ગુજરાતમાં 10 હજારમાં 1.5 ટનનું AC આપશે GEB!, જાણો સોશિયલ મીડિયામાં ફરતા આ વાયરલ મેસેજનું સત્ય
હાલમાં ભારતીય લોકો ઇન્ટરનેટનો સૌથી વધારે ઉપીયોગ કરે છે અને સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ક્યારેક ક્યારેક ખોટા મેસેજ પણ વાયુ વેગે વાયરલ થઇ જતા હોય છે, જેના કારણે કેટલાક લોકોની મુશ્કેલીઓ વધી જતી હોય છે. આવો જ કડવો અનુભવ ગુજરાતની વીજ કંપનીઓને થયો છે.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ મેસેજ તમને પણ મળ્યો હશે. જેમાં લખેલું છે કે, ‘હાલ ગુજરાતમાં 10 હજાર રૂપિયામાં GEB દ્વારા 1.5 ટનનું એસીનું વેચાણ 17.7.2019થી બીલ ઉપર મળશે.’ આ મેસેજની સાથે એસીના કેટલાક ફોટોગ્રાફ અને એક વિડીયો વાઈરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા લોકોને રાહતદરે એસીનું વેચાણ કરવામાં આવશે.
આ મેસેજ એટલો વાઈરલ થયો કે લોકો તેની માહિતી મેળવા માટે વીજ કંપનીમાં તપાસ કરવા લાગ્યા. લોકોનો ધસારો જોઈને વીજ કંપની પણ કંટાળી ગઈ અને ખુલાસો કર્યો છે કે આ મેસેજ ખોટો છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યની વીજ કંપનીઓમાં આવી કોઈ યોજના અમલમાં નથી.
વીજગ્રાહકોને ગેરમાર્ગે દોરવા કોઈક ઈસમે આવો ખોટો મેસેજ વાઈરલ કરેલ હોય તેમ જણાય છે. આવી કોઈ જ યોજના GUVNL અને તેની સંલગ્ન વીજ વિતરણ કંપનીઓ જેવી કે મધ્યગુજરાત વીજ કંપની, પશ્ચિમ ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં અમલમાં નથી.