કચ્છમાં શિક્ષકને વિદાય આપતી વેળાએ આખું ગામ હિંબકે ચડ્યું, સર્જાયા લાગણીસભર દ્રશ્યો, જુઓ
કચ્છના અબડાસા તાલુકાના શ્રી ભૌઆ પ્રાથમિક શાળાના શિક્ષકની વતનમાં બદલી થતાં વિદાય લીધી હતી. ત્યારે આ પ્રસંગે ગામમાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. પરિવાર સહિત શિક્ષકને વિદાય આપતી વેળા ગ્રામજનોની આંખો ભીંજાઈ હતી અને બાળકોથી લઈને મોટેરાઓ શિક્ષકને ભેટીને રડતા હતા. વિદાય હંમેશા વસમી હોય તે જગજાહેર છે છતાં ભારે હૈયે ગ્રામજનોએ પ્રિય શિક્ષકને વિદાય આપતા ભાવનાસભર દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકના વિદાય સમારોહના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.
વિદાય સમારંભમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો
મૂળ ધોરાજીના વતની અને લાંબા સમયથી કચ્છની ભૂમિમાં શિક્ષક તરીકે સેવારત એવા ઉમેદભાઈ વાળાની બદલી થઈ હતી. ધોરાજીથી કચ્છમાં 2004માં શિક્ષક તરીકે જોડાયેલા ઉમેદભાઈની 2016માં બદલી થઈ હોવા છતાં તેઓ ગ્રામજનોના અપાર સ્નેહ અને સંબંધોને પગલે લાગણીના તાંતણે બંધાઈને રોકાઈ ગયા હતા. પરંતુ આખરે વતનની વાટ પકડતાં પહેલા લોકોની લાગણીને વંદન કરીને રડતી આંખે પરિવાર સાથે તેમણે લોકોથી વિદાય લીધી હતી. શિક્ષકના માથે ગ્રામજનો રોકડ નાણાં ફેરવીને આપી રહ્યા હતા. ગામની મહિલાઓ પણ શિક્ષકની પત્નીને ભેટીને વિદાય આપી રહી હતી. લાગણીસભર દ્રશ્યો વચ્ચે ગામ આખું હિબકે ચડ્યું હતું.
શિક્ષક અને તેમનો પરિવાર ગામલોકોનો સ્નેહ જોઈને રડ્યો, જ્યારે સામે આખું ગામ પણ આંસુઆંસુ થય ગયું.
દેશ દેવીની છબી સહિતની ભેટ
શિક્ષકને વિદાયમાં દેશદેવી માં આશાપુરાની છબી ભેટમાં આપવામાં આવી હતી. સાથે પ્રતિકરૂપે તલવાર સાથે જ ગામલોકોએ અનેક ગિફ્ટ આપી હતી.
આ પણ વાંચજો – કેનેડામાં રહેતા અને મૂળ રાજકોટના પરિવારે શ્રીમંત વિધિમાં ખોટા ખર્ચા ન કરી બાળકો માટે પ્લે ગાર્ડન બનાવ્યું