અનોખી શ્રદ્ધાંજલી: તક્ષશિલાની આગમાં મોતને ભેટેલા 22 માટે પાંચ વર્ષની બાળકીએ રાખ્યા રોઝા

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ કાળમુખી આગ લાગી હતી. જેમાં 22 માસૂમોના મોત નીપજતાં હાહાકાર મચી ગયો હતો. દેશ દુનિયાના લોકોને દ્રવિત કરી દેતી આ ગોઝારી ઘટનામાં પાંચ વર્ષની કૂમળી શિફાનું હ્રદય વ્યથિત થઈ ગયું હતું. શિફાએ પવિત્ર રમઝાન માસ દરમિયાન રોઝા રાખ્યાં હતાં. આ રોઝાનું સમગ્ર પુણ્ય તેણીએ તક્ષશિલાની આગમાં મોતને ભેટેલા હુતાત્માની શાંતિ માટે અર્પિત કરી દઈને શ્રધ્ધાંજલિ સાથે ન્યાયની માંગ કરતાં પરિવારજનો પણ અચંબિત થઈ ગયા હતાં.

મૃતકોની આત્માની શાંતિ માટે રોઝા રાખ્યા.. કેજીમાં ભણતી શિફાની અનોખી શ્રધ્ધાંજલિ

નાની ઉંમરે અનોખી શ્રધ્ધાંજલિ

આજે મુસ્મિલ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસના રોઝા રાખ્યા બાદ ચાંદે ગવાહી આપતાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા મોઈન શેખની દીકરી શિફા હજુ તો કેજીમાં ભણે છે. નાનકડી આ દીકરીએ ગત વર્ષે પણ મમ્મી-પપ્પા સમક્ષ 27મો રોઝા રાખવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ મમ્મી-પપ્પાએ તેની નાની ઉંમરને જોતા તેને રોઝા રાખવાની મનાઈ કરી હતી. પરંતુઆ વખતે તેણે કોઈની વાત માન્યા કે પુછ્યા વગર જ તક્ષશિલાના હતભાગીઓ માટે રોઝા રાખીને પોતાની પાક ફરજ માનીને અદા કરી હતી.

રોઝા રાખી દુઆ કરી

નાનકડી શિફાએ ભલભલાને શરમાવતાં પિતાની સાથે રોઝો રાખ્યો અને દુઆ કરી હતી. અલ્લાહે તે બાળકોને પોતાની પાસે બોલાવ્યા છે, અને મેં રોઝા રાખીને તેમના માટે શાંતિની દુઆ કરી છે. શિફાના પિતાનું કહેવું છે કે, તેણે સવારે રોઝા રાખવાની વાત કરી ત્યારે શરૂઆતમાં મેં ના પાડી હતી. જોકે, શિફા તેના માટે મક્કમ હતી. તેણે આખો દિવસ રોઝા રાખ્યો પણ ખરા. તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગનો વિડીયો જોઈ શિફા મને પૂછતી હતી કે આગમાં મરી જનારા લોકોને કેવી પીડા થતી હશે? શિફાના માતા શાબિનાએ કહ્યું કે, 27મો રોઝા રાખનારી શિફા તેમના પરિવારની પહેલી બાળકી છે. બાળકો માટે 42 ડિગ્રી ગરમીમાં પાણી વિના આખો દિવસ રહેવું ખૂબ જ અઘરું હોય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો