સાંસદના ડ્રાઇવરે લોકડાઉનમાં નોકરી ગુમાવી તો રાજમા-ભાત વેચવા લાગ્યા; હવે મહિને એક લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પાસે કારમાં ફૂડ સ્ટોલ લગાવીને 35 વર્ષના કરણ કુમારની કહાનીમાં દુઃખ, નિરાશા અને એમાંથી બહાર નીકળવાની વાત છે. કરણ અને તેમનાં પત્ની અમૃતા દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ વિસ્તારમાં એક સર્કલ પાસે પોતાની અલ્ટો કારમાં રાજમા-ભાત, કઢી-ભાત અને રાયતું વેચી રહ્યાં છે.
દરરોજ સવારે ફરીદાબાદથી ખાવાનું બનાવીને લાવે છે. અહીં આવીને પોતાની કારની બાજુમાં એક પોસ્ટર લગાવે છે. કારની પાછળનો ભાગ ખોલે છે, જેવી રીતે પોતાની રેસ્ટોરાંનું શટલ ખોલી રહ્યા હોય. ત્યાર બાદ શરૂ થાય છે તેમનો વેપાર. કરણ કહે છે, આજે ભગવાનની કૃપાથી બધું બરાબર ચાલી રહ્યું છે. હું હવે નોકરી કરીશ જ નહીં. જો બધું બરાબર રહેશે તો અમે પોતાની જ રેસ્ટોરાં ખોલી દઈશું.
કરણ કહે છે, હું સાંસદની ગાડી ચલાવતો હતો. સરકારી નહીં, પ્રાઈવેટ. લોકડાઉન લાગ્યું તો બીજા જ મહિને તેમણે મને નોકરીમાંથી કાઢી મૂક્યો. જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે તેમના બંગલાના સેવકોના નિવાસસ્થાનમાં મારી પત્ની સાથે રહેતો હતો. નોકરી ગઈ તો ઘર પણ છીનવી લેવામાં આવ્યું. અમે બંને ખુલ્લા આકાશ નીચે આવી ગયાં. ઘરમાં જે કંઈ પણ સમાન હતો એને એક ગેરેજમાં મૂક્યો. અમે ત્યાં સામાન રાખી મૂકી શકતા હતા, પરંતુ ત્યાં રહી શકતા નથી.
કરણ અને તેની પત્ની બે મહિના સુધી અલ્ટો કારમાં સૂતાં હતાં અને ગુરુદ્વારાઓમાં લંગરમાં ખાઈને પોતાનું પેટ ભરતાં હતાં. કરણે નવી નોકરી માટે ખૂબ પ્રયત્ન કર્યા. આમ-તેમ અનેક ફોન પણ કર્યા, પરંતુ લોકડાઉનને કારણે ક્યાંય પણ કામ મળ્યું નહિ. ત્યાર પછી કાર દ્વારા જ ફૂડ સ્ટોલ લગાવવાનું શરૂ કર્યું.
ઘરનો સામાન વેચીને શરૂ કર્યું કામ
પોતાની આ યાત્રા, આ યાત્રાની મુશ્કેલીઓ અને તેને હવે મળતી ખુશી વિશે અમૃતા કુમાર કહે છે, “બધું ખૂબ જ મુશ્કેલ હતું. જ્યારે આ બધું બન્યું હતું ત્યારે એવું લાગતું હતું કે જીવન જ સમાપ્ત કરવું પડશે. મારા પતિએ બીજી નોકરી માટે ખૂબ જ પ્રયાસ કર્યા, પણ મળી નહીં. હું તેમને સતત પોતાનું કામ શરૂ કરવા માટે સમજાવતી હતી અને તેઓ ટાળી રહ્યા હતા. તેમની સમસ્યા એ હતી કે આ બધું કામ કેવી રીતે શરૂ કરીશું? પછી અમે અમારો કબાટ વેચી દીધો અને જે રૂપિયા મળ્યા એનાથી કામ શરૂ કર્યું.”
અમૃતાની મોટી મોટી આંખોમાં એક ખાસ ચમક છે. ચમક પોતાના જીવનને પાટા પર લાવવાની. ચમક પોતાના ભવિષ્યને સુધારવાની, પરંતુ, શું શરૂઆતમાં પણ એ ચમક હતી. અમૃતા કહે છે, “નહીં. પહેલા દિવસે અમે ત્રણ કિલો ભાત, અડધો કિલો રાજમા અને અડધો કિલો છોલે બનાવ્યા. બધું બનાવીને ફરીદાબાદથી નીકળ્યા. થોડા સમય માટે આઇટીઓ પર રોકાયાં. બીજી ઘણી જગ્યાએ પણ રોકાયાં હતાં. અહીં આવતાં આવતાં ત્રણ વાગી ગયા હતા અને બધું જ ખાવાનું ઠંડું થઈ ગયું હતું અને એક પ્લેટ પણ વેચાઇ ન હતી. અમે અહીં બેઠેલા ભિખારીઓને બધું જ ખાવાનું આપી દીધું હતું અને ઉદાસ મનથી પરત ફર્યાં હતાં, પરંતુ, ધીરે ધીરે લોકો આ સ્થળે આવવા લાગ્યા અને હવે બધું બરાબર થઈ રહ્યું છે.”
આજે અમૃતાના કિચનમાં દરરોજ 8 કિલો ભાત, અઢી કિલો રાજમા, 2 કિલો છોલે, 3 કિલો કઢી અને 5 કિલો રાયતું બને છે. તેઓ સવારે 11 વાગે ત્યાં પહોંચે છે અને બપોરે 2 વાગતાં સુધીમાં ખાવાની બધી જ વસ્તુ વેચાઈ જાય છે. દરરોજ લગભગ 100 લોકો જમવા માટે આવે છે. અડધી પ્લેટની કિંમત 30 રૂપિયા અને આખી પ્લેટની કિંમત 50 રૂપિયા છે. આ રીતે મહિનામાં એક લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર થઈ જાય છે. અમૃતા કહે છે, “અત્યારે અમારી પાસે નાનાં-નાનાં વાસણો છે. મારે તેટલું બધું રાંધવા માટે સવારે 3 વાગ્યે ઊઠવું પડે છે. એના કરતાં વધુ એમાં રંધાઈ શકતું નથી. અમે જલદી જ અમારા કિચનને મોટું કરીશું. ઘણા લોકો જમ્યા વિના પાછા જાય છે અને એ અમને યોગ્ય લાગતું નથી. અમે ટૂંક સમયમાં એક સેટઅપ તૈયાર કરીશું.
કેટલાક મહિના પહેલાં નોકરીથી મળતા થોડાએવા પગાર પર નિર્ભર આ દંપતીએ હવે પોતાના વેપારને જ આગળ લઈ જવાનું મન બનાવી લીધું છે. કરણ કહે છે, “જ્યારે એ સમય વિતાવી લેવામાં આવ્યો હતો જેમાં એવું લાગી રહ્યું હતું કે આજે નહીં તો કાલે અમારે બંનેએ ફાંસી લગાવીને લટકવું પડશે. જ્યારે એવું લાગતું હતું કે હવે આ જીવનનો કોઈ અર્થ નથી, તો હવે શું છે? હવે તો અમારા ‘અચ્છે દિન’ આવ્યા છે. અમે અમારા ગ્રાહકોનો આભાર માનીએ છીએ અને આગળ અમારી પોતાની જ રેસ્ટોરાં ખોલીશું. કંઇ પણ થાય, હવે હું નોકરી તો નહીં જ કરું.”
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..