ગુજરાતનું આ ગામ છે ગોલ્ડન વિલેજ, ગ્રામ પંચાયત જ બની છે સંસદભવન

બગસરાથી માત્ર 12 કિમી દુર આવેલુ રફાળા ગામ આજે ગુજરાતભરમા ગોલ્ડન ગામ તરીકે જાણીતુ છે. માત્ર એકાદ હજારની વસતી ધરાવતા આ ગામની પાંચ વર્ષ પહેલા કોઇ ઓળખ ન હતી. પરંતુ અહીના વતની અને હાલમા સુરતમા ઉદ્યોગ ધંધો ધરાવતા સવજીભાઇ વેકરીયા અને અન્ય ગામ લોકોના સંયુકત પ્રયાસથી આ નમુનેદાર ગામને ગોલ્ડન વિલેજ તરીકે ઓળખ મળી છે. હાલમા સુરતમા ઇવેન્ટ મેનેજમેન્ટ અને અન્ય ધંધામા નામના મેળવનાર સવજીભાઇ કુરજીભાઇ વેકરીયા એક વખત ગાંધીનગરમા પરિવારના કોઇ બાળકના એડમીશન માટે સ્કુલમા ગયા હતા. તે સમયે શાળા સંચાલકે તેમના ગામનુ નામ સાંભળી પૂછ્યું, રફાળા ગામ કયાં આવ્યું છે?

અને ત્યારથી તેમણે સંકલ્પ કર્યો હતો કે મારૂ ગામ કયાં આવ્યુ છે તે કોઇને પુછવુ ન પડે તેવી તેની ઓળખ ઉભી કરવી. અને અહીથી ગોલ્ડન ગામના બીજ રોપાયા. માત્ર 200 ખોરડાની વસતી ધરાવતા આ ગામમા તમામ ગલીઓમા પાકા રસ્તા બનાવાયા, ઇન્ડિયા ગેઇટ, અમર જવાન વિગેરે રાષ્ટ્ર ભાવના કેળવતા સ્મારકો બનાવાયા, આધુનિક ડ્રેનેજ સીસ્ટમ, સુંદર મંદિરો અને શાળા, ગામ આખામા સીસીટીવી કેમેરા, એરકન્ડીશન બસ સ્ટેન્ડ જેવી કેટલીય સુવિધાઓ ઉભી કરાઇ. પરંતુ સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે આખા ગામની તમામ બજારો, ગલીઓમા તમામ ઘરોની દિવાલોને ગોલ્ડન કલરથી રંગી દેવાઇ. આજે રોજેરોજ આ ગામને નિહાળવા અને અહીની સુવિધાઓની જાણકારી મેળવવા આસપાસના વિસ્તારમાથી પ્રવાસીઓ આવે છે.

ગ્રામ પંચાયત બની સંસદ ભવન

રફાળા ગ્રામ પંચાયત નમુનેદાર પંચાયત છે. આધુનિક સુવિધાઓસભર આ ગ્રામ પંચાયતને સંસદ ભવનનુ નામ અપાયુ છે. ગામના તમામ રસ્તાઓ હંમેશા ચોખ્ખા ચણાક રહે છે. સરપંચ અને તેની ટીમ સ્વચ્છતા માટે તકેદારી રાખે છે.

સ્મશાન પણ બન્યું ફરવા લાયક

રફાળા ગામનુ સ્મશાન પણ એટલુ સુંદર વિકસાવાયુ છે કે તે એક ફરવાલાયક સ્થળ બની ગયું છે. આ ઉપરાંત ગામમા એસી બસસ્ટેન્ડ, પ્રાથમિક શાળા, આંગણવાડી જેવી અનેક સુવિધાઓ છે. જો કે અહી દવાખાનુ નથી.

સાત આકર્ષક ગેટ અને સ્મારકો

રફાળા ગામમા સાત ગેઇટ ગામની શોભા વધારી રહ્યા છે. આ તમામ ગેઇટને જુદાજુદા નામ પણ અપાયા છે. અહી ગામની દરેક ગલીઓ અને શેરીઓમા બ્લોક રસ્તા છે અને તમામ દિવાલો ગોલ્ડન કલરે રંગાયેલી છે. ગામના યુવાનોમા રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય તે માટે ઇન્ડિયા ગેઇટ અને અમર જવાન, અશોકસ્તંભ જેવા અનેક સ્મારકોની પ્રતિકૃતિઓ ઉભી કરવામા આવી છે.

અહીં છે પાંચ દાયકામાં ગામની લગ્ન થયેલી 500 દીકરીઓનાં હાથના થાપા

રફાળા ગામમાથી પાછલા 50 વર્ષો દરમિયાન પરણીને સાસરે મોકલાયેલી દિકરીઓની યાદમા શાનદાર લાડલી ભવન બનાવાયું છે. થોડા સમય પહેલા આ તમામ દિકરીઓને ગામમા બોલાવી તેમના હાથના થાપાઓ અને તસ્વીરો લઇ અહી સ્મૃતિમા રખાયા છે. આ દિકરીઓ પૈકી કેટલીક તો હાલ વૃદ્ધાવસ્થા ભોગવી રહી છે.

સંપાદનઃદીલિપ રાવલ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો