ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળાના દરવાજેથી બાળક મળ્યું: અજાણ્યો યુવક બાળકને ગૌશાળામાં મુકી ફરાર, માસૂમનાં માતા-પિતાને શોધવા ગાંધીનગર પોલીસ શહેર-ગામડાં ખૂંદી વળશે

ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વાલી-વારસોને શોધવા માટે પોલીસની 8 ટીમ તૈયાર કરાઈ છે, જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની 4 ટીમ સામેલ છે, જ્યારે 2 ટીમ મહિલા પોલીસ અને 2 સ્થાનિક પોલીસની ટીમ પણ સામેલ છે. બાળઆયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ જણાવ્યું છેકે, જો આવતીકાલ એટલે કે રવિવાર સુધીમાં બાળકના માતા-પિતા નહીં મળે તો બાળકને ઓઢવ શિશુગૃહમાં મોકલાશે. શિશુગૃહમાં તમામ વ્યવસ્થા કરી દેવાઈ છે. અત્યારે બાળકનું મેડિકલ ચેકઅપ કરાઈ રહ્યું છે.

સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાંમાં મોકલાઈ
ગાંધીનગરનાં પેથાપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળાના દરવાજા પાસે ગઈકાલે રાત્રિના સમયે કોઈ અજાણ્યો ઈસમ નાના બાળકને તરછોડી દઈ નાસી છૂટ્યો છે. ત્યારે છેલ્લા બાર-તેર કલાકથી ગાંધીનગર પોલીસ બાળકના વાલી-વારસો મળી જાય એની તપાસમાં લાગી ગઈ છે. વાલી-વારસોને શોધવા માટે પોલીસે 40 જેટલા સીસીટીવી ફૂટેજ એકઠા કર્યા છે, જ્યારે 8 ટીમ તૈયાર કરાઈ છે. સિવિલ ડ્રેસમાં બાળકના ફોટા સાથે પોલીસને ગામડાંમાં પણ મોકલાઈ છે.

રાજ્યમાં મિસિંગ બાળકોની માહિતી એકઠી કરવા 2 ટીમ કામે લાગી
આ ઉપરાંત ગુજરાતમાં મિસિંગ બાળકોની માહિતી એકઠી કરવા 2 ટીમ કામે લગાવવામાં આવી છે, જ્યારે અન્ય રાજ્યમાં મળી આવેલાં બાળકોની મિસિંગ કમ્પ્લેન નોંધાઈ છે કે નહીં એની તપાસ પણ શરૂ કરાઈ છે. પોલીસની 1 ટીમ તમામ રાજ્યોના પોલીસ કન્ટ્રોલ રૂમને બાળકની માહિતી પહોંચાડવા કાર્યરત કરાઈ છે.

શુક્રવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં બાળક મળ્યું
ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગૌશાળાના સેવકને ગઈકાલે રાત્રે સાડાઆઠ-નવ વાગ્યાના અરસામાં દરવાજા પાસે બાળક રડતું હોવાનો અવાજ સંભળાયો હતો, જેથી તે દોડીને દરવાજા તરફ ગયો હતો. દરવાજા પાસે એક બાળક રડી રહ્યું હતું, આથી સેવકે તરત તેને તેડી લઈ શાંત રાખવાનો પ્રયાસ કરી આસપાસ તેના વાલી-વારસોને શોધ્યા હતા, પરંતુ કોઈ ચહલપહલ નહીં જણાતાં તેણે ગુરુકુળના સ્વામીને બાળક મળ્યાની જાણ કરી હતી.

સીસીટીવીમાં એક શખસ બાળકને મૂકીને નાસી જતો નજરે પડ્યો
બાદમાં સ્વામીના કહેવાથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી, જેને પગલે પેથાપુર પોલીસ મથકના એએસઆઇ હર્ષરાજસિંહ સ્ટાફના માણસો સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે ગુરુકુળના સીસીટીવી ચેક કરતાં એક શખસ બાળકને ઊંચકીને ગૌશાળામાં પ્રવેશી બાળકને મૂકીને નાસી જતો નજરે પડ્યો હતો. ત્યારે ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તેના વાલી-વારસોને શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો