વડોદરામાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ કૃષ્ણ જન્મ જેવું દ્રશ્ય સર્જાયું, દોઢ માસના બાળકને બચાવવા PSI ટોપલામાં લઈને નીકળ્યા
વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોની મદદ માટે એનડીઆરએફની ટીમો કામ કરી રહી છે. જોકે, વડોદરાની દેવપુરાવિસ્તારની એક સોસાયટીમાંથી પીએસઆઈ માથે ટોપલામાં દોઢ માસના બાળકને લઈને સલામત સ્થળે જતા નજરે પડ્યા હતા. જેથી કૃષ્ણ જન્મ સમયે જે દ્રશ્ય હતું એવું જ આ દ્રશ્ય સર્જાયું હતું. પરંતુ કૃષ્ણને લઇ જતા વસુદેવને તો નવજાત ભગવાન કૃષ્ણના ચરણ સ્પર્શ કરી મા યમુનાએ માર્ગ કરી આપ્યો હતો. પણ આ બાળક માટે તો ધસમસતા જળ પ્રવાહમાંથી ભગીરથ પ્રયત્ન કરી માર્ગ કાઢવો પડ્યો હતો. પીએસઆઈનાઆ કાર્યથી માતાએ પણ આભાર માન્યો હતો.
બાળકને બચાવવા ઘરમાંથી જ ટબ માંગ્યુઃ પીએસઆઈ
પીએસઆઈ ગોવિંદ ચાવડાએ જણાવ્યું હતું કે, અમે રેસ્ક્યુ માટે પહોંચ્યા હતાં. એક નાનું દોઢ માસનું બાળક પણ હતું. હવે વૃધ્ધોને તો રેસ્ક્યુ તેડીને કરી શકીએ પણ બાળકને કેમ પકડવું તે સવાલ હતો. એટલે મેં ઘરમાં જઈને કોઈ વાસણ કે એવું હોય તો આપવા કહ્યું હતું. એ લોકોએ તગારાંજેવું ટબ હોવાનું કહ્યું હતું. મેં કહ્યું કે, ટબ ચાલશે આપો અને પછી બાળકના કપડા અને રૂમાલ તેમાં મુકીને બાળકને લઈને બહાર નીકળ્યો હતો.
73 લોકોનું રેસ્ક્યુ કર્યું: પીએસઆઈ
વડોદરાના દેવપુરા વિસ્તારમાં દોઢ માસની બાળકની સહિત 73 લોકોને રેસ્ક્યુ કરીને જીવ બચાવનાર રાવપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગોવિંદ ચાવડાએ જણાવ્યું હતું કે, અમને ગત મોડી રાત્રે મેસેજ મળ્યો હતો કે, વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા દેવપુરામાં લોકો ફસાયેલા છે. જેથી હું મારી ટીમ સાથે પહોંચી ગયો હતો. જોકે, પાણીનો પ્રવાહ વધારે હોવાથી જવું મુશ્કેલીભર્યું હતું. પરંતુ મને તરતા આવડતું હોવાથી તરીને દેવપુરામાં પહોંચ્યો હતો. અને લોકોને સમજાવ્યા હતા કે, પાણીનો ફ્લો વધશે જેથી તમારે સામાન લઇને અહીંથી નીકળી જવું પડશે. અમે લોકોએ ખાટલાની પાટીને બે ઝાડ સાથે બાંધી દીધી હતી. અને તેની મદદથી અમારા સ્ટાફ સાથે મળીને અમે લોકોએ 73 લોકનું રેસ્ક્યુ કર્યું હતું. જેમાં દોઢ મહિનાનાબાળકને રૂમાલ મૂકીને ટોપલામાં મૂકીને મે મારા માથા પર મૂકીને રેસ્ક્યૂ કરી હતી.
કેન્સર પીડિત વૃદ્ધાને પણ ખાટલા પર બેસાડીને બચાવી
વધુમાં પીએસઆઇ ગોવિંદ ચાવડાએ જણાવ્યું હતું કે, 80 વર્ષના કેન્સર પીડિત વૃદ્ધાને પણ ખાટલા પર બેસાડીને અમે બચાવી લીધી હતી. અમે લોકો હંમેશા કોઇપણ પ્રકારની કામગીરી માટે તૈયાર જ હોઇએ છીએ. અને બાળકસહિત 73 લોકોને બચાવીને અમને ગર્વ થઇ રહ્યું છે.
વડોદરા સિટીમાંથી 96 લોકોને ઉગાર્યા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને લઈને વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.પૂર સહિતની કુદરતી આપદાઓમાં બચાવ અને રાહતના કાર્યોમાં એનડીઆરએફ હંમેશા અગ્રેસર રહે છે. એ પરંપરાને આગળ ધપાવતા એનડીઆરએફ જરોદના તાલીમબદ્ધ જવાનોની 4 ટુકડીઓ અત્યારે વડોદરા શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોના ફસાયેલા લોકોને ઉગારવાનું કામ થાક્યા વગર કરી રહ્યા છે. જવાનો બોટ, લાઈફ બોટ, લાઈફ બોયા સહિતની સાધન સુવિધા સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત છે. અને વડોદરા સિટીમાંથી 96 લોકોને ઉગાર્યા છે.
હાઇ વે પર પાણી ફરી વળ્યા
એનડીઆરએફના જરોદ ના અધિકારીશ્રી હિમાંશુ બડોલાએ આપેલી જાણકારી અનુસાર એનડીઆરએફની ટુકડીઓએ વડોદરાના વિવિધ જળગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 96 લોકોને ઉગારીને સલામતી બક્ષી છે. જેમાં એકલા સમા વિસ્તારના 79 અસરગ્રસ્તોનો સમાવેશ થાય છે.એનડીઆરએફએ હાઇ વે પર બસ અને કારમાં ફસાયેલા 12 લોકોને ઉગાર્યા છે. જરોદ ગામના નિચાણવાળા વિસ્તારોના પાણીના ભરાવાથી જળમગ્ન બનેલા 2 ઘરોના 6 લોકોને સલામત સ્થળે ખસેડયા છે. એનડીઆરએફની બટાલિયનનું મથક વડોદરા પાસે જરોદ ગામમા હાલોલ તરફના હાઇ વે પર આવેલું છે. બડોલાના જણાવ્યા પ્રમાણે જરોદથી વડોદરા સુધીના સમગ્ર રસ્તા પર વરસાદને લીધે ભારે ટ્રાફિક જામ્યો હતો તેમ છતાં આ ટુકડીઓએ જહેમતપૂર્વક માર્ગ કાઢીને વડોદરા પહોંચવાની ફરજ પરસ્તી દાખવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.