવે છે પરત?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો