હવેથી પુનઃલગ્નમાં પણ સરકાર કુંવરબાઈનું મામેરું ભરશે, મકાન બાંધવા રૂપિયા મળશે, 10 મોટી યોજનામાંથી 70 શરતો હટાવાઈ
રાજ્યમાં અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિઓના વિકાસ માટે અમલમાં રહેલી કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ પુનઃ લગ્નના કિસ્સામાં પણ રૂ.10 હજારની સહાય મળી શકશે. અત્યાર સુધી જો કોઈ કન્યાના ફરીથી લગ્ન થાય તો આ પ્રકારની સહાય આપવામાં આવતી નહોતી. આ ઉપરાંત ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ સહાય માટેની ટોચ મર્યાદા ગ્રામ્ય વિસ્તારોમાં રૂપિયા પાંચ લાખથી વધારીને રૂપિયા 7 લાખ અને શહેરી ક્ષેત્રોમાં રૂ.7 લાખથી વધારીને 10 લાખ કરવાનો નિર્ણય લેવાયો છે. જેની સત્તાવાર જાહેરાત આગામી બજેટ સત્ર દરમિયાન થશે.
આજથી બરાબર એક મહિના બાદ રાજ્યની નવી સરકાર પોતાનું પહેલુ અને છેલ્લુ બજેટ વિધાનસભામાં રજૂ કરવાની છે. તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ વિભાગોના મંત્રીઓ, સેક્રેટરીઓ નવી દરખાસ્તોને રજૂ કરી રહ્યા છે. સામાજીક ન્યાય અધિકારીતા વિભાગમાંથી ‘સંદેશ’ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિઓના કલ્યાણ માટે પહેલાથી જ અમલમાં 10 મોટી યોજનામાં એક જ ઝાટકે 70 જેટલી અવ્યવહારૂ શરતોને હટાવવા દરખાસ્ત કરવામાં આવી છે.
મંત્રી પ્રદીપ પરમાર, એડિશનલ ચીફ સેક્રેટરી સુનયના તોમર સહિતના અધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રેઝન્ટેશનમાં ડો. સવિતાબહેન આંબેડર આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા સુધારો સુચવાયો છે.
આ હેઠળ અત્યાર સુધીમાં 35 વર્ષથી વધુ ઉંમરના વિધુર કે વિધવા કે જેને બાળકો ન હોય તેવી વ્યક્તિ જો પુનઃલગ્ન કરે તો સહાયને પાત્ર નહોતા. જો કે, આ શરતને દૂર કરીને આવા કિસ્સામાં પણ રૂપિયા એક લાખની પ્રોત્સાહક રકમ આપવા કહેવાયુ છે. આ વિભાગ હેઠળના કમિશનરેટમાંથી પ્રાપ્ત માહિતી મુજબ 10 યોજનાઓમાં સુધારા સંદર્ભે આગામી ટૂંક જ સમયમાં સત્તાવાર પણે સુધારા ઠરાવો પ્રસિધ્ધ કરાશે.
આ યોજના હેઠળ ચાર ટકા વ્યાજે રૃ.15 લાખ સુધીની ડો.આંબેડર લોન આપવામાં આવે છે. જેની સામે વિદેશમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ ભારતમાં પાંચ વર્ષની સેવા અર્થાત નોકરીની શરત દૂર કરવામાં આવી છે. પાયલોટ ટ્રેઈનિંગ માટે મળતી રૂ.24 લાખની લોન માટે પણ આ પ્રકારની પૂર્વ શરતને રદ્દબાતલ કરવામાં આવી છે. તદ્ઉપરાંત વિદ્યાર્થીના કોઈ સગા- સબંધી વિદેશમાં રહેતા હોય તો તેમના દ્વારા નાણાકિય જવાબદારી માટે સ્પોન્સર કરશે તો પણ લોન મંજૂર થઈ શકશે. આ સિવાય ડાયરેક્ટર દ્વારા વિદેશી યુનિર્વિસટીની ખાતરી, ધોરણો નક્કી કરવાની પ્રક્રિયાને પણ નિરસ્ત કરી દેવાઈ છે. આ બંને યોજનાઓની એક સરખી 20 જેટલી શરતો રદ્દ થશે.
વકીલ માટે સ્ટાઈપેન્ડ : દર મહિને સિનિયરનું સર્ટી. દેખાડવાનું બંધ
કાયદાના સ્નાતકો માટે સરકારે ડો.પી.જી.સોલંકી વકીલ સ્ટાઈપેન્ટ યોજના શરૂ કરી છે. જેના હેઠળ વકીલાતની તાલિમ માટે પ્રથમ વર્ષે દરમહિને રૂ.1000, બીજા વર્ષે મહિને રૂ.800 અને ત્રીજા વર્ષે દરમહિને રૂ.600ની સહાય ચૂકવાય છે. જેમા જૂનિયર વકીલને દર મહિને સિનિયર વકીલ પાસેથી તાલીમ લીધાનું ર્સિટફિકેટક અને જે તાલીમ લીધી હોય તેની વિગતો રજૂ કરવાની હોય છે. ત્રણ વર્ષ સુધી 36 વખત થતી એકની એક પ્રક્રિયા સહિત કુલ 6 શરતો રદ્દ કરી દેવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..