ગુજ્જુ ખેડૂતની કરામતે તેને ચર્ચામાં લાવી દીધો, આવી ખેતી તમે નહીં જોઇ હોય
આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે. રાજ્યોમાં એક બાજુ ખેડૂતોની સ્થિતી દિવસેને દિવસે મુશ્કેલ ભરી થતી જાય છે, તો બીજી તરફ ઘણા ખેડૂતો આધુનિક ખેતી તરફ વળીને નવી નવી પદ્ધતિઓ અપનાવી રૂપિયા કમાય છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહી ના ખેડૂતે પોતાના દિમાગ અને હોશિયારીથી અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. જે હાલ ખૂબજ ચર્ચામાં રહ્યો હતો.

પંચમહાલ જિલ્લામાં ગોધરાના છબનપુરના ખેડૂતે માટીનો ઉપયોગ કર્યા વિના કુદરતી તત્વોની બનાવટમાંથી શાકભાજી, ફૂલના છોડ વિકસીત કરવાનો પ્લગ નર્સરીનો સફળ પ્રયોગ કર્યો હતો. એટલું જ નહીં જૂની પધ્ધતિથી જમીનમાં પેદા કરાતાં છોડ રોગગ્રસ્ત,અવિકસીત અને ખર્ચાળ રહેવાની સામે અનેક રીતે આ પ્રકારની ખેતી વધુ ઉપયોગી નીવડે છે. મબલક પાકની સાથે આ પધ્ધતિ દ્વારા લાખોની કમાણી પણ થઇ રહી છે.

કુષિ મહોત્સવ દ્વારા ઘણા વર્ષોથી પંચમહાલના ખેડૂતોએ દેશી ખેત પધ્ધતિનો ત્યાગ કરી આધુનિક વૈજ્ઞાનિક રીતે ખેતી કરવા માર્ગદર્શન આપવા છતાં જૂનવાણી બદલવા તેઓ જલ્દી સ્વીકારતા નથી.નવુ જોખમ નહી ખેડતાં અંતે આર્થિક નુકસાન વેઠે છે. હજુ તો ગ્રીન હાઉસ ખેતી ધીરેધીરે વિકસીત થઇ રહી છે.ત્યારે એક નવી જ પ્લગ નર્સરી ખેતી અસ્તિત્વમાં આવી છે.પ્લગ નર્સરી એવી ખેત પધ્ધતિ છે કે જેમાં માટી વિના કુદરતી સામગ્રીના મિશ્રણમાં છોડ વિકસીત કરાય છે.
અગાઉ જમીનમાં તૈયાર કરાતાં છોડને જમીન અનુકૂળ ન આવતાં સૂકારો,મૂળાખાઇ જેવા જમીનજન્ય રોગચાળામાં સપડાય છે.૩૦ દિવસ જેટલો લાંબો સમય પસાર થાય,જમીનમાંથી છોડ ઉપાડતાં મૂળ તૂટી જઇ બાળ મરણ થવુ,મહેનત અને ખર્ચની સામે વળતર નજીવા જેવા ગેરફાયદા ભોગવવા પડતાં તેઓ મુશ્કેલીમાં જણાતાં હતા.

ગોધરા નજીકના છબનપુરના પ્રયોગશીલ ખેડૂત મુકેશભાઇ દેસાઇએ આવી ચીલાચાલુ પ્રથાને છોડી પંચમહાલ જિલ્લામાં સૌપ્રથમવાર પ્લગ નર્સરી પધ્ધતિ સફળતાપૂર્વક અપનાવી હતી. ગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ પ્લાસ્ટીકની ટ્રેમાં માટીને બદલે નાળીયેરના કૂચા કોકોપીટ,વર્મીક્યુલાઇટ અને પરલાઇટ જેવી કુદરતી સામગ્રીના મિશ્રણથી વિશેષ બનાવટ તૈયાર કરાય હતી. જેમાં તમામ પ્રકારના સામેલ અનુકૂળ તત્વો થકી શાકભાજી,ફૂલ છોડ પેદા કરવામાં ધારી ફતેહ મળી હતી.

પાણી,માવજત જેવા આવશ્યક વાતાવરણ વખોતોવખત જાળવીને ખેડૂતે અત્યાર સુધીમાં ૨૦૦૦ ટ્રેમાં ૧.૫૦ લાખ મરચી, ૪૦ હજાર ટામેટા,૧૦ હજાર રિંગણી અને ૨૦ હજાર ગલગોટાના છોડ રોગમુક્ત અને સંપૂર્ણ વિકસીત રીતે તૈયાર કરીને અન્ય ખેડૂતોને વાવેતર માટે પ્રેરતાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. જેનાથી ખેડૂતો આગામી દિવસોમાં પંચમહાલ જિલ્લામાં પ્લગ નર્સરી પધ્ધતિ વડે ગુણવત્તાયુકત ઉત્પાદન તરફ વળી ફાયદો મેળવશે.

૧૦૦ ટકા પરિણામ આપતો જીવાણુ મુક્ત છોડ
પ્લગ નર્સરી એક ઓર્ગેનીક રુપ છે.માટી વિના કુદરતી તત્વોની મદદથી જીવાણુમુક્ત વિકસીત છોડ માત્ર ૨૨ દિવસની અંદર તૈયાર થઇ જાય છે.છોડ ખાત્રીલાયક અને ૧૦૦ ટકા પરિણામ સાંપડી ઉત્પાદન ક્ષમતા વધી છે.- છબનપુર ગ્રીન નર્સરી સંચાલક મુકેશભાઇ દેસાઇ
