આ છે ગુજરાતની એવી સરકારી શાળા જ્યાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ આપવા પડે છે 50 પ્રશ્નોના જવાબ
842ની વસ્તી ધરાવતા ઉત્તમપુરાની સરકારી સ્કૂલમાં પોતાનું બાળક મુકવા આજુબાજુના દસ ગામોના લોકો તલપાપડ રહે છે. રોજ પોતાના ખાનગી વાહનમાં બાળકોને અહીં ભણાવવા મોકલે છે. સરકારી શાળા હોવા છતાં ખાનગી શાળાના સંચાલકો અહીં મેનેજમેન્ટના પાઠ ભણવા આવે છે. અહીં શાળામાં વિદ્યાર્થીને સરળતાથી પ્રવેશ પણ મળતો નથી, 50 પ્રશ્નોના જવાબો બાદ બાળકને એડમિશન મળે છે. ઉત્રમપુરાની આ શાળાનું ઇન્ફાસ્ટ્રકચર, સુવિધાઓ અને શિક્ષણનું સ્તર મોંઘી મોંઘી ફી લેતી ખાનગી શાળાઓને પણ ટક્કર આપે તેવી છે. આ શાળામાં તમામ સાધન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળા પાલનપુરથી 20 કિલોમીટર દૂર આવેલી છે. 28 જુલાઈ 1991ના ધોરણ 1 થી 7 માટે એક સરકારી પ્રાથમિક શાળા શરૂ થઇ હતી. 419 બાળકોની પ્રાથમિક શાળામાં 18 વર્ગખંડ, પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ, ઓફિસ સ્ટાફ રૂમની સુવિધા. ગામના દાતાઓ, વાલીઓ અને શિક્ષકોની મહેનતે આ શાળાને જિલ્લાની સહુથી ઉત્તમશાળા બનાવી દીધી છે. શાળામાં બાળકો પર્યાવરણના જતનના પાઠ શીખે તે માટે અહીં બાળકોના જન્મદિવસે કોઈ કેક નથી કપાતી,પરંતુ બાળકો જન્મ દિવસની ઉજવણી વૃક્ષ વાવી ને કરે છે, નિયમિત હેલ્થ ચેકઅપ કરવા માટે શાળામાં હેલ્થ કોર્નર મુકાયું છે,જ્યાં બાળકોના નખ કાપવા, ઊંચાઈ માપવાથી લગાવીને નાની મોટી તકલીફમાં ફસ્ટ એડ કીટ પણ મુકવા માં આવી છે.
શાળાના બાળકો સીડીઓ પરથી પડી ના જાય તે માટે એક માળ થી બીજા માળ જવા માટે ઢલાણ વાળું રેમ્પ વોક બનાવાયું છે. જેથી વિદ્યાર્થી ઓને સરળતા રહે છે. શાળામાં કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, સીસીટીવી કેમેરાથી લગાવી તમામ સાધન સુવિધાઓ ઉપલબ્ધ છે. શાળાના શિક્ષકો પોતાની પગાર ની આવક માંથી અનુકૂળતા મુજબ દાન અહીં અક્ષય દ્રવ્યમાં જમા કરાવે છે,અને તે બોક્ષને વર્ષમાં એક વાર ખુલ્લું મૂકી વિદ્યાર્થીઓની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવામાં આવે છે.
શાળામાં ઝીરો પિરિયડ ચલાવાય છે
શાળામાં 1 થી 7 ધોરણના તમામ બાળકો પૈકી જે બાળકો અભ્યાસમાં નબળા હોય તેવા બાળકોને અલગ તારવીને એક ક્લાસ રૂમ બનાવાય છે જે બાળકોને એક કલાક પહેલા બોલાવાય છે અને તેમને શિક્ષણ આપવામાં આવે છે. -કમલેશ ઠક્કર-આચાર્ય ઉત્તમપુરા સ્કૂલ
પ્રશ્નો નું ફોર્મ વાલીઓ પાસે ભરાવાય છે
જેમાં બાળકની તમામ પ્રકારની માહિતી ઉપરાંત માતા-પિતાની પણ માહિતી પૂછવામાં આવે છે બાળકને કોઈ તકલીફ હોય તો તેનું નિદાન થઈ શકે તે માટે લેબોરેટરી પણ કરાવાય છે.
શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવાય છે
‘શાળામાં બાળકોને અભ્યાસની સાથે રાજ્ય સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. જેમકે એન એમ એસ પરીક્ષા , પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, નવોદય પ્રવેશ પરીક્ષા, માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા, એલિમેન્ટ ચિત્રકામ પરીક્ષા, ઇન્ટરમિડીયેટ ચિત્રકામ પરીક્ષામા વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે જેથી વિદ્યાર્થીનું ઘડતર થાય છે. પી જે ચૌધરી (સ્થાનિક આગેવાન ઉત્તમપુરા)