આ એક વ્યક્તિને કારણે ગુજરાતના 22524 યુવાનો સમયસર ક્લાસ 1-2 સહિત ઓફિસર બની શક્યા, જાણો કોણ છે આ વ્યક્તિ..
ગુજરાત હોય કે દેશ સરકારી ભરતીઓ હાલ ખૂબ ચર્ચામાં છે. તેની વચ્ચે ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન રહેલા દિનેશ દાસા 31 જાન્યુઆરીએ તેમની ટર્મ પૂરી કરી છે. આ વ્યક્તિનું કાર્યકાળ બતાવે છે કે સરકારી સિસ્ટમમાં રહીને પણ કોઇ વિવાદ વગર કેવી રીતે કામ કરી શકાય. તેમના કાર્યકાળમાં 24382 જગ્યાઓ પર ભરતીઓ કરાઇ. આ કદાચ ગુજરાતના ઇતિહાસમાં એક રેકોર્ડ હશે.
દિનેશ દાસા 1 ફેબ્રુઆરી, 2016થી ચેરમેન તરીકે જોડાયા અને 31 જાન્યુઆરી, 2022એ તેમની 6 વર્ષની ટર્મ પૂરી થઇ. આ સમય દરમિયાન આયોગે કુલ 24,382 જગ્યાઓ પર ભરતી માટે 827 જાહેરાતો પર ભરતી અંગેની કામગીરી કરી. જેમાં કુલ 62,05,500 ઉમેદવારો નોંધાયા હતા. આ પૈકી 22,524 જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે, જ્યારે બાકીની જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા આંશિક રીતે એટલે કે પ્રાથમિક કસોટી વગેરે પૂર્ણ થઇ છે જ્યારે ઇન્ટરવ્યુનો તબક્કો બાકી છે.
આ સમયગાળા દરમ્યાન આયોગ દ્વારા પસંદગી યાદીની કુલ – 960 દરખાસ્તો અન્વયે કાર્યવાહી કરી, જેમાં 13,630 અધિકારીઓની બઢતી માટેની દરખાસ્તોનો સમાવેશ થાય છે. આયોગ દ્વારા કુલ – 1196 શિસ્ત વિષયક દરખાસ્તો પરત્વેની અને ભરતી નિયમો ઘડવાની / સુધારવાની કુલ – 668 દરખાસ્તો પરત્વે કામગીરી કરવામાં આવેલ છે.
ભરતીની પ્રક્રિયાઓ તો જાહેર સેવા આયોગનું રૂટિન કામ છે તે પણ સામાન્ય રીતે થતું નથી. પરંતુ દિનેશ દાસાના કાર્યકાળમાં આયોગમાં કેટલા ધરમૂળથી ફેરફારો થયા.
1. વાર્ષિક આયોજન અને ભરતી કેલેન્ડર : ભરતી અંગેની જાહેરાત તથા જાહેરાત પ્રસિદ્ધ થયા પછી પરીક્ષાના કાર્યક્રમની અનિશ્ચિતતા યુવાનો માટે હંમેશા હતાશાપ્રેરક હોય છે, જેના નિરાકરણ માટે અને યુવાનોમાં સ્પર્ધાનું ધોરણ ઊંચું લાવવા માટે આયોગે એપ્રિલ, 2016થી ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરવાનું શરૂ કરાયું. જેમાં જાહેરાતની તારીખ, પરીક્ષાની તારીખ, ઈન્ટરવ્યૂની સંભવિત તારીખ, પરિણામની સંભવિત તારીખ વગેરેની વિગતોનો સમાવેશ કરવામાં આવે છે.
આનાથી ઉમેદવારોની તૈયારીના આયોજનમાં તથા આયોગની કાર્યપદ્ધતિમાં નોંધપાત્ર સુધારો થયો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 વર્ષમાં આયોગ દ્વારા સિવિલ સર્વિસ ક્લાસ-1, 2ની 05 ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે, જ્યારે છઠ્ઠી ભરતી પ્રક્રિયાની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત નાયબ સેક્શન અધિકારી- નાયબ મામલતદાર સંવર્ગની કુલ-05 ભરતી પ્રક્રિયા, રાજ્ય વેરા નિરીક્ષકની કુલ 03 ભરતી પ્રક્રિયા, પોલીસ ઇન્સ્પેક્ટરની કુલ 03 ભરતી પ્રક્રિયા, હિસાબી અધિકારી વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી પ્રક્રિયા, સરકારી આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજો ખાતે મદદનીશ પ્રાધ્યાપકોની કુલ 02 ભરતી પ્રક્રિયા, ગુજરાત ઇજનેરી સેવા વર્ગ-1 અને 2ની કુલ 02 ભરતી પ્રક્રિયા, મદદનીશ ઇજનેર (સિવિલ) ની 02 ભરતી પ્રક્રિયા, રેન્જ ફોરેસ્ટ ઓફીસરની ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે.
2. OMR આન્સરશીટ અપલોડીંગ : આયોગ દ્વાર પ્રાથમિક કસોટીનું આયોજન મુખ્યત્વે અમદાવાદ/ગાંધીનગર ખાતે કરવામાં આવે છે, પરંતુ જ્યારે લાખોની સંખ્યામાં ઉમેદવાર હોય ત્યારે સમગ્ર રાજ્યમાં આ પરીક્ષાનું આયોજન થાય છે. પ્રાથમિક પરીક્ષા MCQ ટાઈપની પરીક્ષા હોય છે. પરીક્ષા પૂર્ણ થયા પછી, કાં તો તે જ દિવસે અથવા ગાંધીનગર/અમદાવાદની બહાર દૂરના જિલ્લાઓમાં પરીક્ષાકેન્દ્રો હોય તો બાર કલાકમાં OMR આન્સર શીટને સ્કેન કરી આયોગની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે છે તથા Provisional Answer Key જાહેર કરવામાં આવે છે, જેથી ઉમેદવારો સ્વમૂલ્યાંકન કરી શકે અને પરીક્ષાની પારદર્શિતા અંગે કોઇ શંકા કે સંશય ન રહે.
3. બારકોડ અને યુનિક કોડ દ્વારા પારદર્શક અને ગોપનીય ઈન્ટરવ્યુ પ્રક્રિયા : ઇન્ટરવ્યુ એ ભરતી પ્રક્રિયાનો ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ તબક્કો હોઇ આયોગે આ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક અને પૂર્વગ્રહમુક્ત રાખવા માટે પ્રયાસો કરેલ છે. આયોગ દ્વારા ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇ એક કરતા વધારે ઇન્ટરવ્યુ બોર્ડની રચના કરવામાં આવે છે. ક્યો ઉમેદવાર ક્યા બોર્ડમાં જશે તે ઇન્ટરવ્યુ શરૂ થવાના પાંચ મિનિટ પહેલા ઉમેદવાર દ્વારા ચિઠ્ઠી ઉપાડી નક્કી કરવામાં આવે છે, તે જ રીતે ઉમેદવારનું ઇન્ટરવ્યુ પોતાના નામ, જાતિ કે અન્ય ઓળખથી ન થતા માત્ર યુનિક કોડથી થાય છે અને આ યુનિક કોડ પણ પહેલેથી સુનિશ્ચિત ન હોતા ઉમેદવાર ઇન્ટરવ્યુ શરૂ થતા પહેલા લોટરી ડ્રોથી મેળવે છે. આમ, આખરી મિનિટ સુધી ઉમેદવારને તથા ઇન્ટરવ્યુ બોર્ડને ક્યો ઉમેદવાર ક્યા બોર્ડમાં જશે અને ક્યા નામથી જશે તે ખબર હોતી નથી. તે જ રીતે ક્યા એક્સપર્ટ ક્યા બોર્ડમાં બેસશે તે પણ પહેલેથી સુનિશ્ચિત ન કરતા દરરોજ લોટરી ડ્રો દ્વારા નક્કી થાય છે.
4. વર્ણનાત્મક પરીક્ષામાં Digital Assessment : વર્ણનાત્મક પરીક્ષાની જવાબવહીની મૂલ્યાંકન પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવા માટે આયોગે ડિજીટલ એસેસમેન્ટ પદ્ધતિ દાખલ કરેલ છે. પરિણામને અંતે ઉમેદવારને તેઓની જવાબવહીની નકલ પૂરી પાડવામાં આવે છે.
5. આખરી પરિણામમાં પ્રાથમિક કસોટીના ગુણને 50% વેઇટેજ : 1 ઓગસ્ટ, 2016 પહેલા સીધી ભરતીના કિસ્સામાં પ્રિલિમિનરી પરીક્ષા એ માત્ર સ્ક્રીનીંગ ટેસ્ટ હતી. તેના ગુણ આખરી પસંદગી વખતે ધ્યાને લેવામાં આવતા ન હતા. 1 ઓગસ્ટ, 2016 પછી સીધી ભરતીની પ્રિલિમિનરી પરીક્ષામાં મેળવેલ ગુણના 50 ટકા ગુણભાર અને રૂબરૂ મુલાકાતમાં મેળવેલ ગુણના 50 ટકા ગુણભારને આધારે આખરી પરિણામ તૈયાર કરવામાં આવે છે.
6. Integrated Application Scrutiny System (i-ASS) : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રાથમિક પરીક્ષાઓના પરિણામોની ઘોષણા પછી પ્રમાણપત્રો અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી છે. અગાઉ ઉમેદવારોએ રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા આ પ્રમાણપત્રો મોકલવાના થતા. દૂર દૂરના વિસ્તારોમાં રહેતા ઉમેદવારો માટે આ પ્રમાણપત્રો આયોગની ઓફીસ પર આવી મેન્યુઅલી સબમિટ કરવા એક સમય માંગી લેતી અને ખૂબ ખર્ચાળ પ્રક્રિયા હતી. તદ્દઉપરાંત, પરિવહન દરમિયાન દસ્તાવેજો ખોવાઈ જવાની અથવા પોસ્ટમાં ગુમ થવાની સંભાવનાને નકારી શકાતી ન હતી. ક્યારેક એવું બને કે પોસ્ટ જાહેરાતની અંતિમ તારીખ પછી કમિશન સુધી પહોંચે. ઉમેદવારોની સરળતા માટે આયોગે iASS (ઇન્ટિગ્રેટેડ એપ્લિકેશન સ્ક્રુટિની સિસ્ટમ) શરૂ કરેલ છે.
ઘણા લોકો તેને ફેસલેસ એડમિનિસ્ટ્રેશન કહે છે. આયોગના કર્મચારીઓ માટે પણ આ સીસ્ટમને કારણે લોકડાઉન દરમ્યાન વર્ક ફ્રોમ હોમ શક્ય બન્યું છે. GPSC-iASS (ઇન્ટિગ્રેટેડ એપ્લિકેશન સ્ક્રુટિની સિસ્ટમ) એ ગવર્નન્સ માટેનો પ્રતિષ્ઠિત સ્કોચ સિલ્વર એવોર્ડ-2021 જીત્યો છે. આ પધ્ધતિને કારણે આયોગનું ગવર્નન્સ પેપરલેસ બનતા પર્યાવરણ માટે આવકાર્ય છે તેમજ આયોગની કચેરીમાં ફાઇલોના પોટલા ખડકવાની જરૂર થતી નથી અને સ્પેસ ઉપલબધ થાય છે તથા સ્વચ્છતા જળવાય છે.
7. ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમઃ આયોગ દ્વારા ઇન્ટરવ્યુ દરમિયાન ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધી, ‘પેન એન્ડ પેપર’ મોડથી ઇન્ટરવ્યુ લેવામાં આવતા. આ પધ્ધતિમાં ક્યા ઉમેદવારનો ઇન્ટરવ્યુ કેટલા વાગ્યે શરૂ થયો અને કેટલા વાગ્યે પૂર્ણ થયો તે રેકોર્ડ થાય છે. જ્યાં સુધી બધા જ સભ્યો દ્વારા મૂકવામાં આવેલ ગુણ સમાન ન હોય ત્યાં સુધી સોફ્ટવેર આગળ વધતું નથી, એક વાર ગુણ મૂકાઇ ગયા પછી તે લોક થઇ જાય છે અને તેમાં સુધારાને અવકાશ નથી. આમ, ઇન્ટરવ્યુના અંતે ઇન્ટરવ્યુ પેનલ માર્ક્સમાં વધ-ઘટ કરતી હશે તેવી દહેશતને કોઇ અવકાશ રહેતો નથી.
8. Computer Based Recruitment Test (CBRT) : જે જગ્યાની પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યા મર્યાદીત છે ત્યાં આયોગે કોમ્પ્યુટર આધારીત પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે. અત્યારે આયોગની બિલ્ડીંગમાં 1000 બેઠકોની ક્ષમતા છે. જેમાં અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. આ પ્રક્રિયાથી પેપર છપાવવાની અને આનુષાંગિક પ્રવૃત્તિથી મુક્તિ મળેલ છે.
9. ચેટબોટ : VANI-Virtual Assistance of NIC અરજદારોના FAQને 24X7 ઓનલાઈન તરત જ સંબોધવા માટે, આયોગે 2019થી ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં કમિશનના પ્રચલિત નિયમો અને વિનિયમોને અનુરૂપ તમામ FAQ અને તેમના જવાબોનું સંકલન કર્યું છે.
10. રાજ્યોના જાહેર સેવા આયોગના અધ્યક્ષોની નેશનલ કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટિના અધ્યક્ષ તરીકે વરણી : માર્ચ, 2020 દરમ્યાન ચંદીગઢ, હરિયાણા ખાતે યોજાયેલ રાજ્યોના જાહેર સેવા આયોગના અધ્યક્ષની ૨૨ મી નેશનલ કોન્ફરન્સમાં લેવાયેલ નિર્ણય મુજબ ડીસેમ્બર-2020થી ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષ ડૉ. દિનેશ દાસાની સ્ટેન્ડીંગ કમિટિના અધ્યક્ષ તરીકે વરણી / પસંદગી કરવામાં આવેલ છે. ગુજરાત જાહેર સેવા આયોગના ઇતિહાસમાં પ્રથમ વખત જ ગુજરાત જાહેર સેવા આયોગના અધ્યક્ષને સ્ટેન્ડીંગ કમિટિના અધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ કામગીરી સોંપવામાં આવેલ છે.
11. સમગ્ર દેશમાં સિવિલ સર્વિસ માટે મોડેલ પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમનો મુસદ્દો તૈયાર કરવામાં પહેલ : વર્ષ –2017 માં શિલોંગ ખાતે આયોજિત રાજ્યોના જાહેર સેવા આયોગના અધ્યક્ષોની નેશનલ કોન્ફરન્સની સ્ટેન્ડીંગ કમિટિની મીટીંગમાં GPSCના અધ્યક્ષ ડો. દાસા ના અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સબ-કમિટિને સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોની સિવિલ સર્વિસ પરીક્ષા માટેની પેટર્ન અને અભ્યાસક્રમ માટે મોડેલ ડ્રાફ્ટ તૈયાર કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. સમિતિએ પૂરતો વિચાર-વિમર્શ કર્યો અને ત્યારબાદ વર્ષ-2018માં ગોવા ખાતે યોજાયેલ 20મી નેશનલ કોન્ફરન્સમાં તેનો અહેવાલ સુપરત કર્યો, જેને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો. આયોગ દ્વારા વર્ષ-2017થી સિવિલ સર્વિસની પરીક્ષામાં વૈકલ્પિક વિષયને દૂર કરવામાં આવ્યો. આથી સ્કેલીંગને કારણે ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ આવેલ છે. GPSC દ્વારા અમલમાં આવેલ સુધારાને સમગ્ર ભારતના અન્ય PSC દ્વારા પણ અપનાવવામાં આવે છે, જેને કારણે ઉમેદવારોને UPSC અને State PSCની પરીક્ષાની તૈયારી સરળતાથી કરી શકે છે.
12. સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ પર સક્રિયતા : કમિશને GPSC (Official) નામની મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે. દરેક સૂચના ટ્વિટર હેન્ડલ @GPSC_OFFICIAL પર ટ્વીટ કરવામાં આવે છે. જીપીએસસીના અધ્યક્ષ ડૉ. દિનેશ દાસા પોતે પણ ટ્વીટર, ફેસબૂક અને ટેલીગ્રામના માધ્યમથી યુવાનો સાથે સતત સંપર્કમાં રહી તેમની નાની-મોટી મૂંઝવણોને દૂર કરવાનો પ્રયત્ન કરતા રહ્યા.
આમ દિનેશ દાસાનો કાર્યકાળ એક મોડેલ કાર્યકાળ કહી શકાય. એક યોગ્ય વ્યક્તિની નિમણૂકથી કેટલો ફાયદો થાય છે તે આનાથી સાબિત થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..