અમદાવાદના એન્જિનિયરિંગ સ્ટુડન્ટ મિહિર પટેલની અનોખી ક્રિએટિવિટી, વિમાનોનાં આબેહૂબ મોડેલ્સ બનાવવામાં માહેર

નાના હોઈએ ત્યારે આકાશમાં ઊડતાં વિમાનોને જોઈને આશ્ચર્ય થાય, પણ મોટા થઈએ પછી તેમાંથી આશ્ચર્યની બાદબાકી થવા માંડે છે. પરંતુ અમદાવાદમાં રહેતો 21 વર્ષનો મિહિર પટેલ આજે પણ આકાશમાં ઊડતાં વિમાન જોઈને નાનાં બાળક જેટલો જ રોમાંચિત થઈ જાય છે. આ અહોભાવે મિહિરને એક અનોખા પ્રકારની ક્રિએટિવિટી તરફ દોર્યો.

ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરતો મિહિર કોઈપણ વિમાનનાં આબેહૂબ મોડેલ બનાવી શકે છે. મિહિરે તૈયાર કરેલું કોઈપણ મોડેલ જોઈએ તો પહેલી નજરે એવું જ લાગે કે હમણાં આ વિમાન ટેક ઓફ કરીને આકાશને આંબવા માંડશે! એ હદે તેનાં મોડેલ બારીક ડિટેલથી સજ્જ હોય છે. સ્કેલ મોડેલ્સ એટલે કે સાચુકલા વિમાનની નાનકડી પ્રતિકૃતિની સાથોસાથ મિહિરે ફ્લાયિંગ મોડેલ એટલે કે ખરેખર ઊડી શકે તેવાં વિમાન પણ બનાવ્યાં છે. પેસેન્જર વિમાનોનાં મોડેલ ઉપરાંત મિહિર ઇન્ડિયન એર ફોર્સમાં વપરાતા ફાઈટર એરક્રાફ્ટ્સનાં સેમ ટુ સેમ મોડેલ બનાવે છે. મજાની વાત એ છે કે મિહિર એવિએશનનું ભણ્યો નથી, છતાં તેણે હવે મોડેલ બનાવવામાં માસ્ટરી મેળવી લીધી છે. મિહિરે પોતાની સ્ટોરી જણાવતાં કહ્યું કે, ‘મારાં મોડેલ્સ ખરીદવા માટે ઘણા ગ્રાહક મળ્યા છે, તેમ છતાં મેં કે મારા પરિવારે આ મોડેલ્સ વેચ્યાં નથી.’

પા પા પગલી

10મા ધોરણના વેકેશનમાં મિહિરે એરક્રાફ્ટ્સ વિશે માહિતી ભેગી કરવાની શરૂ કરી. તે મેગેઝીન, અખબારોની પૂર્તિઓમાં આવતા ફોટો જોઈને તેની ડિઝાઇન સમજવા પ્રયત્ન કરતો. ત્યારબાદ જેમ-જેમ ભણવામાં ડાઈમેન્શન વગેરે ટેક્નિકલ બાબતો આવવા લાગી તેમ-તેમ ઊંડાણમાં તે નોલેજ એકઠું કરવા લાગ્યો. ઇન્ટરનેટની મદદ લઈને પ્રોપર વિમાનનાં સ્કેલ, ડાઈમેન્શન, ફંક્શન વિશેની માહિતી ભેગી કરી તેને સમજીને સ્કેલ મોડેલ બનાવવા લાગ્યો.

ઇન્ડિયન એરફોર્સનાં એરક્રાફ્ટ્સ પર ફોકસ 

મિહિર શરૂઆતમાં કમર્શિયલ (પેસેન્જર) વિમાન બનાવતો. ફ્લાઇટનાં સ્કેલ મોડેલ બનાવતાં બનાવતાં તે ભારતીય વાયુસેનાના વિમાનોની જાણકારી પણ મેળવતો રહેતો. એટલે જેમ-જેમ તે આપણી સેનાના એરક્રાફ્ટ્સ વિશે જાણવા લાગ્યો તેમ-તેમ તેનો રસ તેમાં વધવા લાગ્યો. તેણે 25થી 30 જેટલાં કમર્શિયલ ફ્લાઇટનાં સ્કેલ મોડેલ્સ બનાવ્યાં છે. ત્યારબાદ હવે તેનું મોટાભાગનું ફોકસ ઇન્ડિયન એરફોર્સનાં એરક્રાફ્ટ્સ બનાવવા પર જ છે. તેણે ‘સુખોઇ- SU 30 MKI’, ‘મિરાજ 2000’ અને ‘મિગ 25’ જેવાં ફાઈટર પ્લેન બનાવ્યાં છે.

‘સુખોઇ- SU 30 MKI’નું 66 સે.મી. લાંબું મોડેલ અને આ પ્રકારના પ્લેનને ઓપરેટ કરતી ભારતની ‘ધ લાઈટનિંગ સ્ક્વોડ્રન’નો પૅચ, જે અસલી એરક્રાફટ મોડેલની સરખામણીએ 33મા ભાગનું છે.

ફક્ત પેપર અને કાર્ડબોર્ડની કમાલ 

મિહિરે તૈયાર કરેલાં એરક્રાફ્ટ મોડેલ્સ જોઈને સહેજે પ્રશ્ન થાય કે આ વિમાન ખરેખર કયા મટિરિયલમાંથી બન્યાં હશે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે આવાં રિયલિસ્ટિક મોડેલ્સ બનાવવા માટે મિહિરે માત્ર કાગળ, કાર્ડબોર્ડ અને બામ્બુ સ્ટિક (વાંસની સળીઓ)નો જ ઉપયોગ કર્યો છે! તે સૌ પ્રથમ કમ્પ્યુટરમાં એક્ઝેક્ટ માપ લઈને ડિઝાઇનની પ્રિન્ટ કાઢે છે. માપને લઈને તે ખૂબ ચોકસાઈ રાખે છે. ઉદાહરણ તરીકે તેણે બનાવેલું મિરાજ 2000નું સ્કેલ મોડેલ અસલી પ્લેન કરતાં એક્ઝેટ 50મા ભાગ જેટલું નાનું છે એટલે કે 1:50નો રેશિયો. પ્લેનની પાંખો, પૈડાં, કોકપિટ, એન્જિન, નોઝ સહિતના તમામ પાર્ટ્સ તે જ પ્રમાણમાપ અનુસાર તે પેપર અને કાર્ડબોર્ડથી જ બનાવે છે. જો કોઈ વિમાનમાં લાંબી પાંખો હોય તો તેને સપોર્ટ આપવા માટે બામ્બુ સ્ટિકનો ઉપયોગ કરે છે. પોતે આ વિમાનોનાં મોડેલ્સ કઈ રીતે તૈયાર કરે છે તેની પ્રોસેસ સમજાવવા માટે મિહિરે પોતાની યુ ટ્યુબ ચેનલ પણ શરૂ કરી છે.

1 મોડેલ બનવામાં 25-30 દિવસનો સમય 

મિહિર નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, જેતલપુરનો ઇલેક્ટ્રિકલ એન્જીનિયરિંગનો સ્ટુડન્ટ છે. આથી રેગ્યુલર કોલેજ અને તેના હોમવર્ક વગેરેની સાથે-સાથે આ મોડેલ બનાવવામાં તેને 25થી 30 દિવસનો સમય લાગે છે. મિહિરે જણાવ્યું કે, આ કામ માટે એકદમ ધીરજ, ચોકસાઈ અને ઝીણવટભર્યા નોલેજની જરૂર પડે છે. જો મોડેલ બનાવવામાં નાની પણ ભૂલ થઇ તો તે મોડેલ ફેલ થઇ જાય છે.

મિહિરનાં તમામ સ્કેલ મોડેલ્સમાં સૌથી મોટું સ્કેલ મોડેલ 66 સેન્ટિમીટર લાંબું છે, જે ‘સુખોઇ SU-30 MKI’નું મોડેલ છે. તે મોડેલ અસલી એરક્રાફટ મોડેલની સરખામણીએ 33 ગણું નાનું છે. આ મોડેલ બનાવતાં તેને 1 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો.

બીજા વિશ્વયુદ્ધના સમયનાં પ્લેનનું ફ્લાયિંગ મોડેલ 

સ્કેલ મોડેલ્સ બનાવવાની સાથે મિહિરે એક ફ્લાયિંગ મોડેલ યાને કે ખરેખર ઊડી શકે તેવું એક વિમાન પણ બનાવ્યું છે. મિહિર એવિએશનનું ભણતો ન હોવા છતાં પણ તેનું પૂરતું નોલેજ ધરાવે છે. તેણે ‘Piper J3cub’ ફાઈટરપ્લેનનું ફ્લાયિંગ મોડેલ બનાવ્યું હતું. આ ફાઈટર પ્લેનને 1940ના સમય દરમ્યાન અમેરિકન કંપની બનાવતી હતી. મિહિર પોતાના આ ‘વિન્ટેજ’ પ્લેનના ફ્લાયિંગ મોડેલનું સફળ પરીક્ષણ પણ કરી ચૂક્યો છે.

બીજા વિશ્વયુદ્ધના સમયનાં ‘Piper J3cub’ ફાઈટરપ્લેનનું ઊડી શકે તેવું ફ્લાયિંગ મોડેલ

માણસને ડિટેક્ટ કરી શકે તેવું ડ્રોન 

મિહિરે તેના કોલેજના પ્રોજેક્ટ માટે એક એવું ડ્રોન તૈયાર કર્યું છે જે માણસની ગરમીને લઈને તેને જમીન પર ડિટેક્ટ કરી શકે. આ ડ્રોન ભારતીય સેના માટે ઘણું મદદરૂપ સાબિત થઇ શકે તેમ છે. આ ડ્રોન હવામાંથી જ જમીન પરના માણસને શોધી કાઢે છે.

મિરાજ 2000નું મોડેલઃ મિરાજ 2000નો ઉપયોગ બાલાકોટ એર સ્ટ્રાઇક દરમ્યાન ભારતીય વાયુસેનાએ કર્યો હતો

ફેમિલી સપોર્ટ 

મિહિરે જણાવ્યું કે, ‘હું જે આ બધાં મોડેલ્સ બનાવું છું, તેમાં મારા ફેમિલીનો પણ પૂરો સપોર્ટ છે.’ સ્વાભાવિક રીતે જ મિહિરનાં માતા-પિતા તેની આ આવડતને લઈને તેના પર ગર્વ કરે છે. મિહિરને આ મોડેલ ખરીદવા તૈયાર હોય એવા ઘણા ગ્રાહકો મળી રહે છે, પરંતુ તેના માતા પિતા તેને આ વેચવા માટે ના પડે છે. તે કહે છે કે, તે આટલી મહેનત કરી છે તો આપણી પાસે જ ભલે રહ્યાં.

‘મિગ 25’ ફાઈટર પ્લેનનું સ્કેલ મોડેલ

મસમોટી કિંમત ઓફર થવા છતાં વેચાણ નહીં 

મિહિરને તેનાં આ સ્કેલ મોડેલ્સ ખરીદવા માટે ઘણા બધા ગ્રાહકોની ઓફર આવે છે. એક મોડેલ માટે લોકો 10,000થી 15,000 રૂપિયા આપવા તૈયાર હોય છે, છતાં મિહિરે હજુ સુધી એકપણ મોડેલ વેચ્યું નથી. લોનાવલાના એક મ્યુઝિયમે તેને 15 જેટલાં મોડેલ બનાવવા માટે, પણ ઓફર કરી હતા પરંતુ સમયના અભાવે તેણે આ ઓફરને રિજેક્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mihir Patel (@mihir.98) on

ઇન્ટરનેશનલ ગ્રૂપ 

સોશિયલ મીડિયા પર આવ્યા બાદ તે વધુ લોકોના સંપર્કમાં આવતો ગયો. તે ઘણાં બધાં કમર્શિયલ ફ્લાઇટના પાઇલટ અને ભારતીય વાયુ સેનાના પાઇલોટને પણ ઓળખે છે. તેમની મદદ લઈને તે આટલાં પ્રોપર, ઝીણવટભર્યાં મોડેલ બનાવે છે. ઉપરાંત તે આવાં મોડેલ બનાવતા લોકોના ઇન્ટરનેશનલ ગ્રૂપમાં પણ સામેલ થઈ ગયો છે. વિમાનોનાં મોડેલ્સ બનાવવા ઉપરાંત ફોટોગ્રાફીનો પણ શોખીન મિહિર હવે પોતાના આ શોખને વધુ ગંભીરતાથી લઈને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં જ આગળ વધવા ઈચ્છે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો