અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન સાથે ઈ-ગેટ સિસ્ટમ શરૂ, પેસેન્જરે પાસપોર્ટ અને વિઝા સ્કેન કરીને ઈ-ગેટ માંથી પસાર થવું પડશે
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-2 પર પેસેન્જરોની સુવિધા માટે ઇમિગ્રેશન સિસ્ટમ વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. હવે પેસેન્જરોએે ડાયનેમિક સિગ્નેચર આપવાની સાથે ઈ-ગેટમાંથી પસાર થવું પડશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદમાં આ નવી સુવિધા 1.25 કરોડના ખર્ચે શરૂ કરી છે. હાલ ઈ-ગેટની સુવિધા એરપોર્ટના ડિપાર્ચર એરિયામાં છે. આગામી દિવસોમાં એરાઈવલ એરિયામાં પણ શરૂ કરવામાં આવશે.
વિઝા સ્કેન કર્યા બાદ ડાયનેમિક સાઈન લેવામાં આવશે
ઈ-ગેટ અંગે માહિતી આપતા અમદાવાદના એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું કે, ટર્મિનલમાં ઈમિગ્રેશન પ્રક્રિયા માટે 9 સ્ટેટ ઓફ આર્ટ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. વધુમાં વિશિષ્ટ વ્યક્તિઓની સાથે વિદેશી મહેમાનો માટે અલગ, સિનિયર સિટીઝન તેમજ દર્દીઓ માટે અલગ તેમજ અન્ય લોકો માટે અલગ અલગ ઈમિગ્રેશન કાઉન્ટર મૂકવામાં આવ્યા છે. ટર્મિલનમાં આવતા પેસેન્જરોએ હવે જે તે એરલાઈન્સના કાઉન્ટર પરથી બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ નવા ઈમિગ્રેશન કાઉન્ટર પર જવાનું રહેશે જ્યાં તેમના પાસપોર્ટ અને વિઝા સ્કેન કર્યા બાદ તેમના ડાયનેમિક સાઈન લેવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પેસેન્જરે નવા તૈયાર થયેલા અને કમ્પ્યૂટર સિસ્ટમ સાથે સંલગ્ન ઈ-ગેટમાંથી પસાર થવાનું રહેશે. જો કાઉન્ટર પર કોઈ ભૂલ હશે તો પેસેન્જર ઈ-ગેટમાંથી પસાર નહીં થઈ શકે. આ નવી સિસ્ટમ શરૂ થતા હવે ઈમિગ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા કમ્પ્યૂટરાઈઝ થતા કામગીરી ઝડપી થશે. અમદાવાદથી દરરોજ 6 હજારથી વધુ લોકો મિડલ ઈસ્ટ, લંડન, સિંગાપોર, થાઈલેન્ડ જાય છે.
એરર આવે તો પાછા ઈમિગ્રેશન કાઉન્ટર પર જવું પડશે
હાલ પેસેન્જર બેગેજની સાથે હેન્ડ બેગ લઈને એરલાઈન્સના કાઉન્ટર ઉપર જાય ત્યારે બેગેજનું વજન કરાવીને ચેકિંગ બેગેજ તરીકે બેગેજ આપે છે. હેન્ડ બેગ પાસે રાખે છે. બોર્ડિંગ પાસ મળ્યા બાદ પેસેન્જર ઇમિગ્રેશનની લાઇનમાં ઊભા રહે છે. બે વર્ષથી કોઇ ઇમિગ્રેશનના ફોર્મ ભરવાની સિસ્ટમ નાબૂદ છે. આ જૂની સિસ્ટમમાં માત્ર એટલો સુધારો કરાયો છે કે, ઇમિગ્રેશનની કોમ્પ્યૂટરાઇઝ સિસ્ટમ ઇ-ગેટ સાથે કનેક્ટેડ કરાઈ છે. જો ઇમિગ્રેશન વિભાગની કોઈ ભૂલ સ્કેનિંગમાં કે પેસેન્જરનો ફોટો પાડવામાં થઈ હશે તો પેસેન્જર ઇ-ગેટમાંથી પસાર થઈ શકશે નહિ. ઈ-ગેટની કોમ્પ્યુટરાઇઝ્ડ સ્કીનમાં એરર આવે તો પેસેન્જરે પાછા ઇમિગ્રેશન કાઉન્ટર પર જવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.