ફેની ચક્રવાતી વાવાઝોડાને લઈને ઓરિસ્સામાં 103 ટ્રેન રદ કરાઈ, સેના અને NDRF હાઈ એલર્ટ પર

ચક્રવાતી વાવાઝોડું ફેનીને ધ્યાનમાં રાખીને ઈસ્ટ કોસ્ટ રેલવેએ ઓરિસ્સામાં 103 ટ્રેન રદ કરી દીધી છે. ભીષણ ચક્રવાતી વાવાઝોડાના કારણે યાત્રીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને ટ્રેન કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કઈ ટ્રેનો રદ કરવામાં આવી:

ઓરિસાના ભદ્રક અને આંઘ્ર પ્રદેશની વિજયનગરમ વચ્ચે રેલવે સેવા રોકી દેવામાં આવી છે. આ સિવાય ભુવનેશ્વરી અને પુરી તરફ જતી ટ્રેનોને ગુરુવારે એટલે કે 2 મે સાંજથી રોકી દેવામાં આવી છે. ઈસ્ટ કોસ્ટ એક્સપ્રેસ અને કોરોમંડલ એક્સપ્રેસ 2મેથી હાવડાથી નહીં ચાલે. તે સિવાય હાવડાથી પુરી માટે જાતી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. બેંગલુરુ, ચેન્નાઈ અને સિંકદરાબાદની ગાડીઓને પણ હાવડા સુધી રદ કરી દેવામાં આવી છે.

હાઈ એલર્ટ સુરક્ષાબળ: ભીષણ ચક્રવાતી વાવાઝોડુ ફેની શુક્રવારે ઓરિસ્સાના પુરીમાં પહોંચશે તેવી શંકાને ધ્યાનમાં રાખીને સુરક્ષાબળને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તે સિવાય દરિયા કિનારે રહેતા લોકોને સુરક્ષીત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. નૌસેના, ભારતીય વાયુસેના અને તટરક્ષક બળને કોઈ પણ પડકારનો સામનો કરવા માટે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. એનડીઆરએફ, ઓરિસ્સા ડિઝાસ્ટર ત્વરિત કાર્યવાહી બળની ટીમને સવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરવામાં આવ્યા છે.

તમિલનાડુ, કેરળ, પુડુચેરીમાં પણ એલર્ટ, સમુદ્રમાં 13-14 ફૂટ ઊંચાં મોજાં ઉછળવાની આશંકાઃ સૈન્ય અને વાયુદળના નજીકના યુનિટ્સને પણ સ્ટેન્ડબાય પર રખાયાં છે. એનડીઆરએફે 41 ટીમોને દરિયાકિનારાનાં રાજ્યોમાં મોકલી છે. અહીં 880 રાહત કેમ્પ બનાવાયા છે. એકમાં એક હજાર લોકો રોકાઈ શકે છે.હવામાન વિભાગે ઓડિશામાં યલો વોર્નિંગ જાહેર કરી છે. રાજ્યમાં ગુરુવારે જ સ્કૂલ અને કોલેજોમાં રજા આપી દેવાઈ છે. પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે. માછીમારોને બંગાળની ખાડીમાં જતા અટકાવાયા છે.ચૂંટણીપંચે ઓડિશાના 11 જિલ્લામાંથી આચારસંહિતા હટાવી લીધી છે, બચાવકાર્યમાં કોઈ તકલીફ ન આવે. કિનારાના જિલ્લાઓથી ઈવીએમને સલામત જગ્યાઓ પર પહોંચાડાઈ રહ્યાં છે.

5 રાજ્યોના કિનારાના વિસ્તારો ખાલી કરાય છે:

હવામાન વિભાગે ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, પુડુચેરીના દરિયા કિનારના વિસ્તારોને ખાલી કરવાનું સૂચન કર્યું છે. ત્યાર પછી લોકોને સલામત જગ્યાઓ પર મોકલાઈ રહ્યા છે. કેન્દ્રે દરિયા કિનારાનાં રાજ્યોને 485 કરોડ રૂપિયાનું નવું ઈમર્જન્સી ફન્ડ આપ્યું છે, આ પહેલા મંગળવારે 1086 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું. ફેનીને ગયા વર્ષે આવેલા તિતલી અને ગાઝા તોફાન કરતાં વધુ ખતરનાક મનાઈ રહ્યું છે. બંનેમાં 80 લોકોનાં મોત થયાં હતાં.


ચેતવણી: ફેની તોફાન ઓડિશા માટે આફત જેવું છે:

સ્કાયમેટ મુજબ ફેની પહેલા આંધ્રપ્રદેશ પહોંચશે, પરંતુ તેની મહત્તમ ઝડપ ઓડિશામાં જોવા મળશે. તે અત્યંત ભયંકર શ્રેણીનું ચક્રવાતી વાવાઝોડું છે. તે ઓડિશામાં પ્રવેશ કરશે ત્યારે રાજ્યના કિનારાના ભાગો માટે તે કોઈ આફત કરતાં ઓછું નહીં હોય. તે દરમિયાન કિનારાનાં શહેરોમાં વિનાશક વરસાદ જોવા મળી શકે છે. ભારતના પૂર્વીય કિનારા પાસે બંગાળની ખાડીમાં સમુદ્રમાં ભારે ઊથલ-પાથલની સ્થિતિ પણ ચાલુ રહેશે.

આગામી 72 ક્લાક દરમિયાન ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ થઈ શકે છે. ખાસ કરીને યુપીમાં 2થી 4 મે વચ્ચે અનેક ભાગોમાં વરસાદની સાથે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

63 કિ.મી.થી વધુ ઝડપના વાવાઝોડાને અપાય છે નામ :

વાવાઝોડાનું નામ રાખવાનું ચલણ 1953માં શરૂ થયું હતું. નામ માત્ર એ વાવાઝોડાને અપાય છે જેની ઝડપ 63 કિ.મી. પ્રતિ ક્લાકથી વધુ હોય. ફેનીનું નામ બાંગ્લાદેશના હવામાન વિભાગે આપ્યું છે. અહીં ‘ફેની’નો અર્થ ‘સાપ’ છે. યુએનના વર્લ્ડ મટીરિયોલોજિકલ ઓર્ગેનાઈઝેશને તેના નિયમ બનાવ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો