અંતિમયાત્રામાં ઘરેથી દોણીમાં અગ્નિ કેમ લઈ જવામાં આવે છે?
માનવીને એના અગમ પંથની મુસાફરી માટે સજાગ કરતું તેમજ દેહની ક્ષણભંગુરતા સમજાવતું પ્રતીક એટલે દોણી. પ્રાચીન કાળમાં જે અગ્નિને સાક્ષી રાખી લગ્ન થતાં તે અગ્નિ ઘરમાં સતત પ્રજ્વલિત રાખવામાં આવતો અને મૃત્યુ પછી તે ગૃહ્યાગ્નિને માટલીમાં મૂકી સ્મશાનમાં લઈ જતા અને તેનાથી મૃતદેહને અગ્નિદાહ આપતા. દોણી સાથેની સ્મશાનયાત્રા તેમજ તે વખતે થતો, ‘રામ બોલો ભાઈ રામ’ નો ઉચ્ચાર વાતાવરણને ભારેખર તેમજ માનવને અસ્વસ્થ અને ગ્લાનિપૂર્ણ બનાવે છે.
માનવ મૃત્યુથી ખૂબ ગભરાય છે કારણ કે તે મૃત્યુને અમાંગલિક ઘટના ગણે છે. જીવન તરફ જોવાની સુયોગ્ય દ્રષ્ટિ જો કેળવાય તો માનવને મૃત્યુમાં રહેલું માંગલ્ય સમજાય. જીવન એટલે શિવનું જીવને મળવા આવવું અને મૃત્યુ એટલે જીવનું શિવને મળવા જવું. કદાચ તેથી જ આપણા શાસ્ત્રકારોએ ભગવાન શિવજીનું નિવાસસ્થાન સ્મશાન કલ્પ્યું હશે. મરવું-સ્મશાન જવું એટલે ભગવાન શિવજી પાસે જવું. આ રહસ્ય વિચાર આપીને શાસ્ત્રકારોએ માનવની મરણની ભીતિ ઓછી કરવાનો સુંદર પ્રયત્ન કર્યો છે.
ઘરેથી દોણીમાં અગ્નિ કેમ લઈ જવામાં આવે છે?………
દોણીમાં અગ્નિ ઘરેથી લઈ જવા પાછળ પણ એક સુંદર ભાગ છે. જે અગ્નિએ મને આજીવન સંભાળ્યો, પાળ્યો, પોષ્યો, પોતે સળગીને મને જીવન આપ્યું તે અગ્નિની જ્વાળામાં જ બળવામાં જીવનની કૃતાર્થતા છે. એ પાપનાશક અગ્નિ મારાં પાપો ધોઈ નાખશે.
સંત કબીર પણ મૃત્યુના પ્રસંગને એક કન્યાનાં લગ્ન પ્રસંગ સાથે સરખાવે છે;
कर बे शृंगार चतुर अलबेली, साजन के घर जाना होगा ;
मिट्टी उढावन मिट्टी बिछावन, मिट्टी मे मिल जाना होगा l
नहा ले धो ले शीश गुंथा ले, फिर वहा से नहीं आना होगा ll
મરણના દુ:ખને કન્યા વિદાયનાં દુ:ખ સાથે સરખાવી શકાય. નવવધૂને પતિગૃહે જાવનું દુ:ખ નથી, ઊલટો આનંદ છે; દુ:ખ તો છે પિયર છોડવાનું તે જ રીતે મરનારને જ્યાં જવાનું છે તેનું દુ:ખ રહેવાનું કારણ નહીં, પરંતુ અહીં બાંધેલા ભાવસંબંધો છોડીને જવું પડે છે તેથી તેનું હ્રદય વ્યથિત થાય છે. મૃત્યુ ન હોત તો જીવનનો આટલો મહિમા જ ન હોત. જેનું જીવન પ્રભુકાર્યમાં વિત્યું છે તે મૃત્યુથી ડરતો નથી. આ દેહ નશ્વર છે , જે માટીમાંથી આવ્યો છે તેમજ માટીમાં ભળી જશે. તેથી તેમાં આસક્તિ રાખવી યોગ્ય નથી. મોટા મોટા ધુરંધરો પણ માટીમાં રગદોળાઈ ગયા છે. તેની ઈતિહાસ સાક્ષિ પૂરે છે.
દોણી માણસને શું શીખ આપે છે……
માનવદેહની નશ્વરતા(ક્ષણભંગુરતા) તરફ ધ્યાન ખેંચતી આ દોણી માનવને, જીવનને તુચ્છ સમજવાની નકારાત્મક દ્રષ્ટિ આપે છે એવું નથી. પરંતુ ક્ષણભંગુર દેહથી પણ માનવે સત્કાર્ય સાધી લેવા જોઈએ, તેને માટે સાવધ કરે છે. માનવનું જીવન ક્ષણિક છે પરંતુ ક્ષણિક હોવાથી જીવનને તુચ્છ સમજીને ફેંકી દેવું એ મૂર્ખતા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..