આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું આજે સવારે 9 વાગ્યે પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે 8 વાગ્યે મૂકવામાં આવશે. બંને પરિણામોની જાહેરાત ગાંધીનગરમાં શિક્ષણમંત્રી દ્વારા સવારે 9 વાગ્યે કરવામાં આવશે.
આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.47 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થશે. 2017ના રિઝલ્ટની સરખામણીએ 2018માં પરિણામમાં 8.9 ટકાનો ઘટાડો થયો હતો. 2017માં 81.89 ટકા, જ્યારે 2018માં 72.99 ટકા પરિણામ જાહેર થયું હતું. 2018 ના પરિણામમાં 2017ની સરખામણીમાં વિદ્યાર્થીઓએ તમામ વિષયોમાં સરેરાશ 14 ટકા જેટલા ગુણો ગુમાવ્યા હતા.
માર્કશીટ અને પ્રમાણપત્ર:
ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ અને સેમેસ્ટર પધ્ધતિથી માર્ચ 2019માં લેવાયેલી પરીક્ષાનું આજે સવારે પરિણામ જાહેર થશે. પરિણામ બાદ માર્કશીટ અને પ્રમાણપત્ર તથા ગુજરાત કોમને એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2019ની માર્કશીટનું જિલ્લામાં નિયત વિતરણ સ્થળો ખાતે કાલે જ સવારે 10થી બપોરના 4 વાગ્ય સુધી થશે. રાજ્યની વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોના આચાર્યએ શાળાનું પરિણામ મુખત્યાર પત્ર રજૂ કરીને મેળવવાનું રહેશે. આ સિવાય અન્ય પરિક્ષાર્થીઓની ગુજકેટની માર્કશીટ ટપાલથી મોકલાશે.
આ વર્ષે 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ ગયા વર્ષની સરખામણીએ 36 હજારનો વધારો થયો છે. વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સૌથી મોટો ફેરફાર ગ્રેડમાં જોવા મળ્યો હતો. 2017ની સરખામણીમાં 2018ના પરિણામમાં એ1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 453નો ઘટાડો નોંધાયો હતો. પેપર ચેક કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલા શિક્ષકોના મતે, આ વર્ષે એમસીક્યુ સિસ્ટમ રદ્દ થતાં લાંબા પ્રશ્નોના કારણે વિદ્યાર્થીઓએ પોતાના પરિણામ અંગે જે અંદાજ લગાવ્યો હશે તેમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે. કારણ કે લાંબા પ્રશ્નોના લખવાની પ્રેક્ટિસ ન હોવાથી વિદ્યાર્થીઓએ ઓછું લખાણ કર્યું છે.