સુરતના કોચિંગ ક્લાસમાં લાગેલી આગમાં 3ને બચાવ્યા બાદ ઉપરથી કૂદતી વિદ્યાર્થિનીને ઝીલી તો ખભે આંચકો આવતાં ફેકચર થયું
સુરતમાં બનેલ આગના બનાવમાં મૂળ લખતરના વણા ગામનાં વતની અને હાલ સુરત અગ્નિશામક દળમા ફરજ બજાવતા યુવાને ચાર વિધાર્થીઓને બચાવ્યા હતા. પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવી વતનની યશકલગીમાં યુવાને છોગુ ઉમેર્યુ હતું. જો કે, ત્રણ વિદ્યાર્થીઓે બચાવ્યા બાદ ઉપરથી કૂદેલી વિદ્યાર્થીનીને પકડતા તેને ખભાના ભાગે આંચકો આવતાં ફેકચર થયું હતું.
સુરતના તક્ષશિલા આર્કેડમાં ભયંકર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં આ કોમ્પલેક્ષમાં ચાલતા ક્લાસિસમાં અભ્યાસ કરતા બાળકો તથા લોકોએ જીવ બચાવવા ચોથા માળેથી કુદવુ પડ્યુ હતું. જેમાં 22 નિર્દોષોના જીવ ગયા હતા. જેમાં ઘટના સ્થળે પહોંચી સુરત ફાયર ફાઇટરોએ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં લખતર તાલુકાનાં વણાનાં વતની અને હાલ સુરત ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતાં ક્ષત્રિય યુવાને ચાર વિધાર્થીઓને બચાવ્યા હતા. લખતર તાલુકાનાં વણા ગામનાં વતની અને હાલ વડોદરા રહેતા કનકસિંહ ઝાલાના પુત્ર 31 વર્ષીય હરપાલસિંહ ઝાલા ચારેક વર્ષથી કાપોદરા ફાયર સ્ટેશનમાં ડ્રાઇવર કમ ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.
બહાદૂરી : મને ભલે ખભાના ભાગે ઇજા થઇ પણ મેં મારો ધર્મ અને ફરજ બજાવ્યાનો સંતોષ હતો
ત્રણ વિધાર્થીઓને બચાવ્યા બાદ અચાનક મારી નજર સામે ઉપરથી કૂદતી વિધાર્થીનીને જોઈ એને બચાવવા મેં ઝીલી તો લીધી. પરંતુ એ ઝટકાનાં કારણે મારા ખભાનાં ભાગે આંચકો આવી જતાં મેં મારા સાથીને જાણ કરી હતી. અને અમે હોસ્પિટલે પહોંચતાં મને ખભાના સાંધાનું ફ્રેક્ચરનું તબિબે જણાવ્યુ હતુ. મને ઇજા થયા કરતા પણ મેં મારો ધર્મ અને ફરજ બજાવ્યાનો સંતોષ હતો. – હરપાલસિંહ ઝાલા, કાપોદરા ફાયર સ્ટેશન