શહીદ કમાન્ડોની બહેનના લગ્નમાં ભાઈની ફરજ નિભાવવા પહોંચ્યા તેના સાથી જવાનો
બિહારમાં શહીદ કમાંડો જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેનના લગ્નને ગરુડ કમાન્ડો ફોર્સના જવાનોએ યાદગાર બનાવી દીધા. શશીકલાને તેના શહીદ ભાઈની કમી ન વર્તાય તે માટે તેના શહીદ ભાઈના મિત્રોએ ‘ભાઈ’ બનીને ફરજ બજાવી હતી.
અનોખો રિવાજ
શહીદના ગામમાં અનોખો રિવાજ છે, જેમાં ભાઈ તેની બહેન માટે જમીન પર હાથ રાખે છે, તે હાથ પર ચાલીને તેની બહેન સાસરે જવા માટે ઘરેથી વિદાય લે છે. શહીદની બહેન શશીકલાનાં લગ્ન સુજીત કુમાર સાથે થયાં છે. તેની વિદાય વખતે તેના ભાઈના મિત્રો લાઈનમાં જમીન પર હાથ મૂકીને ગોઠવાઈ ગયા હતા. શશીએ ભાઈને યાદ કરીને અશ્રુભીની આંખે તેમના હાથ પર ચાલીને વિદાય લીધી હતી.
ગરુડ કમાન્ડો ફોર્સ ઇન્ડિયન એર ફોર્સનું જ સ્પેશિયલ ફોર્સ યુનિટ છે. શહીદ જ્યોતિ ઇન્ડિયન એર ફોર્સનાં બહાદુર જવાન હતા. તેઓ 31 વર્ષની ઉંમરે વર્ષ 2017ના નવેમ્બર મહિનામાં કાશ્મીરમાં બાંદીપોરા શહેરમાં આતંકીઓ સામે જંગ હારીને શહીદ થઈ ગયા હતા.
દોસ્તોનો આભારી
કન્યાના પિતા તેજનારાયણ સિંહે જણાવ્યું છે, મારી દીકરીનાં લગ્ન મને આખી જિંદગી યાદ રહેશે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે, મારા શહીદ દીકરાના મિત્રો શશીકલાના લગ્નમાં આવશે. તે બધાએ લગ્ન દરમિયાન અમને એક સેકન્ડ માટે પણ જ્યોતિની કમી અનુભવવા દીધી નહોતી. હું જ્યોતિના તમામ દોસ્તોનો આભારી છું.
અશોકચક્રથી સન્માનિત
વર્ષ 2018માં પ્રજાસત્તાક દિવસના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદ કમાંડો જ્યોતિનું અશોક ચક્ર તેમનાં પત્ની અને માતાને આપ્યું હતું.