સુરતથી આવ્યા સારા સમાચાર, પ્રથમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા, યુવતીએ જણાવી સ્વસ્થ થઈને ઘરે આવવાની સમગ્ર કહાની
લંડનથી આવેલી સુરતની 21 વર્ષની યુવતી સ્વસ્થ થઈ રવિવારે રાત્રે પાર્લેપોઇન્ટ સ્થિત પોતાના ઘરે આવી છે. તેણે કોરોના લક્ષણની શરૂઆત, હોસ્પિટલમાં મળેલી સારવાર, તબીબો સાથેના અનુભવ અને 14 દિવસના આઇસોલેટેડ પિરિયડ કેવી રીતે પસાર કર્યો, તે વિશે વાત કરી હતી. આ યુવતી ગુજરાતનો પહેલો પોઝિટિવ કેસ હતો અને તે સ્વસ્થ થઈને ઘરે આવ્યા બાદ તેનો કોરોના બાબતે જે આખો અનુભવ થયો છે, તે વાંચો તેના જ શબ્દોમાં…
ડોક્ટરો મને સતત મોનિટર કરતા હતા
હું લંડનથી 14મી માર્ચે મુંબઈ એરપોર્ટ આવી હતી. એરપોર્ટ ઉપર મારું થર્મલ સ્ક્રિનંગ થયું, જેમાં કશું ન આવ્યું. ત્યાંથી હું સુરત આવી. 15મીની રાત્રે જ મને સહેજ શરદી-ખાંસી જેવું હતું.. સવારે જ્યારે ઉઠી ત્યારે મને 101 જેટલો તાવ હતો. મેં તરત જ મમ્મીને વાત કરી. અમને કોરોનાની શંકા લાગી એટલે તરત જ ગર્વમેન્ટે પેલી કોવિડ-19 માટેની હેલ્પલાઇન ઉપર કોલ કર્યો. હેલ્પલાઇન ઉપર અમને સજેસ્ટ કરાયા કે તમે પ્રાઇવેટ ડોક્ટર પાસે ન જાવો. તમારી ટ્રાવેલ હિસ્ટ્રી છે એટલે સીધા સિવિલ હોસ્પિટલ જતા રહો. હું મમ્મી સાથે તરત જ નવી સિવિલ હોસ્પિટલ ગઈ અને ત્યાં તબીબોએ અમને એડવાઇઝ કર્યા કે તમે અહીં જ રહો અને મારું ફિવર કેટલાક કલાકો સુધી મોનિટર કર્યું. મારા રિપોર્ટસ ન આવે ત્યાં સુધીના 48 કલાક મને સિવિલમાં જ રાખવાનું કહ્યું.
અપર રેસ્પેરેટરીમાં જ ઇન્ફેક્શન હતું
જે પહેલો ટેસ્ટ કર્યો હતો તે ન નેગેટીવ ન પોઝિટિવ એવો આવ્યો. તબીબોની ભાષામાં એને કંઈક કહેવાય પણ તે હમણા યાદ નથી. તેમણે ફરીથી મારો એક ટેસ્ટ કર્યો અને તેના સેમ્પલ્સ પૂણે મોકલ્યા હતા. પહેલાના બે-ત્રણ દિવસ જ મને તાવ હતો, પછી તાવ એવું કંઈ ન હતું. ફક્ત સૂકી ખાંસી આવતી હતી. પૂણેમાં જે સેમ્પલ મોકલ્યા હતા તે પોઝિટિવ આવે તે પહેલા ડોક્ટર્સે મને દવાઓ આપવાની શરૂઆત કરી દીધી હતી, જેના કારણે મારી તબિયત ઘણી સારી થવા લાગી હતી. મારું કોરોનાનું જે ઇન્ફેક્શન હતું તે ફક્ત અપર રેસ્પેરેટરીમાં જ હતું. તેની ટ્રીટમેન્ટ પહેલા જ સ્ટાર્ટ થઈ ગઈ હતી. તેની મેડિસિન પણ સિમ્પલ જ હતી એટલે સારું હતું. મારું જમવાનું મારા ઘરેથી જ આવતું હતું. મારા કાકી જમવાનું બનાવતા હતા. સુરત મહાનગરપાલિકાએ એક કર્મચારીએ એપોઈન્ટ કર્યા હતા કે જેઓ દરરોજ મારા ઘરે જઈને જમવાનું લાવી મને હોસ્પિટલમાં આપતા હતા.
મુખ્યમંત્રીએ મને ફોન કરી તબિયત પૂછી હતી
મને દવા કઈ આપતા હતા તે તો મને ખબર નથી પણ ટ્રીટમેન્ટ ખૂબ સારી હતી. સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ ખૂબ જ સારા છે. તેમણે મારી ફક્ત હેલ્થ કેર જ નથી કરી, તેમણે મને ઇમોશનલ સપોર્ટ પણ આપ્યો છે. હું વિદેશથી આવી અને મારી ફેમિલિને બરાબર મળી પણ નહોતી. આઇસોલેશનમાં રહેવાનું બહું ડિફિકલ્ટ હોય છે. ડોક્ટર્સ-નર્સ મને દરરોજ ચાર-પાંચ વખત આવીને પૂછતા હતા કે કોઈ વસ્તુની જરૂરિયાત છે? મને શું થાય છે? ડોક્ટર્સે મને બુક્સ-નોવેલ્સ મોકલી આપ્યા હતા. જેનાથી મારો ટાઇમપાસ થાય. મારો અનુભવ ખૂબ સારો રહ્યો. નવી સિવિલના ડોક્ટર્સ, નર્સ તમામ સ્ટાફ ખૂબ જ સારો હતો. આટલી સારી સેવા અન્ય કોઈ જ હોસ્પિટલ ન આપી શકે. મને મુખ્યમંત્રીએ ફોન કરીને મારી તબિયત પૂછી હતી. તેમના શબ્દ હતા કે, તમે ગુજરાતના પહેલા કેસ છો. અમારી એવી પ્રાર્થના છે કે તમે ગુજરાતના પહેલા રીકવરી કેસ પણ બનો.
168 કલાક પરિવારથી દૂર હોસ્ટેલમાં રહેતી હતી
કોરોના વાઇરસથી સંક્રમિત વ્યક્તિને સાજો કરવાની હજુ સુધી કોઈ દવા શોધાઈ નથી. પરંતુ શરીરમાં જે પ્રમાણેના લક્ષણ હોય તે પ્રમાણે દવા અને ડાયટ આપવામાં આવે છે. નવી સિવિલની આ 7 નર્સે પહેલા કોરોના પોઝિટિવ દર્દીની સેવા કરી છે. તેમણે છેલ્લા 14 દિવસમાં દરરોજ 12 કલાક કામ કર્યું અને પછી તેઓ ઘરે જતા ન હતા પરંતુ કેમ્પસના હોસ્ટેલમાં જ પોતાને કોરોન્ટાઇન કરતા હતા. આ તમામ 7 નર્સે 14 દિવસમાં 168 કલાક કોરોના પોઝિટિવ દર્દીની સેવા કરી અને બાકીના 168 કલાક પરિવારથી દૂર હોસ્ટેલમાં રહેતી હતી. રવિવારે રાત્રે જ્યારે સુરતના પહેલા પોઝિટિવ દર્દીને રજા આપવામાં આવી ત્યારે આ તમામ નર્સ ભેગી થઈ હતી અને તેમના ચહેરા પર એટલું જ સ્મિત અને ચમક હતી, જેટલી હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે જતી દર્દીના ચહેરા પર હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..