રાધનપુર તાલુકાના કામલપુર ગામના ગ્રેજ્યુએટ યુવાને તરબુચની ખેતીમાં 4 મહિનામાં જ 1.5 લાખ કમાણી કરી

રાધનપુર તાલુકાના કામલપુર ગામમાં પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ખેતી ક્ષેત્રે અવનવા અખતરા કરવામાં આવતા હોય છે,આ ગામના ખેડૂતો દ્વારા અગાઉ આંબળા, સક્કરટેટી, બટાકા સહિતના અનેક અખતરા કરવામાં આવી ચુક્યા છે.ગામના ગ્રેજ્યુએટ યુવાન પ્રગતિશીલ ખેડૂત પિયુષ ચૌધરી અને તેમના પરિવાર દ્વારા ખેતીક્ષેત્રે સારી એવી પ્રગતિ સાધી છે, ઇઝરાયેલી બારાહી ખારેકની સફળ ખેતી કર્યા બાદ હવે તરબુચની ખેતીનો અખતરો કરીને સફળતા મેળવી છે.

પાંચ વીઘા જમીનમાં તરબુચની ખેતી કરી 

ગ્રેજ્યુએટ થયા બાદ એલએલબીનો અભ્યાસ કરી રહેલા પિયુષભાઇ ચૌધરી તથા તેમના પરિવાર દ્વારા ખારેકના છોડ વચ્ચે પાંચ વીઘા જમીનમાં તરબુચની ખેતી કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં બિયારણ નાખ્યું હતું, ત્યારબાદ છાણીયું ખાતર અને વર્મી કમ્પોઝ ખાતર નાખીને જીવામૃતની ટ્રીટમેન્ટ આપીને માત્ર ત્રણ જ માસમાં તરબૂચનો પાક ઉતરવા મંડ્યો છે, અને લગભગ એક વીઘા જમીનમાં 1500 કિલો એટલે કે પાંચ વીઘા જમીનમાં 7 થી 8 હજાર કિલો તરબૂચ નું ઉત્પાદન થવા પામ્યું છે, જેનું વેચાણ ખેતરની બહાર સ્ટોલ લગાવીને સીધા જ ગ્રાહકોને કરવામાં આવી રહ્યું છે.

તરબુચની ખેતીમાં જીવામૃત અપનાવ્યું ને સફળ થયાં..

તરબુચની ખેતી માટે રેતાળ જમીન 

દોઢ લાખ રૂપિયાની આવક થવાનો અંદાઝ છે.તરબુચની ખેતી માટે રેતાળ જમીન જોઈએ પ્રગતિશીલ યુવાન ખેડૂત પિયુષભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ તરબૂચ આ પહેલા ડીસા બાજુ થતા હતા,પરંતુ હવે રાધનપુર તાલુકાના કામલપુર અને સુલતાનપુરના ખેડૂતોએ હાથ અજમાવ્યો છે.તરબુચની ખેતી માટે રેતાળ અને પાણી ના ભરાતું હોય તેવી જમીન જોઈએ,ડ્રિપ એરીગેશનથી ખેતી કરવામાં આવે તો વધુ અને મધુર પાક મળી શકે છે.તરબુચની ખેતીમાં દ્વાનો છંટકાવ કરવો પડતો નથી.ઉનાળાની શરૂઆતમાં જ પાક મળતો થઇ જાય છે.

જીવામૃત શું છે

તરબુચની ખેતીમાં જીવામૃતનો ઉપયોગ કરવામાં આવે તો વધુ પાક મળે છે,અને પૌષ્ટિક પાક મળે છે.ગાયનું છાણ-ગૌમૂત્ર-ગોળ સહિતની સામગ્રી એકઠી કરીને તેનું પ્રવાહી બનાવીને ડ્રિપ ઇરીગેશન સિસ્ટમથી પાકમાં આપવામાં આવે તો ફાયદો થાય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો