ધોરાજીમાં પૌત્રના લગ્નની જીજીવીશાએ 90 વર્ષના માજીને જીવતા રાખ્યા, ચોરીના ચાર ફેરા પૂર્ણ થતા વીડિયો કોલમાં જોઇ અનંતની વાટ પકડી
ધોરાજીના સુપેડી ગામમાં રહેતા 90 વર્ષના જીવતીમાએ પોતાના લાડકવાયા પૌત્રના લગ્ન નિહાળવાના અભરખા સાથે આંગણે આવેલા મોતને થોડી કલાકો થોભાવી દીધું હતું. પૌત્રના ચોરીના ચાર ફેરા પૂર્ણ થયાનો વીડિયો જોયા બાદ જીવતીમાએ અનંતની વાટ પકડી હતી. આથી પરિવારમા ‘કભી ખુશી કભી ગમ’નો માહોલ જોવા મળ્યો હતો.
જીવતીમા છેલ્લા થોડા સમયથી બિમાર હતા
સુપેડીમાં રહેતા નિવૃત્ત શિક્ષક ભીખુભાઇ મકવાણાના કેમિકલ એન્જિનીયર પુત્ર પાર્થના લગ્ન ઉના રહેતા રસિકભાઈ કામલીયાની પુત્રી સાથે નિર્ધાર્યા હતા. ભીખુભાઇના વૃધ્ધ માતા જીવતીમા છેલ્લા થોડા સમયથી બિમાર અવસ્થામાં હતા. પણ લાડથી ઉછેરેલા પૌત્ર પાર્થના લગ્ન જોવાની જીવતીમાને તિવ્ર જીજીવીશા હતી. પોતે જીવતા જીવ પૌત્રના લગ્નનો લહાવો ઇચ્છતા હતા. પરિવારે પણ જીવતીમાની લાગણી અને નાંદુરસ્ત પરિસ્થિતિ જોઈ પાર્થના ઘડીયા લગ્ન લીધા હતા.
જાન ઘરે આવે એ પહેલા જીવતીમાએ પ્રાણ છોડ્યા
એકબાજુ જીવતીમાને જીવન અને મૃત્યુ વચ્ચેનુ અંતર ટૂંકુ હતું. બીજીબાજુ જીવતીમાની હાજરી વચ્ચે ગત 22 જાન્યુઆરીના રાત્રે પીઠી, દાંડીયાની વિધિ રંગેચંગે પૂરી કરી પાર્થની જાન રાત્રિના એક વાગ્યે ઉના જવા રવાના થઈ હતી. સવારે સાડા છ કલાકે જાન સુપેડી પહોંચી અને સાડા અગિયારે લગ્નના ફેરા શરુ થયા. જીવતીમા બિમારી અને અવસ્થાની અશક્તિથી જાનમાં જઇ શક્યા નહોતા. પણ પૌત્રના લગ્નને જાણે મનભરી માણવા હોય તેમ સુપેડી ઘરે બેઠા વીડિયો કોલથી હરખાતા હૈયે લગ્નને માણ્યા હતા.
પૌત્રના લગ્નને મનભરીને માણ્યા બાદ જાન સુપેડી પહોંચે તે પહેલા જ જાણે મનની મનોકામના પૂરી થયાના આત્મસંતોષ સાથે જીવતીમાએ સાંજે સાડાચારે અનંતની વાટ પકડી હતી. પરમાત્મામાં વિલીન થયેલા તેમના દેહ પર જાણે સંતોષનું સ્મિત ચમકતું હતું. ભીખુભાઇના પત્નિનો વર્ષ 2000મા દેહાંત થયા બાદ ભીખુભાઇ તથા દાદી જીવતીમાએ પાર્થ સહિત નાના ભાઇ ધ્રુવનો વ્હાલભર્યો ઉછેર કર્યો હતો. જીવતીમા અને ભીખુભાઇએ જીવનમા ઘણો સંઘર્ષ કરી બન્ને બાળકોને શિક્ષણ અને સંસ્કારનું સિંચન કર્યુ હતું.
પરણીને ઘરે આવેલી નવવધૂએ દાદીની અર્થીને કાંધ આપી
જીવતીમાની અંતિમયાત્રામાં ભીખુભાઇની ત્રણ બહેનો તથા નવ પરિણીત પુત્રવધૂએ કાંધ આપી જીવતીમાનાં વાત્સલ્ય અને મોતને થોભાવનારી જીજીવીશાને ખરા અર્થમાં શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..