મોરબીની ગીર ગાય દૂધ હરીફાઇમાં રાજ્યમાં પ્રથમ આવતા 51,000નો પુરસ્કાર મળ્યો..

ગુજરાત સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય ને પ્રોત્સાહન આપવા અને પશુપાલકો વધુને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રેરાય તે માટે છેલ્લા ત્રીસ વર્ષથી દૂધ હરિફાઈની યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના ભાગ રૂપે સમગ્ર રાજ્યમાં વિવિધ વિભાગોમાં યોજવામાં આવેલ દૂધ હરિફાઈમાં રાજકોટ વિભાગમાં મોરબી જિલ્લાના ૨૦ પશુપાલકોએ ભાગ લીધો હતો.

ગીર ગાયનું કુલ 28.66 કિ. ગ્રામ દૂધ ઉત્પાદન નોંધાયું હતું

ગીર ગાયની હરિફાઈમાં મોરબી શહેરના પશુપાલક મહિપાલસિંહ પૃથ્વીસિંહની ગીર ગાય સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવતા તેમને રાજય સરકારે 51000નો ચેક પુરસ્કાર રૂપે એનાયત કર્યો હતો. જે ડીડીઓ એસ.એમ.ખટાણા દ્વારા અર્પણ કરાયો હતો. રાજકોટ વિભાગની દૂધ હરિફાઈમાં પ્રથમ આવ્યા બાદ મોરબી શહેરના પશુપાલક મહિપાલસિંહ જાડેજાએ આનંદિત સ્વરે જણાવ્યું હતુ કે, આ પહેલા પણ 2013-14 ના વર્ષમાં યોજાયેલ ગીર ગાયની દૂધ હરિફાઈમાં મે ભાગ લીધો હતો. ત્યારે મારી ગાય 23 કિ. ગ્રામ દૂધ સાથે બીજો નંબર આવ્યો હતો. પરંતુ આ વખતે મારી ગીર ગાયનું કુલ 28.66 કિ. ગ્રામ દૂધ ઉત્પાદન નોંધાતા પ્રથમ નંબર મળ્યો છે. તેમણે ગીર ગાયની માવજત અને દૂધ ઉત્પાદન બાબતે જણાવ્યું હતુ કે, મારી પાસે હાલ એક ગાય અને બે વાછરડી છે. તેના માટે પશુ ડોક્ટરો સમયાંતરે મારે ત્યાં વિઝીટે આવે છે અને જરૂર પડે ત્યારે આ પશુઓનું રસીકરણ પણ કરવામાં આવે છે.

સૌરાષ્ટ્ર માટે આ ઘટના શ્વેતક્રાંતિ સમાન છે

પશુપાલન વિભાગ દ્વારા આ માટે પુરતુ માર્ગદર્શન પણ મને મળ્યું છે. રાજ્યના પશુપાલકો સારી ઓલાદના પશુપાલન થકી આર્થિક રીતે સક્ષમ બને અને પશુપાલનના વ્યવસાયને વેગ મળે તે માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોની સાથે પશુ આરોગ્ય મેળાઓ અને જાગૃતી શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લામાં પણ પશુપાલનના વ્યવસાયને નવી દિશા મળી રહે તે માટે પશુપાલન વિભાગ દ્વારા દૂધ ઉત્પાદન હરિફાઈ, પશુપાલન વિસ્તરણ ઝૂંબેશ, રસીકરણ, કૃત્રિમ બિજદાન, સહિતની પશુપાલન વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પશુપાલક લાભાર્થીઓ સુધી પહોંચાડી પશુપાલકોમાં જાગૃતી આવે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્ર માટે આ ઘટના શ્વેતક્રાંતિ સમાન છે. પશુપાલન ક્ષેત્રે આવી ક્રાંતિ જરૂરી છે.

વધુ માહિતી અને સમાચાર માટે અમારા ફેસબુક પેજને લાઈક કરીને અમારી સાથે જોડાયેલા રહો.. આભાર.. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો