ચોમાસાના 4 મહિના આ પરિવારના ઘરે મોટી સંખ્યામાં આવી જાય છે પક્ષીઓ

કેશોદના ગૃહસ્થ અને તેનો પરિવાર જુન મહિનામાં પોતાના ઘર આંગણે બાજરીના ડુંડાને સ્ટેન્ડમાં લગાડીને પક્ષીઓને આમંત્રણ આપે છે ત્યારબાદ 10 દિવસ પછી સ્ટેન્ડ હજારોની સંખ્યામાં ચકલી – પોપટથી ખચોખચ ભરાય જાય છે. ચોમાસાના 4 મહિના આ કુદરતી નજારાનો આનંદ ઉઠાવવા અનેક લોકો ઉમટી પડે છે.

મુળ મેંદરડાના આંબલાના હરસુખભાઇ 32 વર્ષથી કેશોદ વેરાવળ રોડ પર ઘનશ્યામનગરમાં રહે છે. પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા અને બાદમાં ફાઇબરના ચુલા બનાવવાની શોધ કરી અને નામ રાખ્યું ગોકુલ ચુલા. આમ હવે ગોકુલ ચુલાવાળા તરીકે ઓળખાતા હરસુખભાઇને ઇ.સ.2000માં એટલે કે 18 વર્ષ પહેલા અકસ્માત નડતા પથારીવશ થયેલા ત્યારે તેમના સગા પોક બનાવવા બાજરીના ડુંડા લઇ આવ્યાં હતાં. પરંતુ તેને દીવાલ પર લટકાવી દેતા એક પોપટ ચણવા આવેલો.

જેની સંખ્યા વધતા 18 વર્ષ બાદ અત્યારે ચણ નાખી પક્ષીઓને આમંત્રણ આપતા 10 દિવસમાં હજારોની સંખ્યામાં પોપટ અને (સુગરી) પીળી ચકલીઓ 50 કિમીના દાયરામાંથી તેમના ઘરની આંગણે ચણ ચણવા આવી પહોંચે છે. ઉપરાંત અન્ય પક્ષીઓ તો ખરાજ.! ઉપરાંત લવ બર્ડ જેવા પક્ષીઓ તેમજ 6 જેટલા નોળિયા હાજરી આપે છે જેને જલેબી દુધ અને મગફળીના દાણા ખવડાવવામાં આવે છે.

કેશોદમાં રહેતા આ પરિવારના ઘરે જોવા મળતા કુદરતી નજારાને જોવા મોટી સંખ્યામાં ઉમટે છે લોકો

આ સીલસીલો ચોમાસાના 4 મહિના સુધી ચાલુ રહે છે. આ સમયે અસંખ્ય મુલાકાતીઓ વહેલી સવારનાં તેમના ઘરે ધામા નાખી દે છે અને પક્ષીઓનાં કલરવનો આનંદ ઉઠાવે છે. આમ, ધંધા સાથે સેવાનો ભેખ ધરી પોતાના 10 વિઘાની ઉપજની તમામ આવક ઉપરાંત તેમના ધંધામાંથી 1 લાખની રકમ એટલે કે 2 થી3 લાખ જેવી રકમ પક્ષીઓની ચણ માટે ખર્ચી નાખે છે.

જતન માટે એવોર્ડથી સન્માનિત

નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન રાષ્ટપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ તેમજ આઇઆઇએમના ગુપ્તાની હાજરીમાં માર્ચ 2015નો પક્ષીઓ પ્રત્યેના પ્રેમ અને પર્યાવરણના જતન માટે એવોર્ડ અપાયો હતો. તેમજ અન્ય સમાજ સંસ્થા દ્વારા તેમના આ કાર્યને બીરદાવી અનેક વખત સન્માનિત કર્યા છે.

ત્રણ પેઢી પક્ષીઓની સેવા કરવા તત્પર રહે છે

હરસુખભાઇની ત્રણ પેઢી એટલે કે પોતે તેમના ધર્મપત્ની રમાબેન તેમના દીકરા પ્રકાશભાઇ અને પુત્રવધુ ચંદ્રિકાબેન પોત્ર ક્રિપાલભાઇ અને પૌત્રવધુ નમ્રતાબેન તમામ પક્ષીઓની સેવા કરવા તત્પર રહે છે.

ઘરના આંગણે 27 કરતા વધુ જગ્યાએ ચકલીનાં માળા બાંધેલા

હરસુખભાઇના તેમના ઘરના આંગણે 27 કરતા વધુ જગ્યાએ ચકલીના માળા બાંધેલા છે. જેમાં દર વર્ષે 100 કરતા વધુ ચકલીના બચ્ચા જન્મે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો