વડોદરાની ગરીમા છેલ્લા 3 વર્ષથી વ્હીલ ચેર ઉપર હોવા છતાં ધો-12 CBSE બોર્ડમાં 95.2 ટકા મેળવ્યા
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) દ્વારા આજે ધો-12નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના વાસણા-ભાઇલી રોડ પર આવેલા બ્રાઇટ ડે સ્કૂલમાં અભ્યાસ કરતી ગરીમા વ્યાસે હ્યુમેનિટીઝ વિષયમાં 95.2 ટકા પ્રાપ્ત કર્યાં છે. ત્રણ વર્ષ પહેલા ધો-10ની પરીક્ષા પહેલાં ગરીમાને પાવાગઢમાં ટ્રેકિંગ દરમિયાન કરોડરજ્જુના ભાગે ઇન્જરી થઇ હતી. અને ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી વ્હીલ ચેર પર જ છે. તેમ છતાં ગરીમાએ બ્રાઇટ ડે સ્કૂલમાં હ્યુમેનિટીઝ વિષયમાં પ્રથમ નંબર મેળવ્યો છે.
ઇન્જરીને કારણે ગરીમા માત્ર દોઢથી 2 કલાક જ વાંચી શકે છે
વડોદરાના સનફાર્મા રોડ પર આવેલા વેલાની હાઇટ્સ ખાતે ગરીમા તેના પિતા ધનંજય વ્યાસ અને માતા કેજલ વ્યાસ સાથે રહે છે. છેલ્લા ત્રણ વર્ષથી ગરીમાને દરરોજ ફિઝિયોથેરાપીની સારવાર ચાલે છે. જેથી ગરીમા રોજ માત્ર દોઢથી 2 કલાક જ અભ્યાસ કરી શકે છે. તેમ છતાં ગરીમાએ નક્કી કરેલા ગોલ પ્રમાણે ધો-12ની પરીક્ષા પોતાની મહેનતના બળે સારૂ પરિણામ મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે.
સ્કૂલ તરફથી ગાઇડન્સ અને મદદ મળી
ગરીમાના માતા કેજલ વ્યાસે જણાવ્યું હતું કે, ગરીમાને ઇન્જરી થઇ હોવાથી તેને અભ્યાસમાં ખુબ જ મુશ્કેલી પડતી હતી. પરંતુ સ્કૂલ તરફથી ગાઇડન્સ અને મદદ મળી હતી. જેને કારણે ગરીમા સારૂ પરિણામ લાવી શકી છે. ગરીમાએ ધો-10માં પણ ઇન્જરી દરમિયાન 10માંથી 10 સીજીપીએ મેળવ્યા હતા.
ગરીમાને રોજ 5થી 6 કલાક સુધી એક્સરસાઇઝ કરવી પડતી હતી
ગરીમા વ્યાસે જણાવ્યું હતું કે, મારી ઇન્જરીને કારણે મારે રોજ 5થી 6 કલાક સુધી એક્સરસાઇઝ કરવી પડતી હતી જેથી હું ભણવામાં વધારે સમય આપી શકતી ન હતી પરંતુ ટાઇમ મેનેજમેન્ટ કરીને મે સારૂ પરિણામ મેળવી બતાવ્યું છે. મારા સારા રિઝલ્ટ માટે હું મારા પેરેન્ટ્સ અને ટીચર્સના સપોર્ટને ક્રેડિટ આપુ છું.