આજના યુવાનોમાં ખેતી પ્રત્યે રસ ઓછો થઈ રહ્યો છે ત્યારે 37 વર્ષીય ગીતાંજલિ ‘ફાર્મસન’ નામક ઓર્ગેનિક ફાર્મિંગ કંપની ચલાવે છે
આજના યુવાનોમાં ખેતી પ્રત્યે રસ ઓછો થઈ રહ્યો છે. એવામાં 37 વર્ષીય ગીતાંજલિ રાજમણિ એવી મહિલા છે, જે વિવિધ પ્રકારે ખેતી કરીને પોતાની આવક વધારી રહી છે. ગીતાંજલિ મૂળરૂપે બેંગલુરુની રહેવાસી છે. ગીતાંજલિએ વર્ષ 2017માં મિત્રો સાથે મળીને સ્ટાર્ટઅપ કંપની ‘ફાર્મિસન’ શરૂ કરી હતી. આ કંપની હાલ બેંગલુરુ, હૈદરાબાદ અને સુરતમાં કાર્યરત છે.
એકબાજુ ગીતાંજલિ ખેડૂતો સાથે સમાનતાપૂર્વક પાર્ટનરશિપ કરીને તેમની પાસે જૈવિક ખેતી કરાવી રહી છે. તો બીજીબાજુ તે 600-600 વર્ગફૂટ આકારમાં વહેંચીને ગ્રાહકોને ખેતી કરવા માટે પોતાનું ખેતર ભાડે આપે છે. તે ભાડાપેટે દર મહિને 2500 રૂપિયા વસૂલે છે. ગ્રાહક મોબાઇલ એપથી પસંદ કરેલા પ્લોટમાં પોતાની મનપસંદ શાકભાજી ઉગાડવાનો ઓર્ડર આપે છે. જેની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે.
ગ્રાહકોની સંખ્યા 3000નો આંકડો પાર કરી ગઈ
શાકભાજી તૈયાર થઈ જાય પછી ‘ફાર્મિસન’નું વાહન ગ્રાહકોના ઘરે એ શાકભાજી પહોંચાડી દે છે. તેના બે ફાયદા છે. પહેલો એ કે ગ્રાહકોને ઘેરબેઠાં 100% ઓર્ગેનિક શાકભાજી મળે છે અને બીજો ફાયદો એ કે આ પ્રકારની ખેતીથી ખેડૂતોની કમાણી ત્રણ ગણી વધી ગઈ છે. ત્રણ મહિના પહેલાં જ ‘ફાર્મિસને’ જૈવિક ફળોની ડિલિવરી પણ શરૂ કરી છે. આ સ્ટાર્ટઅપના ગ્રાહકોની સંખ્યા 3000નો આંકડો પાર કરી ગઈ છે. આ સ્ટાર્ટઅપનું વાર્ષિક ટર્નઓવર 8.40 કરોડ રૂપિયા છે. ‘ગોલ્ડમેન સાક્સ’ અને ‘ફોર્ચ્યુન’ કંપની દ્વારા ગયા વર્ષે ઓક્ટોબરમાં ગીતાંજલિને ગ્લોબલ વુમન અવોર્ડથી નવાજવામાં આવી હતી.
ગીતાંજલિ વર્ષ 2014 સુધી ટીસીએસ કંપનીમાં જોબ કરતી હતી. ત્યારબાદ તેણે આ નોકરી છોડી બિઝનેસ કરવાનું વિચાર્યું. ગીતાંજલિને બાળપણથી ગાર્ડનિંગનો શોખ હતો. તેથી તેણે નોકરી છોડ્યાં બાદ વર્ષ 2014માં ‘ગ્રીન માય લાઇફ’ નામની કંપની શરૂ કરી. આ કંપની રૂફ ટોપ ગાર્ડનિંગ અને ટેરેસ ગાર્ડનિંગ ડિઝાઇનનું કામ કરે છે. આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર 6 કરોડ રૂપિયા છે.
ખેડૂતો-ગ્રાહકોને મનાવવા મોટો પડકાર હતો
‘ફાર્મિસન’ વિશે વાત કરતાં ગીતાંજલિ કહે છે કે, ‘અમને એક અનુભવી ખેડૂત નારાયણ રેડ્ડી મળ્યા, જેમનું ખાતર જંતુનાશકોના ઉપયોગથી ખરાબ થઈ રહ્યું હતું. અમે તેમને અમારા સ્ટાર્ટઅપનો આઈડિયા સમજાવ્યો. તેમને આઇડિયા ગમ્યો અને તેઓ અમારી સાથે કામ કરવા તૈયાર થઈ ગયા. બીજી બાજુ અમે ગ્રાહકોને કહ્યુ કે બજારમાં જે દૂધી મળે છે તેની પર બ્લીચ કરીને સફેદ કરવામાં આવે છે. આ યોગ્ય નથી. તમે જંતુઓ લાગેલાં હોય એવી જૈવિક શાકભાજી ખાઓ. જો જૈવિક દૂધી જંતુઓ માટે સુરક્ષિત છે તો એ તમારા માટે પણ સુરક્ષિત છે. તમે એ ખાઈ શકો છો. આ સમજાવ્યા બાદ ગ્રાહકો સંમત થવા લાગ્યા.’
ઓલા-ઉબર જેવું ‘ફાર્મિસન’નું બિઝનેસ મોડલ
‘ફાર્મિસન’ ખેડૂતો સાથે સમાનતા સાથે ભાગીદારી કરે છે. ખેડૂતોને જૈવિક ખેતી કરવાની સલાહ આપે છે. રોપવા માટે બીજ પૂરાં પાડે છે. તેની પર છંટકાવ કરવા માટે લીમડાનું તેલ, કેસ્ટર ઓઇલ વગેરે પ્રદાન કરે છે. આ રીતે ખેડૂતો શાકભાજી ઉગાડે છે. સ્ટાર્ટઅપ ઊપજનું માર્કેટિંગ કરે છે. આટલું જ નહીં, 600 વર્ગફુટ માટે મળતું 2500 રૂપિયાનું માસિક ભાડું ફાર્મિસન કંપની અને ખેડૂતોની વચ્ચે અડધું-અડધું વહેંચી દેવામાં આવે છે.