પટેલ પરીવાર ગાયની યાદમાં બનાવશે સમાધિ, ગામમાં ધુમાડાબંધ જમણવાર કરાવ્યું,
કુદરતના અજીબ કિસ્સાઓ જોવા મળે છે તેવો જ એક કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામે જોવા મળ્યો હતો. ગઢડાના રણીયાળા ગામે એક ખેડૂતની ગાયનું મોત થતા માલિક અને ગ્રામજનો દ્વારા ગાયની વાજતે ગાજતે પાલખી યાત્રા કાઢી ધાર્મિક વિધિ કરી પોતાની વાડીએ ગાયને સમાધિ આપી હતી. ગાયનું મંદિર બનાવવા માટે આજે સમાધિ સ્થળ પર શાસ્ત્રિક વિધિ કરી મંદિર બનાવવામાં આવશે. તેમજ આજ રોજ ગામ ધુમાડો બંધ રાખી ગામના તમામ લોકોને પ્રસાદ આપવામાં આવ્યો હતો.
આપણા દેશમાં ગાયને માતાનુ બિરુદ આપ્યું છે અને ગાય પવિત્ર કહેવાય છે. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. ગઢડા તાલુકાના રણીયાળા ગામે રહેતા તલશીભાઈ વિઠ્ઠલભાઈ ગોયાણી ખેતીનો વ્યવસાય કરે છે. તલશીભાઈના ઘરે એક ગાય હતી, જે 25 વર્ષથી તેમના ઘરે હતી. આ ગાય રોજનું 8 લિટર દૂધ આપતી હતી. ગઈ કાલે રાત્રે ગાયનું અચાનક મોત થયું હતું, જેને કારણે પરિવારજનોમાં દુખ છવાયો હતો. પોતાના ઘરની સભ્ય જેવી આ ગાય માટે ઘરના લોકોએ વાજતે ગાજતે ગામમાં પાલખી યાત્રા કાઢી હતી. તેમજ હિન્દુ શાસ્ત્રો મુજબ વિધિ કરીને પોતાની વાડીએ ગાયની અંતિમ ક્રિયા કરી હતી.
જે સ્થળે અંતિમ વિધિ કરાઈ હતી, ત્યાં ગાયનું મંદિર બનાવવા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી. આ પરિવારના સભ્યો માને છે કે, આ ગાયને કારણે તેમના પરિવારમાં સુખસમૃદ્ધિ આવી હતી. તેથી આજે તેમને પરિવારનો જ કોઈ સભ્ય ગુમાવ્યો હોય તેવી લાગણી થાય છે. આજે ગાયની યાદમાં અલગ અલગ વાનગીઓ બનાવીને આખા ગામમાં ધુમાડા બંધ રખાવ્યું હતું, અને આખા ગામને પ્રસાદી માટે બોલાવાયા હતા. ગામના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પરિવાર માટે કામધેનુ સાબિત થયેલી આ ગાય ઘરમાં ન હોવાથી પરિવારજનોના આંખમાં આસું આવી ગયા હતા. આ ગાય તેના વધુ દૂધ આપવાને કારણે ગામમાં પ્રખ્યાત હતી. દરેક ગાય વાછરડાંને જન્મ આપ્યા બાદ દૂધ આપતી હોય છે. પરંત એક વાછરડાને જન્મ આપ્યા બાદ આ ગાય છેલ્લા ૨૦ વર્ષથી દુધ આપતી હતી.