આ યુવતીએ અપાવ્યું દેશને ગૌરવ, એટલાન્ટિક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા પાઈલટ બની
‘લહરોં સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી’ આ વિધાન મુંબઈની આરોહી પંડિતે સાચું પાડ્યું છે. મુંબઈની 23 વર્ષની આરોહી લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટથી એટલાન્ટિક મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે. મિનિ એરક્રાફ્ટની મદદથી તેણે એકલીએ 3000 કિમીનો પ્રવાસ ખેડ્યો હતો.
માહી એરક્રાફ્ટ
આ પ્રવાસ કોઈ સામાન્ય નહોતો. તેના માટે આરોહીએ ખરાબ મોસમમાં કેવી રીતે એરફ્રાફ્ટ ઉડાડવું તેની કઠિન ટ્રેનિંગ લીધી હતી. તેણે યાત્રા કરેલા એરક્રાફ્ટનું નામ ‘માહી’ છે. માહી એક સિંગલ એન્જીન સાઈન્સ 912 એરક્રાફ્ટ છે, જેનું વજન આશરે 400 કિલોગ્રામ છે.આ પ્રવાસ દરમિયાન આરોહી ગ્રીનલેન્ડ અને આઈસલેન્ડમાં રોકાઈ હતી. 30 જુલાઈના રોજ આરોહી ભારત પરત ફરશે. કેનેડાના એરપોર્ટ પર પહોંચીને તેણે ભારતનો ઝંડો ફરકાવ્યો હતો, જે કેનેડામાં ભારતના રાજદૂત વિકાસ સ્વરૂપે આરોહીને આપ્યો હતો.
આરોહીએ આ સફળતા મેળવ્યાં બાદ કહ્યું કે, હું ખુશ છું અને સન્માનિત અનુભવી રહી છું. મારા દેશ માટે હું કંઈક ખાસ કરી શકી તે માટે હું ગર્વ ફીલ કરું છું. એટલાન્ટિક સમુદ્ર ઉપરથીપસાર થવાનો અનુભવ ઘણો જોરદાર રહ્યો. ત્યાં માત્ર હું, નાનું પ્લેન, વાદળી આકાશ અને વાદળી દરિયો જ હાજર હતા.
ઉત્તર-પશ્ચિમ મુંબઈમાં બોરીવલી વિસ્તારની રહેવાસી આરોહીએ લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારત , ગ્રીનલેન્ડ, સાઈબેરિયા અને ઈટલીમાં કુલ 7 મહિનાની ટ્રેનિંગ લીધી હતી. ટ્રેનિંગ દરમિયાન તેણે દરિયાની ઉપર, બરફ વિસ્તાર અને ખરાબ મોસમમાં પ્લેન ઉડાવ્યું હતું.
પાકિસ્તાનમાં પણ ઉડાન ભરી
આની પહેલાં આરોહીએ પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ઉપરથી ઉડાન ભરીને પાકિસ્તાન ગઈ હતી. પાડોશી દેશમાં તેણે વિમાન ઉતાર્યું હતું. આ સાથે જ એલએસએ પ્લેનને લેન્ડ કરનારી ભારતની પ્રથમ નાગરિક બની હતી.