બ્રાન્ડેડ કંપનીના પીણા પીતા લોકો માટે આંખ ઉધાડતો કિસ્સો, ફ્રૂટ ડ્રિંક પીતી બાળકીને મોંઢામાં રેસા આવતાં જાણ થઈ કે પેકેટમાં અંદર સડેલા પદાર્થ છે.
ફ્રૂટ ડ્રિંકના પેકેટમાંથી સડેલા પદાર્થ નીકળતા વેપારીને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઉપરાંત ડિસ્ટ્રિબ્યુટરે હાથ ખંખેરી લેતા વેપારીની હાલત કફોડી બની છે. જોકે બ્રાન્ડેડ કંપનીના પીણામાં આ પ્રકારની લાપરવાહી સામે આવતા પ્રોડક્ટ સામે સવાલ ઉઠ્યા છે.
પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં આવેલી મિઠાઇની દુકાનમા કોકાકોલા કંપનીના મિનિટમેડ નામના ફ્રૂટ જ્યૂસનો આશરે 25 હજારનો માલ મંગાવ્યો હતો. વેપારીએ આવેલા માલમાંથી પોતાની દીકરી માટે ફ્રૂટ જ્યૂસનું પેકેટ ઘરે લઈ ગયા હતા. જ્યાં બાળકીએ ફ્રૂટ ડ્રિંક પીધા બાદ મોંઢામાં રેસા આવતા હોવાની ફરિયાદ કરી હતી. જેથી વેપારીએ પેકેટ ખોલતા ઘરના સદસ્યો ચોંકી ઉઠ્યા હતા. આ ફ્રૂટ જ્યૂસના પેકેટમાં કોઈ સડેલો પદાર્થ જોવા મળ્યો હતો.
વેપારી પહેલા તો એકાદ પેકેટમાં આવુ હશે તેમ માની સંતોષ માની લીધો હતો. પરંતુ બીજા દિવસે દુકાને આવી વેપારીએ ઉપરા ઉપરી ત્રણ ચાર પેકેટ તોડતા બધા જ પેકેટમાં આ પ્રકારનું સડેલો પદાર્થ જેવું જોવા મળ્યું હતું. આથી વેપારીએ ડિસ્ટ્રિબ્યુટરને ફોન કરીને જાણ કરતા ડિસ્ટ્રિબ્યુટરે જણાવી દીધું કે તમારે જે કરવું એ કરો હું આ મામલે કશું કરી શકું તેમ નથી. જેથી દુકાનદાર હવે સડેલા માલનું શું કરવું તે વિમાસણમાં મુકાયા હતા.