જંગલી ઘાસ, ગોળ અને પથ્થરના પાવડરથી બનાવટી જીરૂ બનાવતી ફેકટરી ઝડપાઈ, આ જીરુ ઊંઝાના અને નડિયાદના માર્કેટયાર્ડમાં મોકલવામાં આવતું હતું.

રાજસ્થાનની સિરોહી પોલીસે સોમવારે રોહિડા ગામ નજીકથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપી 500 કવીંટલ જીરૂ જપ્ત કર્યું છે. જંગલીઘાસ, ગોળ અને પથ્થરના પાવડરથી આ જીરુ બનાવવામાં આવી રહ્યું હતું. આ જીરુ ઊંઝાના અને નડિયાદના માર્કેટયાર્ડમાં દર મહિને 55 ટન જેટલું મોકલવામાં આવતું હતું.

રાજસ્થાનના સિરોહી જિલ્લાના રોહિડા ગામ પાસેથી હરીસિહ નામના ખેડૂતના ખેતરમાં નકલી જીરાની ફેક્ટરી ચાલે છે. તેવી માઉન્ટ આબુની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે સિરોહી પોલીસ અધિક્ષકે ટીમ બનાવીને તપાસ કરતા રાજસ્થાન પોલીસ ચોંકી ઉઠી હતી. ઘટનાસ્થળેથી ઉત્તર પ્રદેશના ફેક્ટરી માલિક સંજય મુન્શી લાલ ગુપ્તાની અટકાયત કરાઇ હતી. પોલીસને સંજય ગુપ્તાએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી તે આ ફેક્ટરી ચલાવે છે.

ઊંઝા-નડિયાદના માર્કેટયાર્ડમાં મહિને 55 ટન જીરૂ ઠલવાતું હતું.

પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું કે આરોપી છેલ્લા એક વર્ષથી ઉંઝા અને નડિયાદના માર્કેટયાર્ડમાં દર મહિને 11 ટ્રક મોકલતો હતો દરેક ટ્રકમાં 5 ટન મળી કુલ 55 ટન માલ ઠલવાતો હતો. માત્ર 25 થી 30 રૂપિયા કિલોમાં આ જીરું વેચાતું હતું. પોલીસે ઘટના સ્થળેથી 15 લાખની કિંમતનું જીરું જપ્ત કર્યું છે. ફેક્ટરી માલિકે જણાવ્યું હતું કે નકલી જીરુ બનાવવામાં કિલોએ 10 થી 12રૂનો ખર્ચો આવતો હતો.

ઉલ્લેખનીય છે કે જીરુ હોલસેલમાં 190 થી 250 રૂપિયે કિલો વેચાય છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે અગાઉ ઉત્તર પ્રદેશના જલાલાબાદમાં પણ નકલી જીરા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. પોલીસે ફેક્ટરીથી 12 બંધુવા મજૂરોને પણ છોડાવાયા હતા. તેઓને અઢી રૂપિયે કિલો હિસાબથી મહેનતાણું ચૂકવાતું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો