ડ્રાઇવરની પ્રમાણિકતાને સલામ, 9 લાખના દાગીના-રોકડ ભરેલી બેગ પરત કરી
નવસારીના જલાલપોર ખાતે વસેલા મૂળ અમરેલીના સુવાગીયા પરિવાર પુત્રની જાન લઈને અમરેલી ગયા હતા. બસમાં પરત નવસારી આવ્યા પણ લગ્નની ખુશીમાં રોકડ દાગીના ભરેલું પાકીટ ભુલી ગયા હતા. સવારે બસ માલિકને ફોન કર્યો તેણે ડ્રાઈવરને જાણ કરતા બસમાં મુકેલા 8થી 9 લાખના દાગીના-રોકડનું પાકીટ તેમના સગાસંબંધીઓને પહોંચાડ્યું હતું. પુરસ્કાર આપવા જતા ડ્રાઈવરે રોકડ નહીં આશિર્વાદ આપો તેમ જણાવી પ્રમાણિકતા આજના યુગમાં જીવે છે તે સાબિત કરી આપ્યું હતું.
નવસારીના જલાલપોરના ગૌરીશંકર મહોલ્લા ખાતે રહેતા ઘનશ્યામ ગોવિંદ સુવાગીયા (મૂળ ચાંદગઢ, જિ. અમરેલી)ના પુત્ર દર્શનની જાન અમરેલીના વાંઝીયા ગામે લઈને ગયા હતા. અમરેલી-સુરત ખાતે ચાલતી શ્રી સ્વસ્તિક ટ્રાવેલ્સની બસમાં જાનૈયાઓ પરત નવસારી આવ્યા હતા. લગ્ન બાદ સુવાગીયા પરિવાર કન્યાદાનના દાગીના-રોકડ રકમનું પાકીટ તેમની બેઠક નીચે જ મુક્યું હતું તે લેવાનું ભુલી ગયા હતા. સવારે ખબર પડતા તરત જાન જે બસમાં ગઇ હતી તે સ્વસ્તિક ટ્રાવેલ્સની ઓફિસે ફોન કર્યો હતો.
ટ્રાવેલ્સના માલિક દિપુભાઈ માણેકે ડ્રાઈવર અશોકભાઈ વાળંદનો સંપર્ક કર્યો હતો. બસે સુરત ખાતે જ રાત્રિ રોકાણ કરતા ડ્રાઈવર અશોકભાઈએ બસમાં શોધખોળ કરતા સિટ નીચેથી પાકીટ મળી આવ્યું હતું. સુવાગીયા પરિવારે સુરત ખાતે રહેતા તેમના સગાસંબંધીઓને પાકીટ લેવા મોકલ્યા અને દાગીના રોકડ રકમ મળી ગયાની ખાતરી કરી પાકિટમાં ક્યાંય ઓછુ ન હતું. જેની જાણ નવસારી પરત આવેલા સુવાગીયા પરિવારને થતા ગમગીનીનું વાતાવરણ ઉલ્લાસમાં ફેરવાયું હતું. અશોકભાઈને રૂ. 2 હજારનો રોકડ પુરસ્કાર આપવા જણાવ્યું પરંતુ અશોકભાઈએ તે ન સ્વીકારી કહ્યું કે સદકાર્યો થતા રહે એવા આશિર્વાદ આપો અને તેમ કહીં પુન: ફરજ પર ચડી ગયા હતા. તેમણે આજના યુગમાં પ્રમાણિકતા જીવે છે તે સાબિત કરી આપ્યું હતું.
ડ્રાઈવર-માલિકની પ્રમાણિકતાને વંદન
ચાંદગઢ અમરેલીની બસમાં ઘરે આવ્યા બાદ બીજા દિવસે વહુને ઘરેણાં પહેરાવવાના હોય છે ત્યારે યાદ આવ્યું કે ઘરેણાં ની થેલી બસમાં જ રહી ગઈ . અમને મળશે કે કેમ ω ઘરના બધા ટેન્શનમાં આવી ગયા હતા. કોઈને વિચાર આવ્યો કે બસના માલિકને ફોન કરીએ દાગીના ભરેલી થેલી બસમાં રહી ગઈ છે .ડ્રાઇવરે પ્રમાણિકતાથી થેલી શોધી અમને આપી હતી. ડ્રાઈવર-માલિકની પ્રમાણિકતાને વંદન. – ઘનશ્યામ સુવાગીયા, વરરાજાના પિતા, નવસારી